________________
દ્રૌપદી
દ્રુપદરાજની પુત્રી દ્રૌપદીના સ્વયંવરમાં પાંડવો ગયા ત્યારથી દ્રૌપદીનું પાત્ર મહાભારતના કથા-પટ ઉપર પ્રવેશ કરે છે. એ યજ્ઞમાંથી પેદા થયેલી કન્યા હતી એવું જૈન મહાભારતકાર માનતા નથી. આર્યાવર્તની ‘નારી’ કેવી હોય ? એ જાણવું હોય તો તમારે દ્રૌપદીને નખશિખ ઓળખવી પડે. શીલવતી + આવેશવતી = આર્યનારી. આવું છે આર્યનારીનું ચિત્ર. એનામાં જે આવેશ હોય તે ‘સત્ય’ ખાતરનો હોય, નહિ કે તુચ્છ વાતો ખાતરના આવેશથી તે પીડાતી હોય.
નારીને અબળા કહી છે એનો અર્થ એ નથી કે, “તે બળ વિનાની છે !'
૧૦
એનો અર્થ એ છે કે તેનું અગાધ બળ અવિદ્યમાન - ન દેખાતું – છે. જ્યારે એનું બળ બહાર આવે ત્યારે તે રૌદ્રથી પણ રૌદ્ર બની જવા જેટલી શક્તિ ધરાવતી હોય છે.
દ્રૌપદી આવી જ અબળા હતી. તેના જીવનમાં વસ્ત્રાહરણના પ્રસંગે આવેશને ભડકાવી દીધો હતો. ભરસભામાં પોતાના પાંચ પાંચ પતિઓની, ભીષ્મ જેવા સર્વમાન્ય પિતામહની હાજરીમાં તેની લાજ લૂંટવાના જે નીચ યત્નો થયા અને તે વખતે કહેવાતા સત્યવાદીઓ, ગદાધારીઓ, ધનુર્ધરો અને નૈષ્ઠિક બ્રહ્મચારીઓએ મૂંગા રહીને તમાશો જોતાં હોય તેમ બધું જે જોયા કર્યું તેનાથી દ્રૌપદીના રોમેરોમ સળગી ગયા હતા.
એમ લાગે છે કે આ આવેશની પ્રગટેલી આગ કદી શાંત પડી નથી. સીતાની જેમ જ તે પોતાના પતિઓની સાથે વનમાં ગઈ હતી. ભાઈ ધૃષ્ટદ્યુમ્ન તેને લેવા આવ્યો ત્યારે તેણીએ પાંચ પુત્રો સોંપી દીધા પણ પોતે પિયરમાં ન જ ગઈ.
વનવાસના સમય દરમિયાન તેણે યુધિષ્ઠિરને ખૂબ જ સખત કહી શકાય તેવા આગઝરતા શબ્દોમાં વારંવાર ફટકાર્યા છે. વનમાં પોતાના રાજવંશી પતિઓની પ્રત્યેક પરિસ્થિતિ-ધરતી ઉપર સૂઈ રહેવું, ઝાડની છાલથી અંગ ઢાંકવું, પથ્થરનું ઓશીકું બનાવવું વગેરે વગેરે-જોઈને તેની વ્યથા એકદમ અસહ્ય બની જતી હતી. આવા વખતે ભીમ તેને ખૂબ સાથ આપીને ઉશ્કેરતો.
તે પોતે સુકુમાળ રાજકન્યા હોવા છતાં તેણે વનના દુઃખોની કદી ચિંતા કરી નથી કે ફરિયાદ પણ કરી નથી. હા, યુધિષ્ઠિરને વધુ ઉશ્કેરવા માટે તેવી પણ ફરિયાદ કરી છે ખરી.
પણ યુધિષ્ઠિર એટલે યુધિષ્ઠિર. ‘તેર વર્ષનો સ્વીકારેલો વનવાસ પૂરો થાય નહિ ત્યાં સુધી રાજ મેળવવા માટેનો ઉશ્કેરાટ નકામો છે' તેવી તેની દૃઢ માન્યતા હતી.
અને...યુધિષ્ઠિર ખરેખર તો ધૈર્યસ્થિર નામને લાયક હતો, કેમકે એ બધાયના આવેશાત્મક હુમલાઓને ભારે ધીરજથી સાંભળી લઈને ખાળતો હતો.
દ્રૌપદીના આવેશનો જન્મ ધૃતરાષ્ટ્રના રાજદરબારમાં થયો, વસ્ત્રાહરણના પ્રસંગે થયો. આ આવેશ બેશક પ્રશસ્ત હતો. એ તો ઠીક પરંતુ એ વખતે આ મહા-નારીના મોંમાંથી નીકળી ગયેલા જે શબ્દો વ્યાસમુનિએ ગ્રન્થમાં ઉતારી લીધા છે તે તો ખૂબ જ અદ્ભુત છે. કદાચ મહાભારતનો સર્વોત્કૃષ્ટ બોધપાઠ આ શ્લોકમાં જ પડ્યો હશે.
દ્રૌપદીએ કહ્યું :
न सा सभा यत्र न सन्ति वृद्धाः, न ते वृद्धा ये न वदन्ति धर्मम् ।
-नासो धर्मो यत्र च नास्ति सत्यं, न- तत्सत्यं वच्छलेनानुविद्धम् ॥
જૈન મહાભારત ભાગ-૧