________________
જૈનમુનિઓ જીવદયાનો ઉપદેશ પ્રધાનપણે આપતા હોય છે. એમનું પોતાનું જીવન જીવદયામય હોય છે. જૈનધર્મની જીવદયાની પ્રધાનતાને લીધે જ આજે પણ આર્યાવર્તના-ખાસ કરીને ગુજરાતની ભૂમિના-વાયુમંડળમાં જીવદયાનો ભાવ ગૂંજન કરી રહેલો જોવા મળે છે.
ગુર્જરેશ્વર કુમારપાળે કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યજીની પ્રેરણા અને કૃપાથી પોતાના અઢારેય દેશમાં જીવહિંસાનો-જૂ જેવા સૂક્ષ્મ જીવની હિંસાનો પણ-સખત પ્રતિબંધ મૂક્યો હતો.
અરે ! જૈનાચાર્ય હીરસૂરિજી મહારાજા અને તેમના શિષ્યોની પ્રેરણાથી મુસ્લિમ માંસાહારી બાદશાહ અકબરે પોતે ચકલીના જીભનું અતિપ્રિય માંસ સુદ્ધાં તમામ માંસાહારનો તથા શિકારનો ત્યાગ કરવા સાથે સમગ્ર દેશમાં વર્ષ દરમિયાન બધું મળીને છ મહિનાનું અમારિપ્રવર્તન કર્યું હતું.
જીવવું ગમે છે તો સહુને જિવાડો જો આપણને સુખ પ્રિય છે અને દુ:ખ અપ્રિય છે તો નાનામાં નાના કીટને પણ તેમ જ છે. તો આપણા સુખાદિ ખાતર તેને કોઈ પણ પ્રકારથી દુઃખી કરવાનો આપણને લેશ પણ અધિકાર નથી.
માણસ બીજાને જિવાડે. મારે તે કાંઈ માણસ કહેવાય ?
સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવની પણ દયા કેળવવી જોઈએ. કોઈનો પણ નાશ કરીને પોતાનું ભૌતિક સુખી જીવન જીવવું એ “માણસ માટે તો સારી વાત નથી જ. અગણિત જીવોની કબર ચણીને, તેની ઉપર બેસીને મોજ કરવી એ ક્રૂરતાનું પ્રદર્શન નથી શું ?
જીવદયાના ગુણના વ્યાપક પ્રસારના કારણે જ સવારે ઊઠીને જંગલમાં સંડાસ જતો ઘરનો વડીલ પોતાની સાથે સાકરમિશ્રિત લોટનું પડીકું લઈ જતો, જ્યાં કીડિયારાં હોય ત્યાં એ લોટ વેરતો.
મોટો દીકરો ચબૂતરે દાણા નીરતો. ઘરની સ્ત્રી રસોઈ કરતાં પહેલો રોટલો કૂતરા માટે બનાવતી. પુત્રવધૂ ઢોરોને ઘાસ નાંખતી. મહાજન પાંજરાપોળ ચલાવતું. તેમાં કોઈ પણ ભેદભાવ વિના તમામ લૂલાં, લંગડાં, રોગી, વસૂકી ગયેલાં, ઘરડાં પશુઓને સાચવી લેવામાં આવતાં, તેમની પૂરી માવજત થતી. ના, એ માત્ર ગૌશાળા ન હતી કે જેમાં માત્ર ગાય-ભેંસના દૂધનો ધંધો કરીને કમાણી કરવાનો પાપી વિચાર પ્રવેશ્યો હોય.
ભૂતકાળમાં જીવદયાનો કેવો મહિમા હતો તે જણાવું.
પાંચ મિત્રો હતા. કોઈ મહાતપસ્વી જૈનમુનિને કોઢના જંતુઓથી પીડાતા જોયા. મુનિ નિર્મમ હતા. દેહની એમને કોઈ પરવા ન હતી. પણ એમને સેવાનો લાભ લેવાની ભાવના થઈ.
મિત્રોમાં એક વૈદ્ય હતો. એક શ્રીમંત પણ હતો. આ દર્દના ઉપશમ માટે લાખ સોનામહોરની રત્નકંબલની જરૂર હતી. મહાકિંમતી લક્ષપાક તૈલ પણ આવશ્યક હતું.
બધું મેળવી લેવામાં આવ્યું.
જંતુઓને મારી નાંખવામાં આજની ક્રૂર એલોપથીને કશું ઝાઝું ન જોઈએ. પણ આ તો આર્યાવર્તનું મહાદયાના સિદ્ધાન્ત ઉપર ઊભેલું આયુર્વેદ હતું. બને ત્યાં સુધી લેશ પણ હિંસામાં એ માનતું ન હતું.
સહુ મુનિવર પાસે આવ્યા. પ્રથમ તો લક્ષપાક તૈલનું માલિશ કર્યું. તેની અપાર ઠંડકથી ચામડીના કીડાઓ બહાર તરી આવ્યા. તેમને રત્નકંબલ ઢાંકીને તેમાં લઈ લેવામાં આવ્યા. કોઈ તાજી મરેલી ગાયના મૃતક ઉપર તે કંબલ મૂકી. તેમાં બધા કીડા મૃતકમાં ઊતરી ગયા. આ રીતે સાત વખત વિધિ કરી. ક્રમશઃ સાતેય ધાતુમાંથી તમામ કીડા નીકળ્યા. સહુ મૃતકનાં ઊતરીને પોતાનો ખોરાક મેળવીને તેમાં મોજ માણતા રહ્યા.
જૈન મહાભારત ભાગ-૧