________________
અંગ્રેજો ભારતના તમામ ક્ષેત્રોના નિષ્ણાતોને સામ, દામ, દંડ, ભેદ-નીતિથી ખતમ કરી રહ્યા હતા. તેમને ખબર પડી કે ભારતમાં મન્ત્રવિદ્યાના વિષયમાં જબરદસ્ત નિષ્ણાત માણસો હજી જીવતા છે. આ તમામ લોકોને તેમણે કપટથી શોધી કાઢ્યા અને કપટથી જ મારી નાંખ્યા.
આ રહી તે કરુણ ઘટના !
ગોરાઓની ક્રૂરતા
જ્યારે ગોરાઓનું આ દેશ ઉપર સીધું શાસન ચાલતું હતું તે સમયની આ વાત છે. ન જાણે
કેટલીય વાર લોહીખરડ્યા હાથે એ લોકો કલંકિત થયા હશે.
યુરોપના દેશો બીજા વિશ્વયુદ્ધની આગમાં હોમાઈ ગયા હતા. અંગ્રેજોને વિરાટ સૈન્યબળ જોઈતું હતું. હિન્દુસ્તાનના હજારો સૈનિકોને યુદ્ધમાં લઈ જવામાં આવ્યા.
યુદ્ધના એ વિરાટ ખંડના એક ખૂણામાં એક ઘટના બની ગઈ. નાનકડા માનવના હૈયામાં છૂંદાતા દર્દની એ કથા હતી.
વાત એમ બની કે એક હિન્દુસ્તાની સૈનિક ઉપર એની માતાનો પત્ર આવ્યો, જેમાં તેણે લખેલું કે,“મારી શારીરિક સ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે. પ્રભુકૃપાએ બધું સારું થઈ જશે. તું ચિંતા કરીશ નહિ.”
આ શબ્દો વાંચીને એ જવાનને માતાના દર્શન કરવાની ઉત્કટ તાલાવેલી જાગી. કાગળ બાજુ ઉપર મૂકીને સીધો પોતાના ચીફ સાહેબ પાસે ગયો. એણે સઘળી વાત કરીને થોડા માસ માટે સ્વદેશ જવાની રજા માંગી. પણ કમનસીબે રજા ન મળી. માતાના દર્શન માટે તલપતો જવાન બેચેન બની ગયો. દિવસો જતાં માની યાદ વધુ સતાવતી ચાલી.
સૈનિકોમાં બીજા અનેક હિન્દુસ્તાની સૈનિકો હતા, તેમાં એક પંડિતજી પણ હતા. આત્મવિદ્યાઓના એ જાણકાર હતા. પંડિતજી પેલા જવાનને બેચેન જોઈને એના હમદર્દ બન્યા. સઘળી બીના જાણી લીધી.
પંડિતે સૈનિક જવાનને કહ્યું,“તું ચિંતા ન કર. અહીં બેઠા બેઠા જ હું તને તારી માના દર્શન કરાવી આપીશ.'
અને ખરેખર એક અરીસો સામે ગોઠવીને મંત્રજપ દ્વારા તેણે અરીસામાં માંદગીના બિછાને પડેલી માને દેખાડી. જવાનને ખૂબ સંતોષ થઈ ગયો. એ આનંદિવભોર બની ગયો.
બેચેન જવાનને હવે પ્રફુલ્લિત જોઈને ચીફ ગોરા સાહેબે તેને કારણ પૂછ્યું. જવાને સઘળી સાચી વાત કરી. આ સાંભળીને ગોરો સાહેબ ચમકી ગયો. એણે એ જ રીતે પેલા પંડિત-સૈનિકને બોલાવીને સઘળી વાત કરી. છેલ્લે પેલા મનના કપટી ગોરાએ તેને પૂછ્યું,“આવી જાતની અધ્યાત્મવિદ્યાઓના જાણકારો હિન્દુસ્તાનમાં કેટલા હશે ? તમે મને તેમના નામ-ઠામ આપો તો એક દિવસ એ બધાયનો સન્માન-સમારંભ દિલ્હીમાં ગોઠવવાની યોજના વાઈસરૉયની પાસે મૂકું.
ભોળા ભાવે તે પંડિત-સૈનિકે છત્રીસ નામ આપ્યા. યુદ્ધ પૂરું થયા બાદ દિલ્હીમાં તે તમામને સન્માન કરવાના નામે આમંત્રણ આપવામાં આવ્યું.
સહુ યથાસમયે આવી ગયા. સન્માન-સભા યોજવામાં આવી. દરેકે પોતાની ચમત્કારિક શક્તિનું ધ્યાન કર્યું, તેના પ્રયોગ પણ કરી બતાવ્યા. છેલ્લે ભાવભીના સન્માનરૂપે દરેકને બક્ષિસો વગેરેની નવાજેશ કરવામાં આવી. સંધ્યા થતાં તે દરેકને નદીની સહેલગાહે લઈ જવાની ગોઠવણ થઈ.
જૈન મહાભારત ભાગ-૧