________________
(૧૨૧)
પર્યુષણ પર્વનો પાંચમો દિવસ : કલ્પસૂત્ર-ચોથી વાચના
સિદ્ધાર્થ રાજાએ સ્વપ્નલક્ષણપાઠકોના તેમના ગુણોની સ્તુતિ કરીને વંદન કર્યું. ફળ, ફૂલ, વસ્ત્ર વગેરેથી તેમનું સન્માન કર્યું. ત્યાર પછી તે સ્વપ્નપાઠકો આસનો ઉપર બેઠા. સિદ્ધાર્થે ઘણા વિનયપૂર્વક ત્રિશલા મહારાણીને આવેલ ચૌદ સ્વપ્નો અંગેની વાત તે સ્વપ્નપાઠકોને કરી અને તે અંગેનું પરિણામ શું હશે તે જણાવવા વિનંતી કરી. અહીં આર્યદેશની પ્રણાલિકા દર્શાવી છે કે રાજા (ભગવાન) કે ગુરુ તથા (વિશેષતઃ) નૈમિત્તિકાદિને ખાલી હાથે કદાપિ મળવું નહીં, કેમકે ફળના દાનથી ફળ મળે છે. અફસોસ ! આજે તો ભગવાન પાસે ૧૦ પૈસાની બદામ મુકાય છે ! ગુરુ પાસે મફતિયો વાસક્ષેપ નંખાવાય છે !
આર્યદેશની પ્રણાલિકા મુજબ સિદ્ધાર્થ રાજાએ ઊભા થઈને અતિ નમ્ર બનીને, યોગ્ય સન્માન કરીને જે સ્વપ્ન અંગેના ફળ વિષે પૂછ્યું તે સાંભળીને તેઓ ખૂબ હર્ષ પામ્યા. ત્યાર પછી તેઓ બધાએ તે સ્વપ્નોને હૃદયમાં ધારી રાખીને, તેમના અર્થનો વિચાર કરીને, પરસ્પર મસલત કરવા લાગ્યા. આમ, સંવાદ-વિચાર-વિનિમય કરીને સ્વપ્નોના અર્થ જાણ્યા તેઓએ તે વિષયમાં પરસ્પર એકબીજાના અભિપ્રાય પૂછ્યા અને છેવટે નિશ્ચિત મત નક્કી કરીને એકમત થઈ ગયા. પછી સિદ્ધાર્થ રાજા સમક્ષ શાસ્ત્રો અનુસાર કહેવા લાગ્યા.
(૧૨૧)