________________
ભૂતકાળમાં તો પ્રાણીહત્યા પણ ભયંકર મનાતી. પણ તે પછી તેને ક્યાંય ટપી જાય તેવીગર્ભપાત-બાળહત્યા તથા પત્નીને મારપીટ, મર્સીફુલ ડેથના નામ નીચે વૃદ્ધ માતપિતાદિના તથા રોગીઓના મોત વગેરે મહાહત્યાઓ (મહામારીઓ) શરૂ થઈ.
આ મહામારીને પણ ક્યાંય ટપી જાય તેવી ત્રીજી મોટી મહામારી હવે શરૂ થઈ છે. એ છે; પ્રાચીન પરંપરાના આર્યાવર્નના ઉત્તમોત્તમ વિચારોની હત્યા. ન્યાય, નીતિ, દયા, પરાર્થ, કરૂણા વગેરે જ સર્વદા સર્વથા સારા છે એ વિચારને હવે મારી નાંખવામાં આવેલ છે. કાયદેસરના અન્યાય, ચોરી, ભેળસેળ, સ્વાર્થ, દારૂખાનાં, જુગાર, શિકાર વગેરે તમામ યોગ્ય છે એવા વિચારો જોરશોરથી ફેલાઈ રહ્યા છે.
સીતાજીનો શીલ-વિચાર, જગડૂશાહનો દાન-વિચાર, ભામાશાહનો રાષ્ટ્ર-વિચાર વગેરેની વગર ખંજરે ખૂનરેજી બોલાઈ છે. - હવે પૂજાય છે; અમિતાભના સેક્સી વિચારો, ગાવસ્કરના રમત-વિચારો, નેતાઓના સ્વાર્થવિચારો.
પૂર્વજોના ગૌરવવંતા સર્વથા પ્રજા-હિતકર વિચારોની હત્યા એ પશુહત્યા અને બાળહત્યાથી પણ અતિ ભયાનક હત્યા છે.
કશું જ નક્કર કામ, નક્કર પરિવર્તન શક્ય ન જ હોય તો બધા સંતોએ અને સર્જનોએ છેવટે પૂર્વજોના હિતકર વિચારોને સર્વત્ર પ્રસારતા રહેવું જોઈએ. શું સાચું છે ? શું ખોટું છે ? તે સતત સહુ સર્વત્ર કહ્યા જ કરે. આ કામ માટે કોઈ રાજકીય પક્ષ સ્થાપવાની, રાજરમત રમવાની, પૈસાની કશી જરૂર નથી. વિચારોના બિયારણને તો આપણે જીવતું રાખીએ જ, જેથી ભવિષ્યમાં પ્રજાના સાહસ અને શૌર્યનો વરસાદ પડતાં જ આ બિયારણ ઊગી નીકળશે.
પણ વિચારોની હત્યા કરતાં ય સૌથી ભયંકર ચોથા નંબરની એક હત્યા વર્તમાનકાલીન ‘ઇન્ડિયામાં વ્યવસ્થિત રીતે ઠંડે કલેજે કરાઈ રહી છે. તે છે; શુભ સંસ્કારોની હત્યા.
શિક્ષણની ધારદાર છરી દ્વારા આ હત્યા બેફામપણે કરાઈ રહી છે. પ્રજાહિતકર વિચારો હણાઈ જાય છતાં જો સુસંસ્કારો જીવંત રહી જાય તો ય બાજી સુધારી શકાય. પણ હવે તો સુવિચારોની જેમ સુસંસ્કારોને પણ લોહીમાંથી જ ખતમ કરાઈ રહ્યા છે. હાય ! જો આ રીતે સુસંસ્કારોની મહામારી (મહાહિંસા) થઈ તો ભારતીય પ્રજાને ઉગારી લેવા માટે કોઈ જ રસ્તો શેષ રહેતો નથી.
આપણે આ ચાર મહામારી (મહાહિંસા)ને ઉત્તરોત્તર વધુ રૌદ્ર તરીકે સ્વીકારીએ અને તે મહામારીઓને નિવારવા કમર કસીએ.
સહુ પશુહત્યા અને બાળાદિની હત્યા નિવારે. સંતો અને સર્જનો વિચારોની હત્યાને અટકાવે.
સંતો અને માતાઓ નવી પેઢીના જન્મોજન્મના ચાલ્યા આવતા સુસંસ્કારોની હત્યાને અટકાવવા યુદ્ધના ધોરણે કામે લાગે,
વર્ણના અસાંર્યની પાછળ આ છેલ્લી મહામારીને અટકાવવાની જ સંતોની ભાવના હતી. કાશ ! આજે તો સસંસ્કારોને લોહીના કણ-કણમાંથી અને આતમના પ્રદેશ-પ્રદેશમાંથી ખતમ કર માટેનો ફાંસલો બરોબર ભીડાઈને ભીંસાઈ રહ્યો છે ! હાય, હવે શું થશે આ આર્ય-મહાપ્રજાનું ?
બીજી બાજુથી સુવિચારોની હત્યા કરતી કસાઈખાના જેવી શિક્ષણ-સંસ્થાઓ પાંચસો માણસોની વસતિના લાખો ગામડાંઓ સુધી પહોંચી ગઈ છે ! કોણ બચી શકશે બાળ, આ શિક્ષણથી ?
જૈન મહાભારત ભાગ-૧