________________
(૧૫૩)
ઘંટનાદથી, વાહનોના આગળ વધવાના ટકરાવાથી થયેલ કોલાહલથી આખું બ્રહ્માણ્ડ ગાજી રહ્યું. એટલાં બધાં વિમાનો હતાં કે વિશાળ આકાશમાર્ગ પણ સાંકડો થઈ ગયો. પાલક વિમાન એટલું બધું વિશાળ હતું કે તેને ઉતારવા માટે આખું ભરતક્ષેત્ર પણ ટૂંકું પડે. તેથી ઇન્દ્રે નંદીશ્વર દ્વીપ પાસે તે વિમાનને સંક્ષેપી લીધું.
જન્માભિષેક-મહોત્સવ
ત્યાર પછી ઇન્દ્ર પ્રભુના જન્મસ્થાને આવ્યા. ત્યાં જિનેન્દ્ર અને તેમની માતાને ત્રણ પ્રદક્ષિણા કરી તથા તેમને નમસ્કાર કરીને તે કહેવા લાગ્યા, “હે રત્નકુક્ષી ! જગતમાં દીપિકા સમાન માતા ! આપને મારા નમસ્કાર હો. હું દેવોનો સ્વામી ઇન્દ્ર છું. તથા દેવલોકથી અહીં આવ્યો છું. મારે આ પ્રભુનો જન્મ-મહોત્સવ કરવાનો છે, માટે હે માતા ! આપ ડરશો નહીં’’.
આટલું કહીને ઇન્દ્રે માતાને અવસ્વાપિની નિદ્રા આપી. આથી માતા ગાઢ નિદ્રામાં પડી ગયા ત્યાર પછી જિનેશ્વર પ્રભુનું પ્રતિબિંબ કરીને તે માતાની પાસે રાખ્યું. પછી તીર્થંકર પ્રભુને તેણે પોતાની હથેળીમાં લીધા અને બધો લ્હાવો જાતે લેવા માટે ઇન્દ્રે પોતાનાં પાંચ રૂપો કર્યાં. એક રૂપે પ્રભુને હથેળીમાં રાખ્યા. બે રૂપો પ્રભુની પડખે રહીને બે ચામરો વીંઝવા લાગ્યા. એક રૂપે પ્રભુ ઉપર છત્ર ધર્યું. એક રૂપે વજ્ર ધારણ કરીને આગળ ચાલવા લાગ્યા.
(૧૫૩)