________________
લોકો શું બોલે? એ ભયથી તેણે માત્ર અર્જુનના ગળામાં વરમાળા નાંખી.
પણ અહો ! આ શું થયું ? વરમાળા માત્ર અર્જુનના ગળામાં નાંખવા છતાં તે બાકીના ચારેય પાંડવોના ગળામાં પડેલી દેખાઈ. આ પરિસ્થિતિથી ચારેબાજુ હોહા મચી ગઈ. તે વખતે આકાશવાણી થઈ. તેમાં અવાજ થયો કે, “જે થયું છે તે બરાબર થયું છે. કોઈ કશી ચિંતા કરશો નહિ.”
પણ દ્રુપદરાજા પોતાની દીકરીને પાંચ પતિઓની પત્ની કરીને જગતમાં હાંસીનું પાત્ર બનવા માંગતા ન હોવાથી તેમણે સખત વાંધો ઉઠાવ્યો. જ્યારે કુન્તીને મનમાં આનંદ થઈ ગયો. તે મનોમન બોલી, “ચાલો, સારું થયું. મારે એકસરખી પાંચ વહુઓ લાવવી હતી તે ચિંતા હવે મટી
ગઈ.”
આ જ વખતે આકાશમાં વિચરવાની શક્તિ ધરાવતા કોઈ જ્ઞાની મુનિ તે સ્વયંવર-મંડપમાં પધાર્યા.
સહુએ તેમને વંદનાદિ કર્યા. તેમના શ્રીમુખે સહુએ ધર્મશ્રવણ કર્યું. ત્યાર બાદ દ્રૌપદી અંગે ઊભી થયેલી વિચિત્ર પરિસ્થિતિ અંગે મહારાજા દ્રુપદે સવાલ કર્યો.
જ્ઞાની મુનિવરે કહ્યું કે, “આ વિચિત્ર ઘટનાની સાથે દ્રૌપદીના આત્માનો પૂર્વભવનો સંબંધ છે. હું તમને તેનો પૂર્વભવ જણાવું છું તે તમે સહુ શાન્તચિત્તે સાંભળો.”
જૈન મહાભારત ભાગ-૧