________________
(૨૧૬) કલ્પસૂત્રની વાચનાઓ
કર્યો હોત તો સામાનિક દેવ બડાશ હાંકત કે, ‘‘તમે વચમાં આવ્યા એટલે કાંઈ થયું નહીં. નહીંતર તે માનવ-કીટને હું ચલિત કરી જ દેત.’’ [આફતને હજારો દેવો અને દેવેન્દ્ર આંખ સામે જોઈ રહ્યા છે છતાં કાંઈ કરી શકાય નહિ તો આજે તો દેવોની ભરતક્ષેત્ર પ્રતિ સાવ ઉપેક્ષા જણાય છે ત્યારે તેમની સહાયની આપણે શી રીતે અપેક્ષા રાખી શકીએ.]
પછી સંગમે પોતાની દૈવી શક્તિથી પ્રભાત કર્યું, અને કહ્યું : ‘‘હે મહર્ષિ ! હે દેવાર્ય ! આપ હજુ કેમ ઊભા છો ? પ્રભાત થઈ ગયું છે, ચાલો હવે.’' પ્રભુએ જ્ઞાનથી જોઈ લીધું કે હજુ રાત્રિ છે, પ્રભાત થયું નથી. પછી સંગમે સ્ત્રી આદિના અનુકૂળ ઉપસર્ગો કર્યા કિન્તુ તેમાં તે નિષ્ફળ ગયો. આમ, એક રાતમાં તેણે વીસ ભયંકર ઉપસર્ગો કર્યા, તોય પ્રભુ લગીરે ચલાયમાન થયા નહિ. પ્રભુનું બળ આખા જગતનો નાશ કરવાને અને રક્ષણ કરવાને સમર્થ હતું, છતાં ઘોર અપરાધી સંગમ ઉપર તેમણે અગાધ દયા દર્શાવી !!! કેવી આશ્ચર્યની બિના !
સવારે સમય થતાં પ્રભુ ભિક્ષાર્થે નીકળ્યા પણ સંગમે હજી કેડો મૂક્યો ન હતો. તેણે હંમેશ ભિક્ષા દોષિત કરી. આવું લગાતાર છ માસ સુધી રોજ થવા લાગ્યું. પ્રભુને છ માસના ઉપવાસ થઈ ગયા ! કમાલ તો એ હતી કે આટઆટલું વીતવા છતાં પ્રભુની ચિત્ત-પ્રસન્નતા કદી લગીરે નંદવાઈ ન હતી. બલ્કે એ વધતી જતી હતી ! સંગમે જોયું કે પ્રભુ કોઈ પણ રીતે ચલાયમાન થયા નથી, એટલે છેવટે તેને ઇન્દ્રની બીક લાગી એથી પ્રભુને વાંદવાનો દેખાવ કરીને તે દેવલોક જવા રવાના થયો.
છઠ્ઠી
વાચના
(બપોરે)
(૨૧૬)