________________
ધૃતરાષ્ટ્ર કહ્યું, “ભલે, પણ હું તારા કાકા વિદુરને પૂછ્યા વિના સંમતિ નહિ આપી શકું. મને તેની સલાહમાં ખૂબ વિશ્વાસ છે. તે ઘણી વાર ખૂબ સાચી સલાહ આપતો હોય છે. હાલ તે હસ્તિનાપુર છે. હું તેને બોલાવીને તેની સાથે આ અંગે વાતચીત કરી લઉં પછી વાત.”
દુર્યોધનને લાગ્યું કે પાછી બાજી હાથમાંથી સરી રહી છે. તેને ખબર હતી કે વિદુર-કાકા જુગાર રમવાની સાફ ના પાડશે. એટલું જ નહિ પણ તેના માટે ખૂબ સખ્ત શબ્દોમાં જેમતેમ બોલીને જ રહેશે. એટલે દુર્યોધને આપઘાતની ધમકીના ધડાકા સાથે ધૃતરાષ્ટ્રને કહ્યું, “પિતાજી ! તમારે કાકા વિદુરની આજ્ઞામાં રહેવું છે તો ભલે તેમ કરો. તમે બે ભાઈઓ આ ધરતી ઉપર મોજ કરજો. પણ મારી છેલ્લી વાત સાંભળી લો કે જો મારી વાતમાં તમે સંમતિ નહિ આપો તો હું આપઘાત કરીને જ રહીશ. કાં આપઘાત કરીશ, કાં જીતીશ... સિવાય કોઈ વાત નહિ.”
દુર્યોધનને ખબર હતી કે પિતાજીને તેની ઉપર કેવો આંધળો મોહ છે ! પિતાજીની આ નબળી કડી-સ્પોટ-ઉપર જ તેણે ઘા કરી દીધો અને તેમાં તેને પૂરી સફળતા મળી ગઈ.
દુર્યોધનની આપઘાતની ધમકી સાંભળતાં જ ધૃતરાષ્ટ્ર ખળભળી ઊઠ્યો. એણે પુત્રના મસ્તક ઉપર વહાલથી હાથ ફેરવતાં કહ્યું, “બેટા ! આમ અકળાઈ ન જા. હું તારી ઈચ્છાને પૂર્ણ કરવા માટે જરૂર કોશિષ કરીશ.”
પિતાના આશ્વાસનયુક્ત શબ્દો સાંભળીને દુર્યોધન અને શકુનિ વિદાય થયા. બન્ને એકબીજાની સામે જોઈને મોં મલકાવતા કહી રહ્યા હતા, “પાસા પોબાર પડ્યા.”
આ બાજુ વિદુરને બોલાવવા માટે ધૃતરાષ્ટ્ર દૂતને હસ્તિનાપુર રવાના કર્યો. બીજી બાજુ હસ્તિનાપુરની દિવ્યસભાને ક્યાંય ટપી જાય તેવી દિવ્યસભાનું નિર્માણકાર્ય રાત ને દિ' ચાલવા લાગ્યું. જોતજોતામાં દિવ્યસભા તૈયાર થઈ ગઈ.
વિદુરની સોનેરી સલાહ એક દિવસ હસ્તિનાપુરથી રથ આવી ઊભો. રથમાંથી વિદુર ઊતર્યા. ધૃતરાષ્ટ્ર પાસે જઈને પ્રણામ કર્યા.
સ્નાનાદિ વિધિ પતાવીને બન્ને ભાઈઓ ખાનગીમાં વાતચીત કરવા બેઠા.
જેવી ધૃતરાષ્ટ્ર દુર્યોધનની મેલી મુરાદવાળી સઘળી વાત પૂરી કરી કે વિદુર આવેશમાં આવીને બોલ્યા, “મોટાભાઈ ! મેં તમને પહેલેથી જ ચેતવ્યા છે પણ તમે પુત્રમોહને આધીન થઈને મારી વાતની અવગણના કરી છે. ‘દુર્યોધન કૌરવકુળનો ક્ષય કરનાર થશે” એ જોષીઓની આગાહી, એના જન્મસમયના અમાંગલિક સંકેતો વગેરેને હજી યાદ કરો અને કુળક્ષયીનો નાશ કરો.
પેલો નળ જેવો મહાન રાજા જુગારના પાપે કેવો પાયમાલ થઈ ગયો તે સાંભળો.”
આમ કહીને વિદુરે નળ-દમયંતીનું આખું આખ્યાન કર્યું. ત્યારબાદ વિદુર બોલ્યા, “મોટાભાઈ ! હવે શું કરવું એ તમારે વિચારવાનું છે. મારી તો તમને એક જ સલાહ છે કે તમે તમારી વગનો પૂરેપૂરો ઉપયોગ કરીને જુગારનું કપટ અટકાવજો. વિશેષતઃ તો નાના મોંએ હું આપને શું કહું ? વળી મારી છેલ્લી એક વાત સાંભળી લો કે કદાચ કૌરવો જુગાર રમીને યુધિષ્ઠિર પાસેથી બધું જીતી લેશે તો ય ભીમ અને અર્જુન જેવા મહારથીઓ કૌરવો સાથે લડાઈ કરીને પાછું મેળવ્યા વિના રહેવાના નથી. એ વખતે કૌરવોની કીર્તિને ચાર ચાર કલંક લાગીને રહેશે.”
પરન્તુ આપઘાત કરવાની દુર્યોધનની ધમકીથી ધ્રૂજી ઊઠેલા, પુત્રમોહે અંધ એવા ધૃતરાષ્ટ્ર ઉપર વિદુરના વચનોની અસર ન થઈ.
જૈન મહાભારત ભાગ-૧