________________
૨૫
હિડિંબા રાક્ષસી
વનનો પ્રવાસ શરૂ થયો. જેણે કદી ખાડા-ટેકરાં, કાંટા-કાંકરા જોયા નથી તેવા રાજવંશી આત્માઓ જીર્ણ વસ્ત્રો પહેરીને વનમાં
ચાલ્યા જતા હતા. પુરુષની વાત સમજાય છે. સ્ત્રીની વાત જુદી છે.
કુન્તી અને દ્રૌપદીને પ્રયાણ ખૂબ મુશ્કેલ પડવા લાગ્યું. ખુલ્લા પગે ચાલતાં તેમને પુષ્કળ કાંટા, કાંકરા વાગવા લાગ્યા. બન્નેના પગોમાંથી લોહીની ધાર છૂટવા લાગી.
લંગડાતે અને લથડતે પગે બહુ મુશ્કેલીથી બે ય સ્ત્રીઓ ચાલતી હતી ત્યાં અચાનક થોડે થોડે અંતરે કુન્તી અને દ્રૌપદી અતિશય થાકના કારણે ચક્કર આવતાં ધરતી ઉપર પડીને બેભાન થઈ ગયા.
યુધિષ્ઠિરને અપાર પીડા માતા અને પત્ની બન્નેની આ દુર્દશા જોઈને યુધિષ્ઠિરને ખૂબ આઘાત લાગ્યો. એક હતી પાંચ પુત્રોની માતા. બીજી હતી પાંચ પતિઓની પત્ની. બન્નેના એ પુત્રો, એ પતિઓ ત્યાં હાજર હતા છતાં બન્ને નારીઓ દુઃખની આગમાં શેકાતી હતી.
આ વિચારથી યુધિષ્ઠિર પોતાની જાતને જ આ બધી બાબતનું મૂળ કારણ તરીકે ગણીને ધિક્કારવા લાગ્યો. તેને લાગ્યું કે તેણે જુગાર રમીને આ બન્ને સ્ત્રીઓની દશા ખૂબ જ ખરાબ કરી નાંખી છે.
યુધિષ્ઠિર જેવો મર્દ રડવા લાગ્યો. પોતે વન-સંબંધિત દુ:ખોથી ખૂબ પીડાતો હતો છતાં એ પીડાનું તેને લેશ પણ દુઃખ ન હતું જેટલું દુઃખ પોતે અબળા એવી નારીઓને દુઃખી કરવામાં નિમિત્ત બની ગયો તેનું હતું.
ભીમની કૌટુંબિક ભાવના ભીમે માતા અને પત્નીને જલોપચાર વગેરે કરીને ભાનમાં લાવીને પોતાના એક બાજુના ખભા ઉપર ઊંચકી લીધા. પણ આગળ વધતાં સહદેવ અને નકુળને અને પછી અર્જુન અને યુધિષ્ઠિરને પણ ભીમે બીજા ખભા ઉપર અને પીઠ પાછળ ઉપાડી લીધા.
ભીમની તાકાત જબરી હતી, પરંતુ તેથી ય વધુ જબરી ભીમની કૌટુમ્બિક સ્નેહભાવના હતી. પોતાના ભાઈઓ, માતાપિતા કે પત્ની ખાતર તે શરીરનું બધું જ કૌવત ખતમ કરી નાંખવા માટે સદા તૈયાર હતો.
રાત પડતાં વિસામો કરીને બીજે દિ' સવારે અર્જુન જે ફળ વગેરે એકઠાં કરી લાવ્યો તેની દ્રૌપદીએ રસોઈ તૈયાર કરી. બધા જમ્યા.
પુનઃ બપોરે પ્રયાણ શરૂ થયું. ઘણું ચાલ્યા બાદ બધાયને ખૂબ તરસ લાગી. ભીમ ક્યાંકથી પાણી લઈ આવ્યો. સહુએ પીધું.
સંધ્યા ઢળી અને સહુએ કોઈ ભયાનક વનમાં પ્રવેશ કર્યો અને ત્યાં જ પ્રયાણ બંધ કરીને રાતવાસો કર્યો. બધા પરમેષ્ઠી ભગવંતોનું ધ્યાન ધરતા હતા. રાત જામી જતાં ભીમ પાણીની શોધમાં નીકળ્યો. બે ગાઉ જેટલું દૂર ગયો ત્યાં સરોવર મળી ગયું. પાંદડાના પડિયા બનાવીને, તેમાં પાણી ભરીને તે પાછો ફર્યો.
જૈન મહાભારત ભાગ-૧