________________
તેમને જોઈને જ હંસલાઓ ઊડીને ભાગી ગયા.
ત્રીજા દિવસે સંન્યાસીનો ભગવો વેષ પહેરીને તે માણસો ત્યાં આવ્યા. બિચારા હંસલા ! ખાવાનું મળશે તેમ જાણીને ઊડવાને બદલે પાસે આવ્યા. બિછાવાયેલી જાળમાં બધા હંસલા આબાદ ફસાઈ ગયા !
જે ભગવો વેષ સ્વર્ગ દઇ શકે એ જ ભગવો વેષ નરકના દ્વારે પહોંચાડવામાં નિમિત્ત બની જાય ! કેવું આશ્ચર્ય !
ગમે તે હોય, પણ એ વાત તો લાગે છે કે તિલકો, ત્રિપુંડો, માળાઓ, ધોળાં કપડાંઓ વગેરેની નીચે અધર્માચરણનો ખૂબ મોટો તડાકો બોલાવી શકાય છે. પોતાની જાતને ખુલ્લંખુલ્લા લુચ્ચી, હરામખોર, અપ્રામાણિક, નાસ્તિક, ડાકુ વગેરે જાહે૨ ક૨વાથી આવો તડાકો કદી બોલાવી શકાય નહિ.
વિશ્વાસ ખાતર જાનફેસાની
દુનિયામાં બધા જ માણસો વિશ્વાસઘાતી હોય છે એવું નથી. વિશ્વાસ આપ્યા પછી જાનની પણ પરવા કર્યા વિના એ વિશ્વાસને જીવંત રાખનારા અનેક માણસો પણ આ ધરતી ઉપર થયા છે. જો આમ ન હોત તો આ ધરતી ક્યારની કંપી ઊઠી હોત અને આખા વિશ્વને પોતાના પેટમાં પધરાવી દીધું હોત !
જ્યારે અરવલ્લીના પહાડોમાં મહારાણા પ્રતાપ ભટકતા હતા ત્યારે તેમની સાથે રઘુપતિસિંહ નામનો વફાદાર સૈનિક હતો. તેને એકાએક તેનો પુત્ર ઘરે ખૂબ માંદો હોવાના સમાચાર મળતાં પ્રતાપની રજા લઈને છેલ્લા દર્શન માટે ઘરે જવા નીકળ્યો. રસ્તામાં ચિતોડના કિલ્લા પાસે જ તેને મુસ્લિમ સૈનિકોએ પકડ્યો. તેણે સૈનિકોને કહ્યું,“હું તમારી સમક્ષ જાતે હાજર થઈ જઈશ.” સૈનિકોએ તેને જવા દીધો.
પછી ખરેખર રઘુપતિસિંહે આપેલા વચનનો અમલ કર્યો. સૈનિકોએ તેને પૂછ્યું, “તને તારા મોતનો ડર નથી લાગતો.”
રઘુપતિસિંહે જવાબ આપ્યો, “એથી વધુ ડર મને વિશ્વાસઘાતનો લાગે છે.”
દરેક માણસે આટલો તો આજે જ દૃઢ સંકલ્પ કરી લેવો જોઈએ કે, “હું આપેલા વિશ્વાસનો કદી ઘાત કરીશ નહિ. એ ખાતર મારે જે કાંઈ વેઠવું પડશે તે બધું વેઠી લઈશ; રે ! જાન પણ આપી દેવા માટે તૈયાર રહીશ.”
યાદ રાખો કે છૂટાછેડા એ પતિ કે પત્નીના વિશ્વાસઘાતનું જ સુધરેલું નામ છે !
પાટલી બદલવી એ મતદાતાઓના વિશ્વાસઘાતનું સુધરેલું સ્વરૂપ છે.
ધાર્મિક ખાતામાં જમા થયેલાં નાણાં માનવતાદિના કાર્યોમાં વાપરવા તે દાતાઓના વિશ્વાસઘાતનું નગ્ન તાંડવ છે !
ના, ક્યાંય કોઈ પણ ક્ષેત્રમાં કદી કોઈ વિશ્વાસઘાત કરશો નહિ.
ખાસ કરીને ધાર્મિક ગણાતા માણસોએ તો આ વાતને ખૂબ જ ગંભીરપણે વિચારવી જોઈએ અને કશાય હિચકિચાટ વિના અમલમાં મૂકી દેવી જોઈએ. જો તેઓ વિશ્વાસઘાતનું પાપ આચર્યા કરશે તો જે નવી પેઢી નાસ્તિકતાના જીવન તરફ જઈ રહી છે તેનો વેગ ખૂબ જ વધી જશે.
ધર્મ જો વાસ્તવિક નહિ હોય તો તેમાં દાંભિકતા આવ્યા વિના રહેનાર નથી.
જૈન મહાભારત ભાગ-૧