________________
ભીમે તે વિદ્યાનો સ્વીકાર કર્યો. તેણે તેનો પ્રયોગ કરી જોયો. ચારે બાજુ પ્રકાશ થઈ ગયો. ભીમ આશ્ચર્યચકિત થઈ ગયો.
ભીમ દ્વારા હિડિંબ રાક્ષસનો વધ એ જ સમયે હિડિંબ રાક્ષસ ત્યાં આવી ચડ્યો. ઘણો સમય થયો તો પણ બેન પાછી ન ફરી એટલે હિડિંબ અકળાયો હતો. એમાં વળી ભૂખનું દુઃખ તો પહેલેથી જ હતું અને અહીં પાછી હિડિંબાને કુમારિકાની લાવણ્યમયી અવસ્થામાં ભીમ સાથે કામુક ભાવથી વાત કરતી જોઈ. અંધકારમાં થયેલા પ્રકાશને જોઈને તેણે ચાક્ષુષીવિદ્યાનો પ્રયોગ થયાનું પણ જાણી લીધું. તેને ખ્યાલ આવી ગયો કે બહેને પોતાના માશુકને એ વિદ્યા ભેટ કરી દીધી છે.
આ બધી વાતોથી હિડિંબ ક્રોધથી લાલપીળો થઈ ગયો. તેણે હિડિંબાને કહ્યું, “તું દગાબાજ છે, કુલટા છે. હું હમણાં જ તને મારીને ખાઈ જઈશ. ત્યાર પછી બીજાઓને મારીશ.”
ભાઈની ઘણી મોટી ત્રાડથી હિડિંબા થરથર કંપવા લાગી. પરંતુ ભીમે હિડિંબને પડકારીને પોતાની સામે ઉશ્કેરી મૂકીને લડવાનું શરૂ કર્યું. અતિ રૌદ્રરૂપે લડાઈ ચાલી. ભીમ પણ વારંવાર મહાત થવા લાગ્યો. પણ છેવટે ભીમે હિડિંબ રાક્ષસને મારી નાંખ્યો.
લડાઈ દરમ્યાન હિડિંબે ખૂબ મોટેથી ચિચિયારીઓ પાડી હતી તેથી કુન્તી વગેરે જાગી ગયા હતા. કુન્તીએ હિડિંબા પાસેથી સઘળી માહિતી મેળવી લીધી.
લડાઈથી થાકી ગયેલા અને ધૂળથી રગદોળાયેલા ભીમની સઘળા ભાઈઓએ સેવા કરી. દ્રૌપદીએ ખૂબ સ્નેહ દર્શાવ્યો. માતાએ તેના પરાક્રમના ગુણ ગાયા.
કામ કરનારા માણસને બીજું શું જોઈએ, જો તેના કામની કદર થઈ જાય તો !
આજે એવો ઇર્ષાદિનો વાયરો ચાલ્યો છે કે રૂપિયા આપી દેવા સહેલા પડે છે પણ કદરના બે શબ્દો બોલવા ખૂબ જ ભારે પડી જાય છે. અવસરે જે વડીલો પોતાના માણસોએ કરેલા સારા કામની કદર કરી શકતા નથી તે વડીલો સારા માણસોને ઝટ ખોઈ નાંખતા હોય છે.
કોણ સમજાવશે કદરદાનીના કામણ આ વડીલવર્ગને ! ભીમનું તો એટલું બધું બહુમાન થયું કે ભીમ એકદમ જલદી સ્વસ્થ થઈ ગયો.
આ પ્રસંગમાં એક ઘટના ખૂબ મહત્ત્વની છે : કષાયના આવેશમાં આવેલી નારી કેવી કામાર્સ બની ગઈ ! સોપેલાં કાર્યને પણ તેણે અવગણી નાંખ્યું. (જો કે એ કાર્ય જ અવગણવા જેવું હતું.)
મહાન શું ? કર્તવ્ય કે લાગણી ? સવાલ થાય છે કે કર્તવ્ય મહાન છે કે લાગણી મહાન છે? અને જેને જે પ્રકારની લાગણી જાગે તેણે તે લાગણીઓને એવી રીતે કદી વશ થઈ શકાય ખરું કે જેમાં તેનું કર્તવ્ય ગૌણ બની જાય ? અથવા મર્યાદાઓ તૂટી જાય ?
કોઈ ડૉક્ટર રાત્રે ઘસઘસાટ ઊંઘી રહ્યો છે. તે વખતે કોઈનો ફોન આવે છે. તેને ત્યાં કોઈ સ્વજનની સ્થિતિ “સીરિયસ બની ગયાનું તે જણાવે છે. એ સમયે ડૉક્ટર શું કરે? કર્તવ્ય બજાવે કે ઊંઘવાની ખૂબ ઈચ્છા છે માટે તેને પૂર્ણ કરવામાં કર્તવ્યનો નાશ કરે ?
કર્તવ્યનાશ એ ખૂબ મોટું અનુચિત ગણાય.
આર્યાવર્તનો દરેક માણસ પોતાના કર્તવ્યને જો બરોબર સમજી લે અને લાગણીઓના અતિરેકમાં તણાવાનું બંધ કરી દે તો આ આર્યાવર્તની પ્રજાની આજે જ કાયાપલટ થઈ જાય.
જૈન મહાભારત ભાગ-૧