________________
કૃષ્ણ પણ દ્રોણાચાર્ય જેવાની પુત્રમોહની નબળી કડીને જાણી ગયા હશે. ત્યારે જ તેમણે આ નબળી કડી ઉપર ઘા કરવા માટેનું ત્રાગું કર્યું ને ?
ઘણા મોટા કહેવાતા માણસોમાં એકાદ પણ નબળી કડી હોય તો તેમને કોઈ પણ પ્રકારનું નેતૃત્વ આપી શકાય નહિ. એવી વ્યક્તિ નેતા બને તો ક્યારે કર્તવ્યનું રણ મૂકીને ભાગી જાય, આશ્રિતોને ત્રિશંકુ જેવી લાચાર સ્થિતિમાં મૂકી દે તેનું કોઈ ઠેકાણું નહિ.
ખેર, દ્રોણાચાર્ય પુત્રમોહની લાગણીના અતિરેકનો ભોગ બની ગયા, પરંતુ તે પછીની ક્ષણોમાં તે આંતરિક રીતે એકદમ જાગ્રત બની જઈને પંચ-પરમેષ્ઠીના ધ્યાનમાં લીન બની ગયા હતા અને તેથી સદ્ગતિ પામ્યા હતા આવું જૈન મહાભારતકારે કહ્યું છે.
દ્રોણાચાર્યના પુત્રનું નામ અશ્વત્થામા કેમ પાડવામાં આવ્યું ? તે અંગે વ્યાસમુનિ એમ કહે છે કે તે બાળક જન્મ્યું ત્યારે અશ્વની જેમ જોરથી હણહણ્યું હતું.
જે હોય તે, પરંતુ અશ્વત્થામાએ આ હણહણાટ ઠેઠ સુધી ચાલુ રાખ્યો છે. એ નથી હણહણ્યો તો બિલકુલ નથી હણહણ્યો, પણ જે બે-ચાર વાર તે હણહણ્યો છે તે બધી વખત તે જોરથી ઘોડાની જેમ જ હણહણ્યો છે. તે વખતે તેણે ન્યાય, નીતિ, મર્યાદા કે દયા બધું જ છોડી દીધું છે.
પિતાના મૃત્યુથી તે એટલો બધો ગુસ્સે ભરાયેલો કે તેણે અતિ ભયાનક, મહાસંહારક નારાયણઅસ્ર (આજનો ઍટમબૉમ્બ !) છોડી દીધું.
દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્નને પગેથી છૂંદી છૂંદીને મારી નાંખ્યો.
તેણે જ્યારે છાવણીમાં રાતે કતલ ચલાવી ત્યારે હજારોનો સંહાર કરી નાંખ્યો. સવાર પડ્યું ત્યારે પાંડવ-પક્ષે માત્ર સાતની સંખ્યા જીવતી રહી હતી.
અશ્વત્થામાની આવી અતિ અન્યાયિતા અને ક્રૂર નિર્દયતાને લીધે જ વ્યાસમુનિએ તેને રક્તપિત્તના મહારોગે-સદા માટે-સબડતો, અમર થઈને કાયમ ભીખ માંગતો, તરફડતો, શરીરેથી વહેતી લોહીની ધાર સહુને દેખાડીને ખાવાનું દેવાની આજીજી કરતો અશ્વત્થામા કથાત્તે મૂકી દઈને કરુણાની પરાકાષ્ટા લાવી મૂકી છે. ના, જૈન મહાભારતમાં આવો અશ્વત્થામા સ્વીકારાયો નથી.
જૈન મહાભારત ભાગ-૧