________________
ઓ મહાપરાક્રમી ભીમ અને અર્જુન ! તમને ય પાણી ન મળે ! કેવા છે કર્મો ! મોટા રુસ્તમને ય છોડતાં નથી ! કાચાપોચાની તો આ કર્મો શી વલે કરે ?
એ જ વખતે સૂકા પાંદડાના પડિયામાં પાણી ભરીને એકાએક હિડિંબા આવી. તેણે કુન્તીને સ્વસ્થ કરી.
દ્રૌપદીનો સતીત્વ-પ્રભાવ સહુ આગળ વધ્યા. દિવસ દરમિયાન શક્ય તેટલો વધુ પંથ કાપવા લાગ્યા અને રાત્રિના સમયે આરામ કરતા રહ્યા.
એક વાર અચાનક દ્રૌપદી વિખૂટી પડી ગઈ હતી. એવામાં સામે સિંહ ધસી આવ્યો. “મારા જયેષ્ઠ પતિ જો પૂરા સત્યવાદી હોય તો તે સિંહ ! તું ચાલ્યો જા.” આટલું દ્રૌપદીએ કહેતાં જ સિંહ ચાલ્યો ગયો હતો.
વળી ભયાનક સાપ ધસી આવ્યો ત્યારે “જો મેં મારા પાંચ પતિ સિવાય મનથી પણ કોઈની પ્રત્યે કામની પ્રીતિ કેળવી ન હોય તો તે સાપ! તું ચાલ્યો જા.” આટલું કહેતાં સાપ પણ ચાલ્યો ગયો હતો.
બાદ હિડિંબાએ તેને પોતાની પીઠ ઉપર બેસાડીને પાંડવો પાસે લાવી મૂકી હતી.
હિડિંબાને પોતાની ઉપર ઉપકારોની હેલી કરી રહેલી જોઈને કૃતજ્ઞ એવા પાંડવો અને કુન્તી અસ્વસ્થ થઈને હિડિંબાને કહેવા લાગ્યા, “ઓ હિડિંબા ! તું અમારા માટે કેટલું કરે છે ? આ ઉપકારોનો બદલો અમારે શી રીતે વાળી આપવો? જેઓ ઉપકારોનો બદલો વાળ્યા વિના મરે તે દુર્જન કહેવાય. તેની તો દુર્ગતિ થાય.”
ભીમ અને હિડિંબાના લગ્ન હિડિંબાએ કુન્તીને પગે લાગીને કહ્યું, “મા! જો તમે બધા ખરેખર મારી ઉપર પ્રસન્ન થયા હો તો મારી જે ભાવના છે કે આપના બીજા ક્રમના પુત્ર તે મારા સ્વામીનાથ થાય તે પૂર્ણ કરો.” તક જોઈને હિડિંબાએ વાત મૂકી દીધી. - કુન્તીએ બધા સાથે મસલત કરી. ભીમે તેમ કરવાની આનાકાની કરી પરંતુ માતાની ઈચ્છા આગળ તેણે નમતું મૂક્યું. ભીમ સાથે હિડિંબાના લગ્ન લેવાઈ ગયા. કેટલાક સમય બાદ હિડિંબા ગર્ભવતી થઈ.
પ્રયાણ કરતાં કરતાં એક દિવસ સહુ એકચક્રી નામની નગરીની બહારના ઉદ્યાનમાં આવ્યા. તેમણે ત્યાં કોઈ જ્ઞાની મુનિવરને શ્રોતાઓ સમક્ષ બોધ આપતા જોયા. પાંડવો ત્યાં દેશના સાંભળવા બેસી ગયા.
મુનિવરે “જીવદયા' ઉપર હૃદયને હચમચાવી નાંખે તેવો બોધ આપ્યો.
આ બોધની હિડિંબા જેવી માંસાહાર કરતી રાક્ષસીને પણ ખૂબ અસર થઈ. તેના હૈયા ઉપર એવી ચોટ લાગી ગઈ કે તે જ વખતે તેણે નિરપરાધી જીવોની હિંસા નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી.
જીવદયાપ્રધાન જૈનમુનિનો ઉપદેશ આર્યાવર્ત જીવદયાપ્રધાન જ છે.
અહિંસાના પાલન અને વર્ધન માટે જ સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ નામના બાકીના ચાર વ્રતો છે.
અહિંસા એ વેલો છે, તો શેષ વ્રતો તેની વાડ છે.
જૈન મહાભારત ભાગ-૧