________________
પાત્રને વિદ્યા-દાનમાં જરાક પણ કચાશ રાખવામાં પાપ.
મહાન બનવું હજી સહેલ છે, પણ પોતાની પાછળ મહાન બને તેવું પાત્ર મળવું ખૂબ મુશ્કેલ છે. અને જો તેવું કોઈ પાત્ર મળી જાય તો તે પુણ્યની પરાકાષ્ટાનું સૂચક છે.
મહાનની પાછળ “મહાન' નીકળનારા શિષ્યો ખૂબ જ ઓછા હોય છે. આથી જ “દીવા પાછળ અંધારું' કહેવત પડી હશે ને ?
કર્ણને અર્જુનની ઈર્ષ્યા દ્રોણાચાર્યને પોતાનાથી પણ સવાયો ધનુર્ધર બને તેવો અર્જુન મળી જતાં આનંદનો પાર ન હતો. એમણે પોતાની સઘળી શક્તિ તેની પાછળ નિચોવી નાંખવાનો સંકલ્પ અમલમાં મૂકી દીધો હતો. અર્જુનની વિદ્યાગ્રાહ્યતા કરતાં ય ગુરુભક્તિની પરાકાષ્ટાથી જ દ્રોણાચાર્ય તેને તૈયાર કરવા માટે અત્યન્ત ઉત્સાહિત બન્યા હતા.
અને... અર્જુન ખરેખર બેજોડ ધનુર્ધર બની ગયો.
પણ પોતાની વિશેષતાના જરાય ઓછા આંક ન મૂકતા કર્ણના અંતરમાં અર્જુન પ્રત્યે ઈર્ષ્યા ભભૂકી ઊઠી. દ્રોણાચાર્ય કર્ણ પ્રત્યે એટલું સારું ધ્યાન આપતા પણ ન હતા.
આ ઈષ્યની સમાનતા ઉપર કર્ણ અને દુર્યોધનની મૈત્રી જામી ગઈ. શત્રુનો શત્રુ તે મિત્ર.
અર્જુન સાથે એકલવ્યની મુલાકાત એક દિવસની વાત છે. વિદ્યાદાનની છુટ્ટીના કારણે અર્જુન પુષ્પકરંડક નામના વનમાં ફરવા નીકળી ગયો. એક જગ્યાએ તેણે એવો કૂતરો જોયો જેના મોંમાં બાણ ભરી દેવામાં આવ્યા હતા.
અર્જુને વિચાર કર્યો કે, “ભસીને ત્રાસ દેતાં કૂતરાને આ રીતે બાણો ફેંકીને કોણે ચૂપ કરી દીધો હશે? આ તો અજબગજબની ધનુકલા કહેવાય. તે આવો ધનુર્ધર આ વનમાં વળી કોણ હશે ?'
થોડેક આગળ વધતાં તેણે એક યુવાનને જોયો. તેના હાથમાં ધનુષ વગેરે હોવાથી તેણે અનુમાન કરી લીધું કે પેલા કૂતરાને ચૂપ કરી દેનાર આ જ વ્યક્તિ છે. તેની પાસે જઈને અર્જુને તેની ઓળખ પૂછી. તેના વિદ્યાગુરુનું નામ પૂછ્યું. તે યુવાને કહ્યું, “હું પલ્લીપતિ હિરણ્યધનુષનો પુત્ર છું. મારું નામ એકલવ્ય છે. મારા ગુરુ મહાન દ્રોણાચાર્ય છે, જેઓ વિશ્વના અજોડ ધનુર્ધર અર્જુનના ગુરુદેવ છે.”
આ શબ્દો સાંભળતાં જ અર્જુન વિલખો પડી ગયો. સીધો નિવાસસ્થાને જઈ ગુરુદેવ દ્રોણાચાર્યને પૂછવા લાગ્યો કે, “આપે તો મારા કરતાં ક્યાંય ચડિયાતો આપનો એક શિષ્ય તૈયાર કર્યો છે, તો આપે મને “અજોડ ધનુર્ધર બનાવવાનું જે વચન આપ્યું હતું તેનો શો અર્થ ?”
અર્જુને એકલવ્યની સઘળી વાત કરી. અર્જુનના મોં ઉપર ભારે ઉદાસીનતા છાઈ ગઈ હતી, એકલવ્ય પોતાનાથી સવાયો ધનુર્ધર બન્યો છે તેની કલ્પનાથીસ્તો.
આજે પ્રમોદભાવ ક્યાં છે ? કેવા છે મોટા મોટા માનવના ય મન ! એને કોઈનો ઉત્કર્ષ પણ ગમતો નથી. કર્ણ અને દુર્યોધનને અર્જુનની ઈર્ષ્યા થાય છે અને અર્જુનને એકલવ્યની ઈર્ષ્યા થાય છે !
શું આ સ્થળે પ્રમોદ ન જ થઈ શકે? બીજાઓના ઉત્કર્ષને જોઈને શું આનંદ પામી શકાય જ નહિ? અર્જુન જેવાની પણ આવી હીન મનઃસ્થિતિ થઈ શકે ?
જૈન મહાભારત ભાગ-૧