________________
વિશ્વાસઘાતીઓથી ધ્રૂજી ઊઠતી ધરતી દુર્યોધન કેટલો જબરો વિશ્વાસઘાત આચરી ગયો ! આવો વિશ્વાસઘાત કરવા માટે તેણે મૈત્રીનું કેવું નાટક રચ્યું ! કેટલી મીઠી અને કેવી નમ્ર ભાષામાં પોતાની ભૂલોનો એકરાર કર્યો ! રે, તેની આ ચાલ કેટલી બધી સફાઈભરી હતી કે શ્રીકૃષ્ણ જેવા રાજકારણના જબરદસ્ત ખેલાડી પણ તેની પાછળનો ભેદ પકડી ન શક્યા.
વિશ્વાસઘાતને સામાન્ય કોટિનું પાપ સમજવાની ભૂલ રખે કોઈ કરી બેસતા !
એક જગ્યાએ કહ્યું છે કે, “પૃથ્વી કહે છે કે મને મોટા મેરુ જેવા પર્વતોનો કે સ્વયંભૂરમણ જેવા સાગરોનો કદી ભાર લાગ્યો નથી. મને બે જ વસ્તુનો ભાર લાગે છે. તે છે; કૃતજ્ઞી માણસ અને વિશ્વાસઘાત કરતો માણસ! જ્યારે એ બે નો ભાર વધી જાય છે ત્યારે હું ધ્રૂજી ગયા વિના રહી શકતી નથી.”
સમગ્ર વિશ્વના દેશોમાં જાપાનમાં સૌથી વધુ હારાકીરી-આપઘાત થાય છે તેનું કારણ એ છે કે ત્યાંની પ્રજા વિશ્વાસઘાતને ખૂબ જ ભયંકર કોટિનું પાપ માને છે. આ પાપ જેનાથી થઈ જાય છે તે બધા બીજા દિવસનો સૂરજ ઊગતો જોવા ઈચ્છતા નથી. તે પૂર્વે જ તેઓ ઝેરી દવા વગેરે ખાઈ લેવા દ્વારા પોતાના જીવનનો અંત આણી દેતા હોય છે.
કૂતરા કરતાં ય આપણે હેઠ ? અરે, બુદ્ધિનો સાવ જડ આરબ કે પશુઓની દુનિયાનો કૂતરો પણ કેટલો વિશ્વાસુ હોય છે ! તો સર્જન કોટિના ગણાતા શાહુકારો વગેરે વિશ્વાસઘાતી હોઈ શકે ખરા? પણ કેટલીક વાર તો તેઓમાંના કેટલાકોને વિશ્વાસઘાત એ તો ડાબા હાથની રમત જેવું એકદમ સરળ કામ બની ગયું હોય છે.
‘વાતે વાતે વિશ્વાસઘાત' એ આજના જમાનાની ખૂબ જ સામાન્ય બાબત બની ચૂકી છે. ખૂબ સારા ગણાતા ધર્મ, ક્રિયાના કરનારાઓ પણ ધંધા વગેરેમાં ખૂબ સહજ રીતે, હૃદયના જરાક પણ થડકાર વિના વારંવાર વિશ્વાસઘાત કરી દેતા હોય છે. મને પેલું જુલિયસ સીઝરનું વિશ્વવિખ્યાત વાક્ય યાદ આવે છે, “યુ ટૂ બ્રુટસ !”
વિશ્વાસઘાતી દ્વારા નિકંદન આ દેશની અંદર અંગ્રેજોનો પ્રવેશ બાદશાહ બાબર દ્વારા થયો. તેમાં ય રાણા સંગ જેવા અજેય રાજવીના મંત્રી શિલાદિત્યે રાણા સંગનો જે વિશ્વાસઘાત કરીને બાબરના પક્ષે કામ કર્યું તે જ ભારતમાં અંગ્રેજોના પ્રવેશનું મુખ્ય દ્વાર હતું. જો શિલાદિત્યે રાણા સંગનો વિશ્વાસઘાત કર્યો ન હોત તો બાબર ભારતમાં પગદંડો જમાવી શક્યો ન હોત, તો અંગ્રેજો ભારતમાં બાબર દ્વારા પ્રવેશી શક્યા ન હોત.
ગુરુ ગોવિંદસિંહ જેવા બહાદુર રાષ્ટ્રભક્તનું મોત તેના જ માણસોએ વિશ્વાસઘાતના ખંજરથી કર્યું છે.
શ્રીપાળ જેવા પુણ્યાત્માને વિશ્વાસઘાત દ્વારા જ ધવળ શેઠ ખૂબ મુશ્કેલીમાં મૂકી શક્યો છે.
શિવાજીને ખતમ કરવા માટે અફઝલખાને પણ વિશ્વાસઘાતનું જ ખંજર ઊઠાવ્યું હતું. જો કે તે નિષ્ફળ ગયો હતો.)
સાઈઠ લાખ યહૂદીઓનું નિકંદન કાઢવા માટે વિશ્વાસઘાતના જ ગેસ-ચેમ્બરો હિટલરે ઊભા કર્યા હતા.
જૈન મહાભારત ભાગ-૧