________________
યુધિષ્ઠિર અને દુર્યોધનનો રાજ્યાભિષેક અર્જુને બાર વર્ષ સુધી તીર્થયાત્રાઓ કરી, વિદ્યાસિદ્ધિઓ વગેરે પ્રાપ્ત કર્યા.
છેલ્લે વિમાન દ્વારા તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રા કરીને તે દ્વારકા આવ્યો. શ્રીકૃષ્ણ તેનો ભારે આદર કર્યો. પોતાની બેન સુભદ્રાના તેની સાથે લગ્ન લીધા.
તે વખતે મહારાજા પાંડુનો અર્જુનને જલદી આવી જવાનો સંદેશ લઈને દૂત આવ્યો. તેમણે પોતાની વૃદ્ધાવસ્થા નજદીકમાં હોઈને યુધિષ્ઠિરને હસ્તિનાપુરનું રાજ સોંપીને દીક્ષા લેવાની ભાવના પણ દૂત દ્વારા જણાવી.
પિતાના સંદેશને લીધે અર્જુન ટૂંક સમયમાં હસ્તિનાપુર આવી ગયો. ધૃતરાષ્ટ્ર, ભીખ વગેરે તમામ વડીલોની સંમતિપૂર્વક યુધિષ્ઠિરનો હસ્તિનાપુર-નરેશ તરીકે અને દુર્યોધનનો ઇન્દ્રપ્રસ્થના નરેશ તરીકે રાજ્યાભિષેક મહોત્સવ થયો.
મહારાજા પાંડુએ પોતાના ધોળા થતા વાળ દેખાડીને સઘળાં કુટુંબીજનોની સમક્ષ જગતની અસારતાનું વર્ણન કરીને મૃત્યુની અનિવાર્યતા અને દુર્ગતિના ભયાનક સ્વરૂપોનું ધ્યાન કર્યું.
પણ કુટુંબીજનોએ મહારાજા પાંડુને દીક્ષા લેવામાં થોડોક વધુ સમય થોભી જવાનો આગ્રહ કર્યો, જે તેમણે લાચાર બનીને સ્વીકાર કરવો પડ્યો. યોગ્ય દિવસે ધૃતરાષ્ટ્ર, ગાંધારી વગેરેને લઈને દુર્યોધન ઇન્દ્રપ્રસ્થ તરફ વિદાય થયો.
યુધિષ્ઠિરના વિવેકભરપૂર અને પ્રેમાળ સ્વભાવને લીધે ભીખ, દ્રોણાચાર્ય અને વિદુર વગેરે તેની સાથે હસ્તિનાપુરમાં જ રહ્યા.
અભિમન્યુના જન્મ નિમિત્તે મહોત્સવ ત્યાર પછી યુધિષ્ઠિરને દિગ્વિજેતા બનવાની ભાવના થઈ. ચારેય ભાઈઓને ચાર દિશામાં તેણે મોકલ્યા. તેઓ દિગ્વિજય કરીને પાછા આવી ગયા.
દિગ્વિજયની મહાયાત્રાનો હસ્તિનાપુરમાં જબરદસ્ત મહોત્સવ થયો. એ વખતે અર્જુનની પત્ની સુભદ્રાએ અભિમન્યુને જન્મ આપ્યો.
આ જન્મ નિમિત્તે યુધિષ્ઠિરે જિનભક્તિ મહોત્સવ કર્યો. ત્યાર બાદ મૂળનાયક શ્રી શાન્તિનાથ ભગવંત સહિત અતિ ભવ્ય નૂતન જિનાલયનું નિર્માણ કરાવ્યું. કાર્ય પૂર્ણ થતાં પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયો.
મહાપ્રભાવક બુદ્ધિસાગરસૂરીશ્વરજી નામના જૈનાચાર્યના શુભ હસ્તે અને શુભ પળે એ જિનાલયમાં શાન્તિનાથ ભગવંત આદિના જિનબિંબોની પ્રતિષ્ઠા-વિધિ થઈ.
દસ દિવસના આ પ્રતિષ્ઠા-મહોત્સવમાં પધારવા માટે યુધિષ્ઠિરે અનેક રાજાઓને આમંત્રણ આપ્યું હતું, જેનો સ્વીકાર કરીને શ્રીકૃષ્ણ, દુર્યોધન વગેરે પણ ઉપસ્થિત થયા હતા.
ખૂબ ભવ્ય રીતે પ્રતિષ્ઠા-મહોત્સવની ઉજવણી થઈ ગઈ. અનેક રાજાઓ સ્વસ્થાને વિદાય થયા.
ખૂબ આગ્રહ કરીને યુધિષ્ઠિરે દુર્યોધનને વધુ સમય રોકાવા કહ્યું. ભીતરમાં ઈર્ષ્યાથી જલતો દુર્યોધન શકુનિ સાથે હસ્તિનાપુરમાં રોકાઈ ગયો. રમણીય ઉદ્યાનો વગેરેમાં ફરવા લાગ્યો.
દિવ્યસભામાં દુર્યોધનનું વારંવાર અપમાન એક દિવસ તેણે પાંડવો વગેરે સહિત દિવ્યસભામાં પ્રવેશ કર્યો. આ દિવ્યસભા ખરેખર દિવ્યસભા હતી. એની પ્રત્યેક વસ્તુ-દીવાલ, છત, પડદા વગેરેની રચના કોઈ અદ્ભુત, અકથ્ય અને વર્ણનાતીત હતી.
જૈન મહાભારત ભાગ-૧