Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
ધર્મોપદેશવાળા – ‘હિતશિક્ષા રાસ’,
જૈન સિદ્ધાંતોનું નિરૂપણ કરતાં ‘દ્રવ્ય, ગુણ, પર્યાયનો રાસ’, ‘બાર વ્રત રાસ’. આમ વિવિધ વિષયોને આવરી લેતા સંખ્યાબંધ રાસાઓ મધ્યકાલીન ગુજરાતીમાં રચાયા છે. આ રાસાઓમાં વિશેષતઃ ઐતિહાસિક વિષયવસ્તુવાળા રાસાઓમાં ભરપૂર ઐતિહાસિક સામગ્રી સંગ્રહાયેલી હોઈ એનું વિશેષ દસ્તાવેજી મૂલ્ય પણ છે. ‘હીરવિજયસૂરિ રાસ' જેવી કૃતિ એનું એક ઉદાહરણ છે. સાધુઓની ગુરુ પરંપરા પણ આ બધી રાસાસ્કૃતિઓમાં સચવાયેલી જોવા મળે છે. તે ઉપરાંત કૃતિના અંતભાગમાં રચના વર્ષ અને સ્થાનનો પણ નિર્દેશ સામાન્યતઃ મળતો હોય છે.
જુદા જુદા સમયને તબક્કે એક જ વિષય પર એકથી વધુ કવિઓએ રાસાઓની રચના કરી હોય એવાં ઉદાહરણો પાર વિનાનાં છે. જેમ કે ‘શત્રુંજય રાસ’ નયસુંદર, સમયસુંદર, જિનહર્ષ, ઉદયરત્ન આદિ કવિઓએ રચ્યો છે. એ જ રીતે એક જ કવિની રાસકૃતિની અનેક હસ્તપ્રતો લખાયેલી પ્રાપ્ત થઈ છે. જેમ કે સમય સુંદરના ‘નલ દવદંતી રાસ’ની ૪૪ હસ્તપ્રતો થયેલી છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઘણો મોટો ભાગ રોકીને બેઠેલા આ ગંજાવર રાસ સાહિત્યમાંથી હજી મુદ્રિત સ્વરૂપે ઘણું ઓછું પ્રકાશિત થયું છે. ઘણી કૃતિઓ હજી કેવળ હસ્તપ્રતરૂપે જ જ્ઞાનભંડારોમાં સચવાયેલી છે.
-
વિક્રમના ૧૩થી ૧૫મા શતકના ગાળામાં શાલિભદ્રસૂરિનો ‘ભરતેશ્વર બાહુબલિ રાસ', ધર્મસૂરિનો ‘જંબુસ્વામી રાસ', પાલ્હણનો ‘આબુરાસ’, વિનયચંદ્રનો ‘બાર વ્રત રાસ' તેમ જ શાલિસૂરિનો ‘વિરાટ પર્વ' જેવી રચના એમાં પ્રયોજાયેલાં અક્ષરમેળ વૃત્તોને કારણે ધ્યાન ખેંચે છે. વિક્રમના સોળમા શતકમાં લાવણ્ય સમયે ‘વિમલ પ્રબંધ રાસ’, સહજસુંદરે ‘ઋષિ દત્તા મહાસતી રાસ’, ‘પ્રસન્નચંદ્ર રાજર્ષિ રાસ' જેવી રાસા કૃતિઓ આપી છે.
વિક્રમના સત્તરમા શતકમાં જયવંતસૂરિએ ‘શૃંગાર મંજરી/શીલવતીચરિત્ર રાસ', કુશલ લાભની ‘માધવાનલ કામ કંદલા' ચોપાઈ/રાસ વગેરે મુખ્ય છે. નયસુંદરના ‘નલ દમયંતી રાસ', ‘રૂપચંદકુંવર રાસ’ મુખ્ય છે. સમયસુંદરે ૧૯ જેટલી નાની મોટી રાસ કૃતિઓ રચી છે.
આજ શતકમાં થયેલા ખંભાતના શ્રાવક કવિ ઋષભદાસે કુલ ૩૨ રાસાઓ રચ્યા છે. એમની સૌથી મહત્ત્વની કૃતિ ‘હીરવિજયસૂરિ રાસ’ (સં. ૧૬૮૫) ૧૧૦ ઢાળનો ૩૧૩૪ કડીનો છે.
વિક્રમના ૧૮મા શતકમાં થયેલા જિનહર્ષે લગભગ ૩૫ જેટલા રાસાઓ રચ્યાં છે. એમાં ‘શત્રુંજય માહાત્મ્ય રાસ' (ર.સં. ૧૭૫૫) સૌથી મહત્ત્વનો અને ૮૬૦૦ કડીનો વિશાળકાય રાસ છે. લઘુ હરિભદ્રાચાર્યનું બિરુદ પ્રાપ્ત કરનાર ઉપાધ્યાય શોવિજયજીએ ‘દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ’, ‘જંબૂસ્વામીનો રાસ', વગેરે રાસો રચ્યા છે. જ્ઞાન.િમલસૂરિએ ‘ચંદ્ર કેવલી રાસ’ જેવા ૭ રાસાઓની રચના કરી છે. તેમ જ ઉદયરત્ન વાચકે ૧૯ ૨.સાઓ રચ્યા છે. વિક્રમની ૧૯મી શતકમાં ઉત્તમવિજય શિષ્ય પજ્ઞવિજયે ‘નેમિનાથ રાસ' વગેરે ૪ રાસો રચ્યા છે. પં. વીરવિજયજીએ ‘સુરસુંદરી રાસ’, ‘ધમ્મિલકુમાર રાસ' વગેરે વિપુલ સાહિત્ય સર્જન કર્યું છે. એમાં વિશેષ કરીને એમની વિવિધ દેશીઓની લય છટાઓમાં રચાયેલી પૂજાઓ ખૂબ જ જાણીતી છે.
આમ ‘ભરતેશ્વર બાહુબલિ રાસ'થી શરૂ થઈને આ રાસા સાહિત્યનો પ્રવાહ વિક્રમની ૧૫ શતક સુધીમાં સુપેરે છવાઈ જઈ ૧૬, ૧૭, ૧૮મા શતકમાં કેટલાક નોંધપાત્ર તેમ જ અન્ય અસંખ્ય