________________
હા, જે જ્ઞાની છે તે આ જ નિર્ણય લે છે અને આતમના અંદરના આનંદને તે સદા અનુભવતો રહે છે.
પણ સંસારના રસિયા જીવોને આ આનંદની ગંધ પણ હોતી નથી. એટલે વિનાશી, તુચ્છ, પાપકારક, દુ:ખજનક, જીવહિંસક, અહિતકારક એવા પણ સંસારના વિષયસુખોનો રસ માણવાની ભૂલ કરી બેસે છે.
આવી ભૂલો-ભ્રમણાઓને લીધે જ દરેક જીવ અનંતકાળ સુધી સંસારમાં ભ્રમણ કરતો જ રહે છે.
દુર્ગતિઓમાં ઘણું ભટક્યા પછી જે કાંઈ પુણ્ય બંધાઈ ગયું તેના કારણે નાગશ્રીનો જીવ ચંપાનગરીમાં આવેલા દંપતી-સાગરદત્ત અને સુભદ્રાની પુત્રી સુકુમાલિકા રૂપે અવતર્યો.
દુર્ભાગી સુકુમાલિકા સાચે જ એનું રૂપ અને લાવણ્ય અજોડ હતું. સ્વર્ગની અપ્સરા આ ધરતી ઉપર ઊતરી હોય એવો એનો તેજવૈભવ હતો. માતાપિતાને પણ તે ખૂબ જ વહાલી હતી. દીકરીને સાસરે વળાવીને તેના વિયોગનું દુઃખ આ માબાપ સહી શકે તેમ ન હતા. એટલે તેમણે જે ઘરજમાઈ અને તેની સાથે જ સુકુમાલિકાનું લગ્ન કરવાનો નિર્ણય કર્યો.
અને એ શરત પ્રમાણે એક દિવસ એ જ નગરના શ્રેષ્ઠીપુત્ર સાગરની સાથે તેણીના લગ્ન થઈ ગયા.
પહેલી જ રાતે તેમના દંપતી-જીવનમાં આગ લાગી ગઈ !
સુકુમાલિકાના દેહસ્પર્શ બાદ સાગરના આખા શરીરમાં ભયાનક દાહ પેદા થઈ ગયો ! તે રાતે જ બીજા ખંડમાં સૂવા ચાલ્યો ગયો. સવારે ઘરે જઈને પિતાને સઘળી વાત કરી. વેવાઈએ વેવાઈને વાત જણાવી. ભવિતવ્યતાનો વિચાર કરીને સહુ ચૂપ રહ્યા.
સાગરે સુકુમાલિકાનો ત્યાગ કર્યો.
સુકુમાલિકાના પિતા ભારે મૂંઝવણમાં આવી ગયા. તેમણે કોઈ ભિખારીને સ્નાનાદિ કરાવીને, વસ્ત્ર અને અલંકારોથી વિભૂષિત કરીને સુકુમાલિકાની સાથે ગોઠવી દીધો.
કાશ ! એ રાતે પણ એ જ દશા બની ! ભિખારી ભાગી ગયો.
હવે બાજી ખતમ થઈ ગઈ હતી. સુકુમાલિકાના ‘પરમ દુર્ભાગ્યના ઉદય સિવાય બીજું કાંઈ જ કોઈ વિચારી શકે તેમ રહ્યું ન હતું.
સુખમય પણ સંસાર હેય અઢળક પુણ્યોના ઉદયમાં એકાદો પાપનો ઉદય બધા પુણ્યોના સુખને કેવા હતા ન હતા કરી નાંખે છે !
તો એવો તો કોણ આ સંસારમાં પુણ્યવાન છે જેને કોઈ પણ બાબતમાં પાપનો ઉદય હોય જ નહિ ! રે, છેવટમાં છેવટ મૃત્યુ દ્વારા તે તમામ પુણ્યોનો એકીસાથે અંત તો આવે જ છે ને !
માટે જ આ સંસાર સુખમય મળે તો ય અસાર છે. એનું સુખ એ એવું ગુલાબ છે જેની સુગંધ માણવા જતાં એકાદ કાંટો તો અચૂક ગાલે ભોંકાઈને લોહી કાઢી નાંખે છે.
તીવ્ર પાપોદયોને નિષ્ફળ કરવા માટે વડીલોએ સુકુમાલિકાને દાનાદિ ધર્મોનું સેવન કરવા કહ્યું. તેણી પણ ધર્મકાર્યમાં ઓતપ્રોત થવા લાગી.
આજ્ઞાવિરુદ્ધ આતાપના લેતી સુકુમાલિકા
જૈન મહાભારત ભાગ-૧