________________
મને રજા આપો. હું મારી ગદાથી દુર્યોધનના ચૂરેચૂરા કરી નાંખું. હવે આ દુશ્મનને વધુ સમય જીવતો રાખવામાં ગમે ત્યારે આપણું મોત થઈ જશે.”
શેષ તમામ પાંડવોએ ભીમની વાતમાં સંમતિ દર્શાવી, પણ યુધિષ્ઠિરે કહ્યું, “એમ કરવાથી મારા સત્યને હાનિ પહોંચશે, માટે તેવું કાંઈ જ થઈ શકે નહિ. આપણે સહુ હવે સાવધાન થઈને રહો.” મોટાભાઈની ઈચ્છાવિરુદ્ધ વર્તવાની કોઈની હિંમત ન હતી. ભીમ વગેરે સમસમીને ચૂપ રહ્યા. સુરંગ દ્વારા પાંડવો પલાયન આગળ વધતાં પ્રિયંવદને કહ્યું, “તમારા કાકા વિદુરે મારી સાથે શુનક નામનો સુરંગ ખોદનારો માણસ મોકલ્યો છે. તે આજ રાતથી સુરંગ ખોદવાનું કામ ક૨શે. દિવસે તે નગ૨માં ફરતો દેખાશે અને રાતે આ કામ કરશે. તમે લોકો આ સુરંગ દ્વારા અવસરે ભાગી જવાનું રાખજો.”
પ્રિયંવદન વિદાય થયો.
સુરંગનું ખોદકામ ભીમની શય્યા નીચેથી શરૂ થયું. ઝપાટાબંધ સુરંગ ખોદાઈ ગઈ. ભીમ સતત ધ્યાન રાખવા લાગ્યો. કેવી રીતે સુરંગ દ્વારા ચાલી જવું તેની તાલીમ પણ કુન્તી અને દ્રૌપદીને તેણે આપી. સુરંગના બીજા છેડાના દ્વારની આસપાસના પ્રદેશમાં ભીમ ઘોડેસવાર બની નિરીક્ષણ કરતો રહ્યો.
કુન્તીને દીન-દુ:ખીઓને ભોજન આપવું ખૂબ ગમતું હતું. અહીં પણ તેણે પ્રવૃત્તિ ચાલુ રાખી.
કૃષ્ણ-ચતુર્દશી આવી. એ દિવસે પાંચ પુત્રો અને એક પૂત્રવધુને લઈને કોઈ ગરીબ બાઈ ત્યાં આવી ચડી. કુન્તીએ તેમને આદ૨પૂર્વક ભોજન કરાવ્યું. તેમણે ત્યાં જ રાતવાસો કર્યો. થાકેલાં સહુ પથારીમાં પડતાંની સાથે ઘસઘસાટ ઊંઘી ગયા.
રાત પડી. ભીમ સિવાયના તમામ સુરંગમાં પ્રવેશી ગયા. ભીમ સુરંગના પ્રવેશદ્વારે ગદા લઈને ઊભો રહ્યો.
આ બાજુ પુરોચને એકાએક મહેલને આગ લગાડી. ભીમે તેને આંખોઆંખ આગ લગાડતો જોયો. એકદમ ક્રોધે ભરાઈ ભીમ પુરોચન તરફ દોડ્યો. તેને પકડીને એક જ મૂઠીના પ્રહારથી મારી નાંખ્યો. તેના શબને આગમાં નાંખી દઈને ભીમ સુરંગ વાટે ચાલી નીકળીને સહુની ભેગો થઈ ગયો. બધા ઝપાટાબંધ ચાલીને સુરંગમાંથી બહાર આવી ગયા.
પાંડવોના બદલે અન્ય સાતના મોત હસ્તિનાપુરની પ્રજામાં મહેલને આગ લાગ્યાના સમાચારો વાયુની જેમ પ્રસરી ગયા. પ્રજાજનોને તેમાં દુર્યોધનના કાવતરાની ગંધ આવી ગઈ. સહુ દુર્યોધનની અધમતા ઉપર ફિટકાર
વરસાવવા લાગ્યા.
પાંડવોને એ વાતનો ખ્યાલ હતો કે પેલા ગરીબ સાત માણસો- જેઓ પોતાની જ જેમ પાંચ પુરુષો અને બે સ્ત્રીઓ રૂપે સાત હતા તેઓ-આગમાં બળી ગયા છે. તેમને ઊંઘમાંથી જગાડીને સુરંગ વાટે ઉતાવળમાં ભગાડી ન શકાયા તે બદલ પાંડવોને અફસોસ થયો.
તેમણે વિચાર્યું કે તે સાત બળી ગયેલાં મડદાંને જોઈને સહુને, ખાસ કરીને દુર્યોધનને એવી પાકી ખાતરી થઈ જશે કે પાંડવો, કુન્તી અને દ્રૌપદી ખરેખર બળી ગયા છે. આથી દુર્યોધન તેમનો પીછો પકડવાનું છોડી દેશે. આ કલ્પનાથી યુધિષ્ઠિરને મનમાં ખૂબ શાન્તિ વળી ગઈ. તેને થયું કે હવે બાર વર્ષનો વનવાસકાળ ખૂબ શાન્તિથી પસાર કરી શકાશે.
જૈન મહાભારત ભાગ-૧