________________
ચાહે તેટલું મૂલ્ય ચૂકવવું પડે તો તેમ કરીને પણ કર્ણને પોતાનો કરી લેવો. આ દૃષ્ટિથી જ તેણે સારથિપુત્રને અંગદેશનો રાજા બનાવી દીધો, તે પણ ખૂબ ઝડપથી.
આવા કામમાં વિલંબ પણ આત્મઘાતક બની જાય એમ સમજીને દુર્યોધને ખૂબ જ ઝડપથી સઘળી વિધિ પતાવી દીધી.
પોતાના સ્વાર્થ ખાતર આમ કરવું જોઈએ કે નહિ એ એક વાત છે. બાકી દુર્યોધન પાસે કાર્યસિદ્ધિ પામવા માટે જરૂરી બધી જ બુદ્ધિ હતી એ આ પ્રસંગમાં સ્પષ્ટ જણાઈ આવે છે.
એ દીર્ઘદષ્ટા, ત્વરિત નિર્ણયશક્તિનો માલિક, ઝડપથી કામનો નિકાલ કરનાર, ભોગ આપવામાં વિચાર નહિ કરનાર વગેરે ખૂબ જ મોટા ગુણો ધરાવતો હતો એ આ ઘટનામાં સ્પષ્ટ જણાય છે.
કાર્યકરોમાં આવા ગુણો હોવા એ જરૂરી છે. જેમને યોગ્ય સમયે દાવ વિચારતાં, દાવ રમતાં અને દાવ જીતી લેતાં ન આવડે તે કોઈ પણ ક્ષેત્રનો કાર્યકર થવા માટે અપાત્ર ગણાય.
જૈનશાસનનો આચાર્ય એટલે સઘળા દાવપેચનો ખેલાડી જૈન શાસ્ત્રજ્ઞોએ જૈનધર્મ-સંસ્થાના નેતાના સ્થાને બિરાજતા આચાર્યો આવા અનેક ગુણોથી વિભૂષિત હોવાનું એકદમ આવશ્યક જણાવ્યું છે. આવા ગુણોથી સંપન્ન આત્માને તેમણે “ગીતાર્થ કહ્યો છે.
શાસ્ત્રોના અર્થો અને રહસ્યોને જેમણે પીને પચાવી નાંખ્યા હોય તે ગીતાર્થ કહેવાય. ક્યાં ? ક્યારે? કેવી રીતે? કેટલી વારમાં? ક્યું કામ કરી લેવું જોઈએ એની બધી આવડત આ ગીતાર્થમાં હોય.
જૈનશાસન એ વિશ્વશાસન છે. એને વિશ્વના સર્વ જીવો, માનવોની સર્વ પ્રજાઓનું સાચું હિત અને સાચો વિકાસ હાંસલ કરવાની કામગીરી કરવાની છે. આ ઘણું મોટું વૈશ્વિક રાજકારણ છે.
રાજકારણમાં તો વ્યુહરચનાઓ હોય જ, ચાલાકીઓ પણ રમવાની હોય જ, સામ વગેરે ચારેય નીતિઓનો આશ્રય યથાયોગ્ય રીતે લેવો જ પડે.
ક્યારેક એ આગેકૂચ કરીને વિજય મેળવવા કોશિષ કરે તો ક્યારેક પીછેહઠ કરીને પણ... ક્યારેક નમી જઈને કામ કરી લે તો ક્યારેક અક્કડ રહીને પણ.
જૈનશાસનનો આચાર્ય એટલે રાજકારણના બધા જ દાવોનો ખેલાડી, બધી જ વ્યુહરચનાનો જાણકાર...
એ ગેરી સોબર્સ જેવો ! કયા દડાને કઈ બાજુ ફટકારવો એનો નિર્ણય કરવાની સેકંડના સો માં ભાગ જેટલા સમયમાં એની શક્તિ !
એ વેપારી જેવો ! બધી ચાલાકીઓનો સ્વામી !
એ ગવૈયા જેવો ! પોતાનું ગળું (હિત) જરાય બગાડ્યા વિના લોકોને પ્રેમ, પ્રસન્નતા, ભ્રાતૃત્વ આપતો ઉસ્તાદ ! - ભૂતકાળમાં પોતાની ઠાઠડી કઢાવીને કામ કરી લેતા પાદલિપ્તસૂરિજી, ઓઘો બાળીને શાસનહીલના અટકાવતા મુનિવર, સંઘમાં એકતા કરવાની રમત રમેલા રત્નપ્રભસૂરિજી, વાદમાં ટાબોટા લઈને નાચતા વૃદ્ધ વાદિદેવસૂરિ, મીનળદેવીને સ્ત્રીમુક્તિની વાત સમજાવી દેતા હેમચન્દ્રસૂરિજી, મહમદ તઘલખ જેવાને કાબૂમાં લેવાના સફળ દાવપેચ લડતા જૈનાચાર્ય વગેરે
જૈન મહાભારત ભાગ-૧