________________
વગેરે બનેલા પ્રસંગો જોઈશું તો ખ્યાલ આવશે કે આર્ય પ્રજા, આર્ય સંસ્કૃતિ અને ધર્મની રક્ષા ખાતર ધર્મનેતાઓ કેવા અચ્છા રાજકારણી (ગીતાર્થ) બનીને દાવો ખેલતા હતા.
આવા ધુરંધર ગીતાર્થોના સતત પડખાં સેવતા જૈન ગૃહસ્થો પણ ધર્મરક્ષા ખાતર તે તે દાવો ૨મી શક્યા છે, જેમાં ગંગામા, શાન્તિદાસ શેઠ, બહાદુરસિંહજી, લાલભાઈ શેઠ, રામલો બારોટ વગેરેને ગણી શકાય.
ના, પોતાના અંગત સ્વાર્થ સાધી લેવા ખાતર આ રીતે બુદ્ધિની ચાલાકીનો કદી ઉપયોગ ન થાય. પણ અનેક આત્માઓની, સંસ્કૃતિ કે ધર્મની રક્ષા કરવા ખાતર તો ચાલાક બનવું જ જોઈએ, ઉસ્તાદ થવું જ જોઈએ. એ ઉસ્તાદીને જ ગીતાર્થતા કહેવામાં આવી છે.
દુર્યોધન આવો જ જબરો ઉસ્તાદ હતો. બેશક, એના દાવમાં મલિનતા હતી, સ્વાર્થની બૂ હતી. બેશક, વૈરની ભાવના હતી માટે ત્યાજ્ય કક્ષાની હતી.
ખૂબ જ યોગ્ય સમયે દાવ ૨મવો એમાં જ વિશેષતા છે. સમયની જરાક પણ જો આઘીપાછી થાય તો દાવ નિષ્ફળ જતો રહે. એવા અસમયજ્ઞને રોદણાં રડવા સિવાય નસીબમાં કશું બાકી ન રહે.
સહેજ ચાલવા લાગેલી કે હજી સ્ટેશન ઉપર આવી રહેલી ગાડીમાં ચડવાનો કદી પ્રયત્ન ન થાય. એ તો જે સમયે ગાડી બિલકુલ ઊભી હોય તે જ સમયને ગાડી ચડવા માટે સાધી લેવો પડે. જરાકની સરતચૂક વિનાશ વેરે.
પૂરા પંદર ફૂટની છલાંગે જ વાનરને કેરીની ડાળ મળતી હોય તો તેણે પૂરા પંદર ફૂટના જો૨વાળી જ છલાંગ મારવી પડે. તેમાં પોણા પંદર ફૂટના બળવાળી છલાંગ મારે તો કેરી તો ન મળે પણ ધરતી ઉપર એવું પછડાવાનું મળે કે હાડકાં ખોખરાં થઈ જાય.
મોટા માણસોએ કાર્યનો આરંભ પૂરી સમજણથી, દેશકાળના પૂરા ભાનથી, જાતની શક્તિની મર્યાદાના પૂરા ખ્યાલથી જ કરવો જોઈએ. તેઓ નિષ્ફળ જાય તે પ્રાયઃ બનવું ન જોઈએ. આ માટે તેમનું ગણિત ખૂબ જ ચોક્કસ હોવું જોઈએ.
સારથિ પિતાને ભેટતો કર્ણ
દુર્યોધનને પાંડવો સામે ઊભો રહી શકે તેવો જોરદાર માણસ મળી ગયો તેમાં દુર્યોધનની બુદ્ધિની પૂરી કાબેલિયત જોવા મળે છે.
હવે કર્ણ અંગરાજ બન્યો હતો એટલે તેની સાથે લડવા માટે અર્જુન સજ્જ બની ગયો. બન્ને જણની મુખાકૃતિ એટલી બધી ક્રોધાવિષ્ટ હતી કે લડવા દ્વારા પરિસ્થિતિ કેટલી હદે બગડી જશે તેની કલ્પના કરવાનું મુશ્કેલ ન હતું.
બે ય મહારથીઓનો મુકાબલો નિવારવાનું કામ ખૂબ મુશ્કેલ હતું.
એ વખતે જ ‘પોતાનો પુત્ર અંગરાજ બન્યો છે’ એવા સમાચાર જાણીને આનંદવિભોર બની ગયેલા કર્ણના પિતા અતિથી કર્ણને વધાવવા માટે રંગભૂમિ ઉપર દોડતા આવી પહોંચ્યા. પિતાને જોતાંવેંત અર્જુનનું લક્ષ પડતું મૂકીને કર્ણ તેમના પગે પડી ગયો. અતિરથીએ તેને વહાલભર્યા આશીર્વાદ આપ્યા. બે ય પિતાપુત્ર ભેટી પડ્યા.
આ વખતે ભીમ જબરી ભૂલ કરી બેઠો. ઉછાંછળાપણું કેટલું ઘાતક નીવડે છે તેનું આ જોરદાર દૃષ્ટાન્ત છે.
જૈન મહાભારત ભાગ-૧
ભીમ દ્વારા કર્ણના મર્મસ્થળે ઘા
૧