________________
ભૂંસી નાંખવા તેણે દઢ નિર્ણય કર્યો હતો. આ માટે તેણે અનેક કીમિયાઓ કર્યા હતા. તેમાં તેની ગૅસચેમ્બરની યોજના દ્વારા તેણે સાઈઠ લાખ યહૂદીઓને મારી નંખાવ્યા હતા.
તેના કેટલાક હત્યાકાંડો તો એટલા બધા ક્રૂર અને ઘાતકી હતા કે તે ઇતિહાસમાં લોહીના અક્ષરે લખાયા છે.
દરેક દેશમાં તે તે સ્વદેશી વ્યક્તિએ સત્તા હાથમાં લઈને પોતાના જ દેશના લોકો કે જેઓ પોતાના વિરોધી હતા અથવા તો પોતાની સત્તા પચાવી પાડે તેવા જણાતા હતા તે બધાયની-લાખોની સંખ્યામાં દેશદ્રોહી' તરીકેનો તેમની ઉપર આક્ષેપ મૂકીને કતલ કરી નાંખવામાં આવી છે.
આ અતિ ક્રૂર અને અતિ ઘાતકી માણસોની નામાવલિમાં હિટલર, લેનિન, સ્ટેલિન, માઉ સે તુંગ, ઈદી અમીન, યાહ્યાખાન, ઘણા અમેરિકન અને બ્રિટિશ વડાઓ આવી શકે.
આ બધાય આધુનિક દુર્યોધનો કહી શકાય.
સત્તાની કારમી ભૂખમાંથી પેદા થયેલી વૈરની આગ કેટલી ભયાનક હોય છે તે આ ઘાતકી લોકોના કાળા ચરિત્રો જાણવાથી સમજાશે.
ભારત-પાક વિભાજન વખતે હિન્દુસ્તાનનું પણ જ્યારે ભારત અને પાકિસ્તાન તરીકે ઈ.સ. ૧૯૪૭ની સાલમાં વિભાજન થયું ત્યારે ઘણુંખરું સગા ભાઈ-ભાઈની જેમ સેંકડો વર્ષોથી જીવતા હિન્દુ-મુસ્લિમ લોકો વચ્ચે વૈરની કારમી આગ ઝંઝાવાતી પવનની જેમ ફેલાઈ ગઈ હતી. એ વૈરભાવ કેટલો બધો ઉગ્ર હતો તેનું ચિત્રણ ‘ફ્રિડમ એટ મિડનાઈટ' નામના પુસ્તકમાં એક લેખકે કર્યું છે. તેમણે કહ્યું છે કે, “એક માતાની કૂખમાં ગર્ભ તરીકે રહેલાં બે (જોડિયા) બાળકો-પેટમાં જ-એકબીજાના મોં ઉપર નહોરાં ભરીને મોં ફાડી નાંખવાની કોશિશ કરતાં હતા !”
હજારો વર્ષો પૂર્વે ખેલાયેલા કૌરવ-પાંડવ યુદ્ધની ઝાંખી કરાવે તેવા ખતરનાક યુદ્ધો વર્તમાનકાળમાં ખુલ્લી રીતે-શત્રુના નાતે અને ભેદી રીતે-મૈત્રીના લેબાશ નીચે છેલ્લા કેટલાય વર્ષોથી ખેલાઈ રહ્યા છે. માનવજાતે ધરતીને અનેક રીતે અદ્યતન બનાવી દીધી છે. તે આખી માનવ-જાતનું સ્મશાન પણ તેમાંના જ કેટલાક લોકો તૈયાર કરી રહ્યા છે.
સતત શસ્ત્રોત્પાદન કરતી મહાસત્તાઓ એ શસ્ત્રોના વેચાણ માટે બજારો ઊભા કરી રહી છે. તે માટે યુદ્ધ અત્યંત આવશ્યક બની ગયું છે. આથી આ મહાસત્તાઓના બે હેતુ સરે છે : એક કાંકરે બે પક્ષી મરે છે : (૧) ઘરઆંગણે શસ્ત્રોત્પાદન કરતાં હજારો કારખાનાંઓ સતત ચાલુ રહેવાથી પોતાની પ્રજાને કામ મળી જાય છે. આથી ‘બેકારીનો રાક્ષસ ખાસ સતાવતો નથી. (૨) જે અન્ય ધરતીઓ ઉપર યુદ્ધો ખેલાય છે તે ધરતીની તે તે અ-ગૌર પ્રજા લડીને કાં નાશ પામે છે, કાં જીવતી રહીને મોતથી પણ ભૂંડું અને ભયાનક જીવન જીવતી જીવતી અંતે નામશેષ થાય છે. આમ થવાથી એ બધી ખનિજ વગેરેથી સમૃદ્ધ ધરતી એ મહાસત્તાઓના હાથમાં પાકેલાં ફળની જેમ આવીને પડી જવાની છે. પણ આ બે ય લાભ મહાસત્તાઓ કદી પામી શકનાર નથી, કેમકે જ્યાં બીજાઓની ‘હાય મેળવાય છે ત્યાં સુખની સંભાવના હોતી જ નથી. પણ હાલ તો એ બે લાભ પામવાની કારમી ભૂખથી મહાસત્તાઓ આખી ધરાને “ધીકતી ધરામાં ફેરવી ચૂકી છે. આખા ને આખા અનેક રાષ્ટ્રોને અને આખી ને આખી અનેક પ્રજાઓને મોતના મુખ તરફ ધકેલી રહી છે.
આ નીતિથી બીજા વિશ્વયુદ્ધના સંહારને ક્યાંય ટપી જાય તેટલો મોટો સંહાર-બીજા વિશ્વયુદ્ધનો વિરામ થયા બાદ-આજ સુધીમાં ક્યારનો થઈ ગયો છે.
જૈન મહાભારત ભાગ-૧