Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
પણ પછી અપભ્રંશ મહાકાવ્યના અને લાંબાં દીર્ઘકાવ્યોના અનુસરણમાં એમાં કથન તત્ત્વ ઉમેરાતાં એ કથાનાત્મક પદ્ય રચનાનો પ્રકાર બની ગયો. ક્રમશઃ આ રાસાઓ જેમ જેમ વધુને વધુ દીર્ઘ રચનાઓ થતી ગઈ તેમ તેમ ઊર્મિતત્ત્વની સધનતા એમાંથી ઓછી થતી ગઈ.
બારમીથી પંદરમી સદીના રાસા ઠવણી, કડવાં, ઢાલ જેવા વિભાગોથી વિભક્ત થતા અને દુહા, ચોપાઈ, સોરઠા, રોળા જેવા માત્રામેળ છંદોમાં રચાતા હતા. આ છંદો ગેય પણ હતા.
તે પછીના રાસા ખંડ, અધિકાર, ઉલ્લાસ જેવા વિભાગોમાં વિભક્ત થવા લાગ્યા. ખંડ પણ વિવિધ ઢાળોમાં વહેંચાતો. રાસાની આવી ઢાળો પહેલા પોતે જ રાગસૂચક હતી. ધીમે ધીમે એ વિષય કે પ્રસંગની નિર્દેશક બની ગઈ. રાસાની આવી ઢાળો વિવિધ ગેય દેશીઓમાં ગવાતી અને એ દેશીઓના ઢાળનો મથાળે નિર્દેશ કરવામાં આવતો.
સમય જતાં આ “રાસ/રાસો' સંજ્ઞા ચુસ્ત રહી શકી નથી. સામાન્ય રીતે દીર્ઘ કથનાત્મક પદ્યકૃતિ માટેની સંજ્ઞા જ એ રહી ગઈ છે. આવી કથાનાત્મક પદ્યરચનાઓ ચારિત્રકથાઓ હોય, ઈતિહાસકથાઓ હોય, લૌકિક કથાઓ કે રૂપકકથાઓ હોય એ સર્વને માટે રાસ' સંજ્ઞા વપરાયેલી જોઈ શકાય છે. ‘જંબુ સ્વામી ચરિય' જેવી ચરિત્રકથા, ‘જંબુસ્વામી રાસ'ને નામે ‘વિમલ પ્રબંધ', ‘કુમારપાળ પ્રબંધ' જેવી ઈતિહાસકથાઓ તેમ જ “માધવાનલ કામ કંદલા ચોપાઈ' જેવી લૌકિક કથાઓ ‘માધવાનલ કામ કંદલા રાસ' તરીકે પણ ઓળખાવાઈ છે.
| ગુજરાતી ભાષાની નિશ્ચિત રચના વર્ષ ધરાવતી સૌથી જૂનામાં જૂની કૃતિ તો “ભરતેશ્વર બાહુબલિ ઘોર’ છે પરંતુ રાસ' સંજ્ઞાવાળી જૂનામાં જૂની ઉપલબ્ધ કૃતિ ભરતેશ્વર-બાહુબલિ રાસ છે. જૈન આચાર્ય શાલિભદ્રસૂરિએ સં. ૧૨૪૧ (ઈ.સ. ૧૧૮૫)માં એની રચના કરી હતી. આમ મધ્યકાળના ફાગુ જેવા કેટલાક અન્ય પદ્ય પ્રકારોની જેમ રાસા સ્વરૂપ પણ મુખ્યત્વે જૈન સાધુ કવિઓને હાથે વધુ ખેડાયું અને વિકસ્યું છે. પ્રાન્ નરસિંહ તબક્કામાં આ સ્વરૂપ એવું ખીલ્યું કે પ્રાચીન ગુજરાતી સાહિત્યના એ ગાળાને કે. કા. શાસ્ત્રી “રાસયુગ’ને નામે ઓળખાવે છે.
રાસા' સંજ્ઞાવાળી રચનાઓમાં બધા જ પ્રકારના કથાનકોનો સમાવેશ થતો હોઈ અખૂટ વિષય વૈવિધ્ય આ સ્વરૂપે પૂરું પાડ્યું છે. જેમ કે,
ઈતિહાસ પ્રસિદ્ધ રાજાઓ અને મંત્રીઓના ચરિત્રવાળા – કુમારપાળ રાસ', ‘વસ્તુપાળ – તેજપાળ રાસ', “પેથડશાહ રાસ'.
ધાર્મિક પરંપરાના રાજપુરુષોના ચરિત્રવાળા – પ્રદેશી રાજાનો રાસ', ‘શ્રેણિક રાજાનો રાસ'.
ધાર્મિક પરંપરાના તેમ જ ઈતિહાસ પ્રસિદ્ધ સાધુભગવંતોના ચરિત્રોવાળા – ‘વયરસ્વામી * રાસ', “હીરવિજયસૂરિ રાસ'.
તીર્થકરો – ગણધરોના કથાનકોવાળા – નેમિનાથ રાસ', “ગૌતમસ્વામીનો રાસ'. શ્રેષ્ઠીઓ – સતી સ્ત્રીઓના કથાનકોવાળા – “સુદર્શન શ્રેષ્ઠીનો રાસ', ‘ચંદનબાળાનો રાસ'.
ચૈત્યપરિપાટી, સંઘયાત્રા, જિનાલયોની પ્રતિષ્ઠા તથા તીર્થોદ્ધારોને વર્ણવતા – “રેવંતગિરિ રાસ', ‘ગિરનાર તીર્થોદ્ધાર રાસ', 'પ્રેમચંદ સંઘ વર્ણન રાસ'.
જૈનધાર્મિક પરંપરાની કથાઓ આલેખતા – 'વિદ્યાવિલાસ રાસ', “આરામ શોભા રાસ'. જૈનેતર કથાઓવાળા - નલદમયંતી રાસ’, ‘શકુંતલા રાસ'.