________________
ભીમની આંખેથી અશ્રુધાર
તે વખતે તમામ ભાઈભાંડુઓને ધરતી ઉપર ઘસઘસાટ સૂતેલાં જોયા. ચાંદનીના પ્રકાશમાં સહુને તે જોતો જ રહ્યો. થાક્યાંપાક્યાં ચત્તાપાટ સૂતેલાં સ્વજનોને જોઈને ભીમ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. “મારા જીવતાં મારા ભાઈઓની આ દશા ! આ મારો મોટો ભાઈ યુધિષ્ઠિર ચત્તોપાટ ધરતી ઉપર પડેલો છે ! ન મળે પાથરણું કે ન મળે ઓશીકું! આ મારો ભાઈ અર્જુન ! સહદેવ ! નકુળ
!
અને... માતા કુન્તીની આ જિંદગી ! એને અમે એની પાછલી જિંદગીમાં હેરાન કરી નાંખી ! ઓ ભીમ ! તારા જીવતાં આ બધાની આ સ્થિતિ !” મનોમન બોલતા ભીમની આંખમાંથી દડદડ આંસુ ચાલી જવા લાગ્યા. તેઓ બધા કેટલી બધી દયનીય દશામાં આવી ગયા હતા તેનું હૂબહૂ ભાન ભીમને આજે થયું.
કાળમીંઢ પાણાને મુક્કી મારીને ચૂરા કરી નાંખનાર ભીમના હૈયાના આજે ચૂરેચૂરા થઈ ગયા
હતા !
હિડિંબાનું આગમન
એ જ વખતે એક યુવાન સ્ત્રી ભીમ પાસે આવીને ઊભી રહી. થોડેક દૂરથી તે આવતી હતી ત્યારે તેનું ભયાનક સ્વરૂપ ભીમે જોયું હતું, અને જ્યાં તે સાવ નજીકમાં આવી ગઈ ત્યારે તેનું લાવણ્યથી નીતરતું મનોહર કુમારિકાનું સ્વરૂપ તેણે જોયું.
ભીમે તેની ઓળખ માંગી અને બે રૂપ ધારણ કરવાનું કારણ પૂછ્યું. તે સ્ત્રીએ કહ્યું, “મારું નામ હિડિંબા છે. આ હિડિંબ નામનું વિકરાળ વન છે. અહીં હિડિંબ નામનો મારો ભાઈ રાક્ષસ વસે છે. હું તેની નાની કુમારિકા બેન છું.
અમારા મહેલમાં એકાએક મારા ભાઈને માણસના શરીરની ગંધ આવવા લાગી. તેને ખૂબ ભૂખ પણ લાગી હતી. એટલે તેણે મને માણસોને મારીને લાવવા કહ્યું. હું અહીં આવી. મેં દૂરથી જ આ સૂતેલાં માણસોને જોયા એટલે મને વિચાર થયો કે આમને બધાયને મારીને ભાઈને હું સોંપીશ
એટલે આજે ધરાઈને તે ખાશે.
પણ નજીક આવતાં મેં તમને જોયા. તમારું અદ્ભુત રૂપ જોઈને હું સ્તબ્ધ થઈ ગઈ. મારામાં કામવાસના પ્રદીપ્ત થઈ. મેં તરત સોહામણી કુમારિકાનું સ્વરૂપ લઈ લીધું. હવે તમે આ નિશાચરીને
તમારી સહચરી બનાવો એટલી જ મારી નમ્ર પ્રાર્થના છે. આમ થશે તો મારો ભાઈ પણ તમને કોઈને સતાવશે નહિ.”
ભીમ દ્વારા ચાક્ષુષીવિધાનો સ્વીકાર ભીમે કહ્યું,“સુંદરી ! તું આ બધાય સૂતેલા પુરુષોને જે જુએ છે તે મારા ભાઈઓ છે. આ જ્યેષ્ઠ બંધુ યુધિષ્ઠિર છે. તેમને પૂછ્યા વિના મારાથી કશું થઈ ન શકે. વળી આ જે સ્ત્રી સૂતી છે તે અમારા પાંચેય વચ્ચે એક પત્ની છે. તેનાથી જ અમે બધા એટલા સુખી અને સંતોષી છીએ કે હવે બીજાની ઈચ્છા પણ થતી નથી. જેને રત્ન મળ્યું છે તેને કોડીની શી જરૂર ?”
હિડિંબાએ કહ્યું, “એ તમારી ઈચ્છાની વાત છે. પણ મારી વાત સાંભળી લો કે હું આજીવન તમારી દાસી બની ચૂકી છું. તમે ત્યાગશો તો ય હું તમને ત્યાગી શકવાની નથી. તમારા ધ્યાનમાં જ હું જીવન વ્યતીત કરીશ. મારી પાસે ચાક્ષુસીવિદ્યા છે એ તમે સ્વીકારો. એનાથી અંધકારમાં પ્રકાશ થઈ જશે.”
જૈન મહાભારત ભાગ-૧