________________
१७
એક જગાએ તેમણે કહ્યું છે એમ, બાળક પણ સમજી શકે એવી સરળતાથી વસ્તુ મૂકી શકાય, તો તે તેની સાચી સમજની પાકી કસોટી છે, એમ માનવું. એમની કલાદૃષ્ટિ આ કસોટીમાં પાર પડે એવી છે.
મનુષ્ય સામાજિક પ્રાણી છે. અરસપરસ વિનિમય કરવાની તેને સ્વાભાવિક ભૂખ હોય છે – એક પ્રકારની અદમ્ય આંતરિક ભૂખ હોય છે. તેથી ચિત્તમાં પ્રતીત થવું અને તેને વ્યક્ત કરવું, એ એક જ અનુભવનાં બે પાસાં છે. દહી અને દેહ, તેમ આ પ્રત્યય અને તેનું વ્યંજન છે.
આ વસ્તુ માનવ ચિત્તની ખાસિયત છે. તેને લીધે માણસ રાની પશું ન રહેતાં, માનવ પ્રાણી અને સામાજિક પ્રાણી બને છે;– જે વસ્તુ તેનામાં અને નીચલી યોનિઓમાં ભેદ પાડનારી છે.
આ વિનિમય માણસ બે વસ્તુનો સાધે છે: ૧. તર્ક કે બુદ્ધિથી તેને જે વિચાર આવે તેનો; ૨. મનમાં લાગણી ફુરે તેનો.
અને તે માટે તેને પોતાનાં બે સાધન છે:– વિચાર-વિનિમય કરવા માટે માણસ ભાષા વાપરે છે; અને ભાવના કે લાગણીને વિનિમય કરવાનું તેનું સાધન કલા છે.
આમ “કલા એ મનુષ્ય મનુષ્ય વચ્ચે વિનિમયનું એક સાધન છે.'
અને એ સાધનનો “આધાર એ હકીકત પર છે કે, એક માણસ પોતે અનુભવેલી ઊર્મિ કે લાગણી વ્યક્ત કરે, તેને સામો માણસ પિતાનાં કાન કે આંખથી ઝીલીને અનુભવી શકે છે.” (૩૩.) “આમ સામા માણસની લાગણીઓનો આવિષ્કાર ઝીલીને પોતે જાતે તેમને અનુભવી શકવું, એવા પ્રકારની જે મનુષ્ય-શક્તિ, તેના ઉપર કલાપ્રવૃત્તિ અવલંબે છે.” (૩૩.)
એટલે “કર્તાએ અનુભવેલી લાગણીઓથી જો શ્રોતા કે પ્રેક્ષક વર્ગ ચેપાય, તો તે કૃતિ કલા છે. (૩૫.) “પોતે એક વાર અનુભવેલી લાગણી પાછી પોતામાં જગવવી, અને એમ કરીને પાછી તેને, હલનચલન, રેખા, રંગ, ધ્વનિ કે શબ્દ-ચિત્રણ દ્વારા બીજાઓને એવી રીતે પહોંચાડવી, કે જેથી તે જ લાગણી તેઓ અનુભવે, – કલાપ્રવૃત્તિ આ વસ્તુ છે.” (૩૫)