________________
(૧૨૯)
ભગવાનનું પુણ્યાનુબંધી પુણ્યકર્મ ઉત્કૃષ્ટ હતું. આવા કર્મોદયવાળા આત્માની એ વિશિષ્ટતા હોય છે કે તે ઉચિતને અચૂક સેવે. સંતાનોએ માતાપિતાની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. જે માતાપિતાના ભક્ત નથી, તે સાધુ બનીને ગુરુના પણ ભક્ત બની શકતા નથી. માતાપિતાને કદાચ છેલ્લે દીક્ષા લેવા માટે છોડવા પડે તોય તરછોડાય તો કદી નહિ. સંસારી માતાપિતાનો ઉપકાર ઘણો છે, જેણે જ્ઞાન-ધ્યાન આપ્યાં, પ્રતિબોધ પમાડ્યો ને દીક્ષા અપાવી, હા. દીક્ષા લેવા માટેની શાસ્ત્રોક્ત વિધિ કર્યા બાદ માબાપને છોડી શકાય, પણ તે વખતેય તેમને તરછોડી તો ન જ શકાય.
કાવડમાં લઈને બે ભાઈઓ પોતાનાં વૃદ્ધ માબાપને જાત્રાએ લઈ જતા હતા. રસ્તામાં માબાપને સખત તરસ લાગી. એક ભાઈએ વિચાર્યું કે, ‘‘હું પાણી લેવા જઈશ અને અહીં માબાપનું પ્રાણપંખેરુ ઊડી જશે તો ? માટે મારે માબાપને છોડવાં જોઈએ નહિ, હું તો અહીં જ બેસી રહીશ.’’ બીજા ભાઈએ વિચાર્યું કે, ‘‘માબાપને તરસ લાગી છે. મારે તેમને છોડીને પાણી લેવા જવું જ જોઈએ.’’ પછી તે છોકરો આમતેમ ભટકીને પાણી લઈ આવ્યો અને તેણે માબાપને તે પીવડાવ્યું. માબાપ જીવી ગયા. આ દષ્ટાંતમાં દેખીતી રીતે જેણે માબાપને છોડ્યાં છે તેણે તરછોડ્યાં તો નથી જ. માટે તેણે વસ્તુતઃ માતાપિતાને છોડ્યાં જ નથી એમ કહેવાય. વળી પાણી લાવીને માબાપનો જીવ બચાવ્યો તેથી તે જ ખરો દીકરો કહેવાય. માત્ર પાસે બેસી રહેલો દીકરો દીકરો ન કહેવાય. આ ગ્લાન – ઔષધ – ન્યાય કહેવામાં આવ્યો છે.
(૧૨૯)