________________
કામ્યક વનમાં વિશ્રામ રસ્તામાં કામ્યક વન આવ્યું. વિશ્રાન્તિની જરૂર હતી એટલે ત્યાં પાંચ દિવસનો પડાવ નાંખ્યો. ચીસો પાડતા આવેલા કીમ્મર નામના રાક્ષસને ભીમે ગદાથી પૂરો કરી નાંખ્યો. દ્રૌપદીએ રસોઈ બનાવીને લોકોને તથા વડીલો વગેરેને જમાડ્યા.
બીજે દિ’ ત્યાં દ્રૌપદીનો ભાઈ ધૃષ્ટદ્યુમ્ન આવ્યો. તેણે દુર્યોધનનો નાશ કરીને રાજ પાછું લેવાની વાત મૂકી, જેનો યુધિષ્ઠિરે અસ્વીકાર કર્યો. દ્રૌપદીને ઘરે લઈ જવા માટે પ્રસ્તાવ મૂક્યો પણ દ્રૌપદીએ સાફ ના પાડીને કહ્યું,“મારે તો મારા પતિઓની સાથે વનમાં પણ મહેલની મજા છે.”
પછી ધૃષ્ટદ્યુમ્ન દ્રૌપદીની સંમતિપૂર્વક પોતાના પાંચ નાના ભાણિયાઓને લઈને ચાલ્યો ગયો. શ્રીકૃષ્ણ-યુધિષ્ઠિરનો વાર્તાલાપ
વળતે દિ' ત્યાં શ્રીકૃષ્ણ આવ્યા. બની ગયેલી વસ્ત્રાહરણ પ્રસંગની બીના ઉપર તેમણે સખ્ત પ્રતિભાવ આપ્યો. ‘જો તેઓ ત્યાં હાજર હોત તો આવું કદી ન બનવા દેત’ તેમ જણાવ્યું. ‘દ્રૌપદી ઉપર ગુજારાયેલા એ અત્યાચારનો બદલો લીધા વિના હું રહેનાર નથી પણ હાલ તેઓ કાંઈ જ કરી શકે તેમ નથી, કેમકે યુધિષ્ઠિરનું જડતાભર્યું સત્ય આડું આવી રહ્યું છે' એમ શ્રીકૃષ્ણે કહ્યું.
યુધિષ્ઠિરે બા૨વર્ષી વનવાસ પૂર્ણ થયા બાદ જ કાંઈ પણ પગલું લેવાની શ્રીકૃષ્ણને આગ્રહભરી વિનંતી કરી. ‘મારા હાથે જો સત્ય ખતમ કરાશે તો પ્રજાજનો કયું અસત્ય આચરતાં અટકશે ?’ એવો સવાલ કરીને શ્રીકૃષ્ણને તેમણે ચૂપ કર્યા.
કામ્યક વનમાં વિરામના પાંચ દિવસો પૂરા થયા. સહુએ પ્રયાણ શરૂ કર્યું. શ્રીકૃષ્ણ પણ તેમની સાથે જોડાયા. ચાલતા ચાલતા તેઓ નાસિક આવ્યા. ત્યાં ચન્દ્રપ્રભસ્વામીજીની માણેકની પ્રતિમાની ખૂબ ભાવથી સહુએ પૂજા કરી. પરમાત્માની ભક્તિમાં સહુને એટલો બધો આનંદ આવી ગયો થોડા દિવસો નાસિકમાં જ રહી ગયા અને પ્રભુભક્તિમાં લીન થયા.
જૈન મહાભારત ભાગ-૧