________________
એક સંન્યાસી કોઈને પણ પોતાનો શિષ્ય કરે ત્યારે અચાનક તેની જીભ ઉપર સાકરનો પાઉડર મુકાવે, મો બંધ કરાવે, બે મિનિટ બાદ તેવા જ સ્વરૂપમાં તે પાઉડર અકબંધ પાછો માંગે. જો કોઈ મુમુક્ષુ તેમ કરી શકે તો જ તેને પોતાનો શિષ્ય બનાવે. તે માનતા હતા કે સાધુ થવાની પાત્રતા તેનામાં જ છે જે રસના ઉપર ભારે કાબૂ ધરાવે છે.
દ્રોણાચાર્યની મહર્ષિ-પરંપરાચુસ્તતા દ્રોણાચાર્યને કેટલાક ક્ષત્રિયોમાં જ ધનુર્વિદ્યાની પાત્રતા જણાતી હતી. ‘ભીલ એ માટે યોગ્ય નહિ' એમ તેઓ માનતા હતા. જો કે પોતાની આ માન્યતાની વિરુદ્ધ પણ તેઓ બીજા પ્રસંગોમાં ગયા છે, પણ તેથી કાંઈ તેમની પાત્રતાવિચાર ખોટો સાબિત થઈ શકે નહિ.)
એ વાત કબૂલ છે કે કોઈ અપવાદરૂપ પાત્રતા પણ જોવા મળી શકે છે, છતાં તે પ્રમાણે અમલ કરવો એ વાજબી નથી, કેમકે તેથી અનુકરણ થવા લાગે, અને તેમ થતાં અપાત્રને પણ વસ્તુ આપી દેવાનું બને. એ વખતે પાત્ર દ્વારા જે લાભો થાય તેના કરતાં લાખોગણાં નુકસાનો તે અપાત્રો કરી બેસે. આ આપત્તિમાંથી બચવા માટે અપવાદરૂપ કિસ્સામાં મક્કમ રહીને મૂળભૂત પરંપરાને વળગી રહેવું એ જ ઓછામાં ઓછા નુકસાનનો વિકલ્પ લાગે છે.
ક્ષત્રિયોમાં ય કેટલાક અપાત્ર હોઈ શકે. આથી શિવાજીએ પોતાના જ દીકરા શંભાજીને કુપાત્ર જાણીને સદા માટે ઉપેક્ષ્યો હતો અને ભીલોમાં ય કોઈ પાત્ર-કદાચ એકલવ્ય જ-હોઈ શકે, પરંતુ તેથી લલચાઈ જઈને મૂળભૂત સિદ્ધાન્તને ગૌણ કરી ન શકાય.
આ હતી દ્રોણાચાર્યની મહર્ષિપરંપરાથી પ્રાપ્ત થયેલી વિદ્યાશૈલી.
તેમાં તેમને “અન્યાયી” કહેવા તે જ અન્યાય છે. સમાનતાના વિચારનો અતિરેક આવો અન્યાય કરાવી દેતો હોય છે. અસ્તુ. હવે મૂળ વાત ઉપર આવીએ.
કાદવમાં કમળ જેવો એકલવ્ય આ વિચારને કારણે જ દ્રોણાચાર્ય એકલવ્યને આ વિદ્યામાં આગળ વધતો રોકવા ઈચ્છતા હતા. ના, “અર્જુન જ અજોડ ધનુર્ધર બને એ વિચાર તેમના હૈયે પ્રધાન ન હતો. બેશક, ગૌણરૂપે તે વિચાર પણ એના પ્રત્યેના વધુ પડતા સ્નેહને કારણે હોઈ શકે, પરંતુ મુખ્ય તો પાત્રાપાત્ર-વિચાર હતો અને તે માટે જ તેમણે ન છૂટકે, હૈયું ખુબ જ કઠિન કરીને પોતાની ફરજ બજાવવી પડી.
તેમણે એકલવ્યને કહ્યું કે, “વત્સ ! જો તું મને જ ગુરુ માનતો હોય તો તારે મને ગુરુદક્ષિણા તો આપવી જોઈએ ને ?”
આ સાંભળીને હર્ષથી પાગલ જેવા બની ગયેલા એકલવ્યે કહ્યું, “જરૂર જરૂર... ગુરુદેવ ! આપ કહો તે આપી દઉં. કહો, ગુરુદેવ ! મારું માથું કાપીને આપી દઉં ?”
એકલવ્યનું આ સમર્પણ જોઈને દ્રોણાચાર્ય સ્તબ્ધ થઈ ગયા. તેમને લાગ્યું કે કદાચ હું એકલવ્યને અંગૂઠો માંગી લઈને ધનુર્વિદ્યાના વિષયમાં સવાયો અર્જુન નહિ બનવા દઉં પરંતુ ગુરુ-સમર્પણના વિષયમાં તો તેને સવાયો અર્જુન બનતો કોઈ પણ ઉપાયે હું રોકી શકું તેમ નથી.
કાદવમાં કીડા જ પેદા થતાં નથી, કમળ પણ તેમાં જ પેદા થાય છે. ભીલ જેવા આદમીમાં ગુરુ પ્રત્યેનો ત્યાં સુધીનો સમર્પણભાવ કે જેમાં માથું કાપીને આપી દેવામાં કોઈ હિચકિચાટ નહિ તે ઉચ્ચ કુળોના લોહીમાં પણ બધે જોવા ન મળે.
શક્તિઓનું પાચક ચૂર્ણ : દેવગુરુભક્તિ જૈન મહાભારત ભાગ-૧