________________
નિર્લજ્જ અને નફ્ફટ બનેલા દુઃશાસને દ્રૌપદીનું વસ્ત્ર ખેંચીને ઉતારી નાંખવાનો પ્રયત્ન કર્યો. પણ જેમ જેમ તે ખેચતો ગયો તેમ તેમ ઉત્તરોત્તર વધુ ને વધુ સુંદર વસ્ત્ર દ્રૌપદીના શરીર ઉપર લપેટાવા લાગ્યું. તે સ્થળના ક્ષેત્રદેવતાઓ તેની મદદે આવી ગયા હતા. એક બાજુ વસ્ત્રનો ઢગલો થતો ગયો, બીજી બાજુ દ્રૌપદીની લાજ સલામત રહી ગઈ.
કૌરવકુળની કીર્તિની ચાલેલી આ કલેઆમ જોઈને વિદુરથી ન રહેવાયું. જે કામ ભીખ ન કરી શક્યા તે કામ વિદુરે કર્યું. તેમણે આગઝરતા શબ્દોમાં ધૃતરાષ્ટ્રના ઊધડા લીધા ! દુર્યોધનની નીચતાને છતી કરી ! હજી પણ તે કુળકલંકીને મારી નાંખવા માટે ધૃતરાષ્ટ્રને ઊંચા અવાજે પ્રેરણા કરી.
વિદુરની વીરતાભરી હાકલ વિદુર એટલે જોખીને બોલનારો માણસ ! તદ્દન સાચું કહેનારો આદમી ! શાન્તિથી વાત કરવાના સ્વભાવવાળો સજજન !
તેની આ ઉગ્ર માનસિક સ્થિતિ જોઈને, મુખ ઉપરની લાલચોળ મુદ્રા જોઈને, મોટી બૂમો સાંભળીને સહુ ક્રૂજી ઊઠ્યા. ધૃતરાષ્ટ્ર પણ હવે અકળાયા : ખરેખર તો વિદુરના હાકોટાથી ગભરાઈ ગયા.
હવે તેણે પોતાનો “વીટો વાપર્યો. તેણે દુર્યોધનને કહ્યું, “ઓ નાલાયક ! હવે તારા કુકર્મોને બંધ કર, હમણાં જ બંધ કર, નહિ તો મારે જ તલવારથી માથું ઉડાવી દઈને તને મારી નાંખવો પડશે. આ તું શું કરવા બેઠો છે? ઓ, કુળકલંકી ! છોડી દે, દ્રૌપદીને !”
પિતાની સિંહગર્જના સાંભળી દુર્યોધને દુઃશાસનને આદેશ કર્યો કે, “દ્રૌપદીને છોડી દે.” દુઃશાસને તરત દ્રૌપદીને છોડી દીધી. કૌરવકુળના નબીરાઓ વચ્ચે જે બીના બની તેણે કૌરવકુળને કલંકિત કર્યું.
હલકી કોમના કહેવાતા માણસોમાં પણ જે પ્રકારની તકરાર ન થાય અથવા જે પ્રકારની બોલાચાલી ન થાય તેવી તકરાર અને તેવી હલકી બોલાચાલી ખાનદાન ગણાતા આ ક્ષત્રિયો કરી બેઠા ! કોઈને કશું ભાન ન રહ્યું.
સિવાય વિદુર, બધા ય આ કાળ-ચોઘડિયાની કાળી પળના પ્રવાહમાં તણાઈ ગયા !
યુધિષ્ઠિર જુગારની નબળી કડીનો ભોગ બન્યો. ભીષ્મ સત્યના અતિરેકમાં મૂંગા રહીને થાપ ખાઈ ગયા. ધૃતરાષ્ટ્ર પુત્રમોહે અંધ બન્યા. જો આ સ્થળે વિદુર ન હોત તો હજી પણ કેટલી કરુણ ઘટના બનત!
આ તો દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું. આજે તો નારીનું વસ્ત્રાહરણ થઈ રહ્યું છે. પેલું તો રૂનું વસ્ત્ર હતું. આ તો શીલનું વસ્ત્ર છે.
નારી પુરુષ સમોવડી’ એ નીતિને વ્યવહારમાં મૂકવા જતાં હવે ઘણી બધી નારીઓના વસ્ત્રાહરણ શરૂ થયા. નારી તો પુરુષ કરતાં ખૂબ ઊંચી હતી જ. તેને “નારાયણી' કહેવામાં આવી છે. તેને “ઝવેરાતોનું ઝવેરાત’ કહેવાયું છે. તે જ “ઘર” છે એમ જણાવાયું છે. એક હજાર પિતા જેટલી એક માતાની-સંતાનના સંસ્કરણની-તાકાત વર્ણવાઈ છે. જયાં તેના માન-સન્માન સચવાય તે ધરતી ઉપર દેવો આવીને આનંદવિભોર બનીને રાસડા લેતા એમ કહેવાયું છે.
પુરુષને નથી તો “નારાયણ' કહેવાય કે નથી તો ઝવેરાતોને પહેરવા જેટલો સુપાત્ર કહેવાયો,
જૈન મહાભારત ભાગ-૧