________________
કુઝર સોનાટા” નામથી એક ક્યા લખે છે, જેમાં તે સંગીત અને સ્ત્રીપુરુષસંબંધ વચ્ચે કેવી ગાંઠ છે, એ બતાવે છે. સંગીતથી ભ્રષ્ટ પણ થઈ શકાય, એ એમાં બતાવ્યું છે. સંગીતની ઉદાત્ત અસર પણ છે, એ ટોસ્ટૉય માને તો છે; પરંતુ તે આમાંથી એ વિચાર તરફ વળે છે કે, કલા-ખાતર-કલા નહિ, પણ જીવનને ખાતર બધું જ છે તેમ જ કલા પણ હોવી જોઈએ. જોકે, આ સ્પષ્ટતા આ કથામાં તો નથી. તે તો છેવટની આ કલા-મીમાંસાની ચોપડીમાં જ આવે છે. અસ્તુ.
ત્યાર પછીનાં વર્ષોમાં તેમના ચિંતનાત્મક ગ્રંથોમાં “ઈશ્વરનું રાજ્ય તમારા અંતરમાં છે' (૧૮૯૩), “ખ્રિસ્તી ધર્મ અને દેશાભિમાન', “ધર્મ અને નીતિ, “બુદ્ધિ અને ધર્મ' (૧૮૯૪), “દેશાભિમાન અને શાંતિ (૧૮૯૬), એ પ્રસિદ્ધ થાય છે. અને બે વર્ષ પછી–૧૮૯૮માં, તે બધા ગ્રંથોના સમારોપ કે સમન્વય જેવો આ કલાગ્રંથ બહાર પાડે છે.
વાચક જોશે કે, ઉપરના બધા નિબંધોનો નિચોડ, એક કલાકારની છટાભેર, આ ગ્રંથમાં આવી જાય છે. કારણ ઉઘાડું છે: ટૉલ્સ્ટૉયને મન કલા મહાન વસ્તુ છે. તે રંજન નથી, ખેલ નથી, પણ જીવન ઘડનાર એક આમ-પરિબળ છે. ૧૮૭૮માં “આત્મનિવેદન કરતાં એમને પોતાના કલાકાર્ય વિશે શંકા ઊઠી, તેનો વીસ વર્ષે તે આ નિબંધ દ્વારા ઉકેલ પોતાની જાતને આપે છે, અને કહે છે કે, “આ મારું લખાણ નિરુપયોગી નહિ થાય . . . (કેમ કે) મારો મૂળ વિચાર ખરો છે.”
કળા મૂળે શું છે ટૉલ્સ્ટૉયે પોતાને આ જવાબ એવો પગથિયાવાર મૂક્યો છે કે, તેમના નિબંધનું ઓછું જોવાથી પણ તેની સળંગ રૂપરેખા મળી જાય છે. વીસ પ્રકરણમાં નિબંધ પૂરો થાય છે. તેમણે તેમનાં નામ નથી પાડ્યાં. અહીં આગળ આપણે તેમના જવાબને જ ટૂંકમાં જોઈશું.