________________
અનાજ દળતી ઘંટીનો અવાજ જ્યાં સુધી બંધ ન થયો ત્યાં સુધી કબીર અનાજના દાણારૂપી જીવોની પિલામણની કલ્પનાથી ચીસો પાડીને એક વાર રડ્યા હતા.
પોતાના એક પગે લોખંડનો સળિયો મારીને લોહીની સે૨ ઉડાડનારને રમણ મહર્ષિએ બીજો પગ તેની સામે ધરીને કહ્યું, “હજી સંતોષ ન હોય તો આ પગે પણ સળિયો મારો.”
વારંવાર નિર્વિકલ્પ સમાધિનો આનંદ માણતા નરેન્દ્ર ગુરુજીને કહ્યું: “મને કાયમ માટે આ સમાધિ મળે તેવું કરી આપો.”
ઉત્તર મળ્યો : “અનેક જીવો દુ:ખમાં સબડી રહ્યા છે તેમનો ઉદ્ધાર કર. તારે તારા જ સુખનો વિચાર કરવો એ બરોબર નથી.”
ઝાડની છાલ ઉતારતાં તેને કેવી વેદના થઈ હશે તે જોવા માટે રામતીર્થે પોતાના પગની ચામડી કુહાડાના પાનાથી ઉતારી નાંખી હતી.
સત્સંગથી જ સંસ્કારપ્રાપ્તિ ગાંગેયના આત્મામાં જે કરુણા આત્મસાત્ થઈ હતી તેની પાછળ જૈન ચારણમુનિઓથી પ્રાપ્ત શિક્ષણ કારણ હતું.
માતા બનીને મુનિઓ અને મુનિ જેવી બનીને માતાઓ કેટલા બધાનું કલ્યાણ કરી શકતાં હશે એની કલ્પના થઈ શકે તેમ નથી.
જે કુટુંબોના વડીલો પોતાના સંતાનોને સત્સંગમાં રાખે છે એ સંતાનો ખૂબ સારા સંસ્કારી બને છે. એમની કોઈ ચિંતા વડીલોએ કરવી પડતી નથી. કુટુંબને કલંક લાગે તેવા સંસ્કૃતિવિરુદ્ધ આચરણો તેઓ કદી કરતાં નથી.
માતા ભદ્રા : નંદ મણિયાર
માતા ભદ્રા પોતાને ત્યાં અનેક મુનિઓને વસતિ (સ્થળ) આપતી. એમાં જ પાઠ કરતાં એ મુનિઓના નિમિત્તથી એના પુત્ર અયવંતી સુકુમાલને આત્મકલ્યાણની કેડી પ્રાપ્ત થઈ ગઈ. તે શ્રેષ્ઠીપુત્રે સંયમનો માર્ગ સ્વીકાર્યો.
સતત સત્સંગમાં જ રહેતા નંદ મણિયારને થોડોક સમય એ સત્સંગ ન રહ્યો તેમાં તે એવી ભૂલો કરી બેઠો કે મરીને વાવનો દેડકો થયો.
તુલસીદાસે જે કહ્યું છે, “એક ઘડી, આધી ઘડી, આધી મેં ભી આધ, તુલસી સંગત સંતકી, કટે કોટિ અપરાધ” એ ખૂબ યથાર્થ છે.
ગાંગેયનો પડકાર
દયાસભર ગાંગેયે પોતાની સરહદમાં શિકાર કરવા આવેલા શાન્તનુને પડકાર્યો,‘ખબરદાર ! અહીં કોઈ જીવને માર્યો છે તો.’ તેણે કહ્યું, “વનના નિર્દોષ પ્રાણી કે જેઓ મોંમાં ઘાસ પકડે છે તેને મારવામાં ક્ષત્રિયની શી બહાદુરી ? મોંમાં ઘાસ (તણખલું) પકડતા શત્રુને ક્ષત્રિયો અભય આપી દેતા હોય છે. હે રાજન્ ! તમે અહીંથી પાછા વળી જાઓ, નહિ તો મારે તમને દૂર કરવા પડશે.” હજી તો મૂછનો દોરો ય ફૂટ્યો નથી એવા કિશોરની આ નીડરતા જોઈને શાન્તનુ મનોમન રાજી થયો, પણ એના માર્ગમાં કોઈ અવરોધ ઊભો કરે એ સહવાની તેનામાં શક્તિ ન હતી. તેણે ગાંગેય સાથે લડી લેવાનું નક્કી કર્યું.
જૈન મહાભારત ભાગ-૧