________________
(૨૮૯)
બાહુબલી અને ભરત
હજુ ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશતું ન હતું. કેમ કે જીતવાના બાકી હતા એક બાહુબલી. ભરતે દૂત સાથે સંદેશો મોકલ્યો : ‘‘શરણે આવો અને આજ્ઞા સ્વીકારો.'' બાહુબલીને ક્રોધ ચડ્યો. તે પોતાના બળ ઉપર મુસ્તાક હતા. ભરત સાથે બાર વર્ષ સુધી યુદ્ધ ખેલ્યું. લોહીની નદીઓ વહાવી. મડદાના ઢગ ખડકાયા, પણ કોઈએ મચક ન આપી. પારાવાર સંહારલીલા જોઈને ઇન્દ્રે તેમને વિનંતી કરી કે, ‘‘આ લોહીની નદીઓ વહાવવા કરતાં તમે બન્ને એકલા યુદ્ધ ખેલી લો.’’ એમ કરતાં બધા યુદ્ધમાં ભરત પરાજય પામતો ગયો. છેવટે એક દાવપેચમાં બાહુબલીએ ભરતને ભીંસમાં લઈ લીધો. ભરતે છેલ્લે બાહુબલી ઉપર ચક્રરત્ન મૂક્યું. પણ એક ગોત્રમાં ચક્ર ના ચાલે તેથી તે પાછું ફર્યું, એમ અન્યાયનું યુદ્ધ જાણીને મૂઠી મા૨ીને ખોપરીના ચૂરેચૂરા કરી નાંખવા માટે બાહુબલીએ મૂઠી ઉપાડી. પણ ત્યાં એક વિચાર તેને આવી ગયો કે, આ રીતે ભાઈની હત્યા કરવી એ મારા માટે બિલકુલ યોગ્ય નથી. આ કૃત્ય મારા પિતાને અને તેમના કુળને લાંછન લગાડશે. હવે ઉગામેલી મૂઠીનું શું કરવું ? એ વિચારતાં પોતાના મસ્તક ઉપરના કેશનો લોચ કરી નાંખ્યો. અને સર્વસ્વનો ત્યાગ કરીને સાધુ થઈને ત્યાં ઊભા રહી ગયા. ભરત પોતાની ભૂલની ત્યાં જ ક્ષમા યાચીને પોતાના નગરે આવ્યા.
(૨૮૯)