________________
દુર્યોધન તે દિવ્યસભામાં ફરવા નીકળ્યો. એક જગ્યાએ ધ૨તી ઉ૫૨ એવી રીતે નીલમણિઓ જડવામાં આવ્યા હતા કે દુર્યોધનને ત્યાં પુષ્કળ પાણી દેખાયું. આથી વસ્ત્રો ઊંચા કરીને ત્યાં જવા કે લાગ્યો. આ જોઈને પાંડવો હસવા લાગ્યા.
વળી આગળ વધતાં આવી ફજેતી થઈ. ત્યાં ખરેખર તો પાણીનો હોજ હતો પણ દુર્યોધનને સીધી સપાટ ધરતીનો ભ્રમ થયો. ત્યાં ચાલવા જતાં તે હોજમાં પડી ગયો. તે વખતે ભીમ મોટેથી હસી પડ્યો. યુધિષ્ઠિરે ગંભીર રહીને દુર્યોધનના વસ્ત્રો બદલાવી નાંખ્યા. ભીમના હાસ્યથી દુર્યોધન ખૂબ ઉશ્કેરાઈ ગયો પણ મનમાં સમસમીને જ તે ચૂપ રહી ગયો.
વળી આગળ વધતાં તેને જે ધરતી સપાટ જણાઈ તે ખાડાવાળી હતી. દુર્યોધન ત્યાં પડી ગયો. વળી આગળ વધતાં ભીંત વિનાની દેખાતી જગ્યાએ ચાલવા જતાં ભીંત સાથે માથું અથડાઈ
ગયું.
વળી આગળ વધતાં ‘બારણું છે’ એવા ભ્રમથી જવા જતાં ભીંત નીકળતાં માથું ટિચાયું. આથી બીજી વાર બારણું ખરેખર આવ્યું તો ય તેમાંથી પસાર થવાનું માંડી વાળીને મૂઢની જેમ ત્યાં જ ઊભો રહી ગયો.
આવું વારંવાર બન્યું અને વારંવાર ભીમ, અર્જુન વગેરે હસવા લાગ્યા. આથી દુર્યોધન ખૂબ જ અકળાઈ ગયો. તેના મનને શાન્ત રાખવા માટે યુધિષ્ઠિરે ઠીક ઠીક પ્રયત્નો કર્યા.
કેટલાક દિવસો બાદ દુર્યોધન અને શકુનિ ઇન્દ્રપ્રસ્થ તરફ વિદાય થયા. તેઓ ઇન્દ્રપ્રસ્થ પહોંચી ગયા. પણ હવે ઇન્દ્રપ્રસ્થમાં તેને જરાય ગોઠતું ન હતું. કોઈની સાથે વાત કરવામાં પણ તેને ઉત્સાહ થતો ન હતો.
ભીમ અને દ્રૌપદીની સ્વભાવગત કેવી હીનતા કે તેમણે દુર્યોધનની હાંસી કરી ! તેને અપમાનિત કર્યો ! એને કટ્ટર દુશ્મન બનાવી મૂક્યો !
મોટા માણસોના આ હલકાં જીવન ન જાણે કેટલાને કચડી નાંખતા હશે !
ઈર્ષ્યાથી મૃત્યુ-કામી બનેલો દુર્યોધન
એક દિવસ તેના મામા શકુનિએ બેચેનીનું કારણ પૂછ્યું.
અને... દુર્યોધનના અંતરમાં સતત જલી રહેલો ઈર્ષ્યાનો ભારેલો અગ્નિ એકદમ ભભૂકીને બહાર નીકળી ગયો. “મામા ! પાંડવો મારા ભાઈઓ છે છતાં મને તેમના પ્રત્યે શત્રુભાવ જ રહ્યા કરે છે. તેમની ચડતી જોઈને મારું અંતર બળીને ખાખ થઈ જાય છે. એમનું પુણ્ય દૈનંદિન વૃદ્ધિ જ પામતું જાય છે, જ્યારે અમારા તો કોઈ ભાવ પણ પૂછતું નથી. હું એમના ઉત્કર્ષને જોઈ શકું તેમ નથી. મારે હવે મોતને ભેટવા સિવાય બીજો કોઈ ઉપાય બાકી રહ્યો નથી. મામા ! પિતાજીને મારી આ વાત તમે જણાવી દેજો.”
શકુનિએ દુર્યોધનને ખૂબ સમજાવ્યો. પાંડવો પ્રત્યે ઈર્ષ્યા કરવાને બદલે પ્રમોદ ધા૨ણ ક૨વા માટે તેણે ઘણી ઘણી વાતો કરી.
આગળ વધીને શકુનિએ કહ્યું કે,“તું પણ ક્યાં તેમનાથી કમ છે ? તારા નવ્વાણું પુત્રો પાંચ પાંડવોને દરિયામાં ડુબાડી દે તેટલા સમર્થ છે. તારી પાસે કર્ણ જેવો વીર યોદ્ધો છે. દુઃશાસનના પરાક્રમની ગાથાઓ તો દેવો પણ ગાય છે. હું ય તારી સાથે છું. પછી આવી લઘુતાગ્રન્થિની પીડાથી તું શા માટે નિષ્કારણ હેરાન થાય છે ?’
જૈન મહાભારત ભાગ-૧