________________
શક્તિઓ તો સ્વપુરુષાર્થે પણ પેદા થઈ શકે છે, પરંતુ તે પ્રાયઃ મારક બને છે, જીવનનું અધઃપતન કરે છે. પ્રાપ્ત થયેલી શક્તિને પચાવવી જોઈએ. એના પાચકચૂર્ણનું નામ છે; દેવગુરુની ભક્તિ .
ભક્તિથી અહંકાર સમૂળ નષ્ટ થાય છે. શક્તિઓ આ અહંકાર દ્વારા જ જીવનનું અધઃપતન કરી શકતી હોય છે.
અપેક્ષાએ એમ કહી શકાય કે દેવ કરતાં ય ગુરુ પ્રત્યેની ભક્તિ સવિશેષ હોવી જરૂરી છે. છેવટે દેવભક્તિ જેટલી જ પરાભક્તિ ગુરુ પ્રત્યે હોવી જોઈએ.
ભક્તિ એટલે જ પુરુષાર્થની મહત્તા ઉપર ચોકડી. હું કશું જ કરતો નથી, બધું ‘તે જ કરે છે.” આવો હાર્દિક વિચાર ભક્તિનું મૂર્ત સ્વરૂપ છે.
સ્વપુરુષાર્થે-બાવડાના બળે કાંઈ ગંગા પાર ઊતરાય ? એ તો એના પ્રવાહમાં “શૂન્ય' બની જઈને-હાથ, પગ બધું નિષ્ક્રિય કરી દઈને પાણીની સપાટી ઉપર સીધા સૂઈ જવું પડે, બધું જ “એને’ સમર્પણ કરી દેવું પડે. નથી અહીં હાંફ કે નથી અહીં થાક. છે માત્ર સિદ્ધિ... આવી સિદ્ધિ આપે છે; દેવગુરુ પ્રત્યેનો સમર્પણભાવ.
ગુરુ-સમર્પણના દૃષ્ટાંતો કોઈ શિષ્યને કમરની એક નસ બીજી નસ ઉપર ચડી ગઈ હતી. માલિસ વગેરેથી ફાયદો ન થયો ત્યારે ગુરુએ તેને જંગલના કોઈ રાફડામાં રહેતા સાપને બહાર બોલાવીને મોં ખોલાવીને તેના દાંત ગણી આવવા કહ્યું. “સાપને તે દાંત હોય?' એવો સવાલ પૂછ્યા વિના સમર્પિત શિષ્ય જંગલ તરફ રવાના થયો. કાંકરીનો પ્રયોગ કરતાં સાપ બહાર આવ્યો. ક્રોધે ભરાયો. તરાપ મારવા પૂર્વેની ફેણ ડોલાવવા લાગ્યો. શિષ્ય હાથ લાંબો કરીને તેને મોં ખોલવાનો સંકેત કર્યો. અને....
સાપે જોરથી ફૂંફાડો માર્યો. તેના અચાનક ફૂંફાડાથી ભયભીત થઈ ગયેલા શિષ્યના શરીરને કમર ઉપર એવો જોરથી આંચકો લાગ્યો કે તેની નસ સીધી થઈ ગઈ.
એ જ વખતે ખાનગીથી પાછળ આવીને ઊભેલા ગુરુએ શિષ્યને બૂમ પાડીને પોતાની પાસે બોલાવી લીધો. શિષ્યમાં આવું ગુરુ-સમર્પણ હોવું જોઈએ
કહેવાય છે કે દયાનંદ સરસ્વતીને તેમના ગુરુ વિરજાનંદ કેટલીકવાર ઢોર-માર મારતા હતા. પણ તે વખતે દયાનંદ એટલું જ કહેતા, “ગુરુદેવ ! મને જડને મારવામાં આપને કેટલો બધો શ્રમ લેવો પડે છે !”
અજાણી નદી પાર ઊતરવામાં જાનનું જોખમ જોઈને ગુરુ એરિસ્ટોટલની ના છતાં સિકંદરે ઝંપલાવી દીધું. તે પછી સિકંદરે ગુરુજીને પણ નદી પાર ઊતરી જવા કહ્યું.
સિકંદરે પોતાનો જાન જોખમમાં કેમ મૂક્યો એવું ગુરુજીએ પૂછતાં તેણે કહ્યું કે, “ગુરુદેવ ! આપ જો પહેલાં નદીમાં ઝંપલાવત અને તેમાં જો આપનો જાન ચાલ્યો જાત તો આ જીવતો રહી ગયેલો સિકંદર નવા એકાદ પણ એરિસ્ટોટલને પેદા કરી ન શકત. અને હું નદીમાં પહેલાં ઝંપલાવીને જો મારી જાન ગુમાવત તો મારા ગુરુ એરિસ્ટોટલ મારા જેવા દસ સિકંદરોને પેદા કરી શકત. હવે કહો, મેં શું ખોટું કર્યું છે ?”
કહેવાતા અનાર્યદેશના માણસોમાં પણ પોતાના ગુરુ પ્રત્યે કેટલો ઊંચો સદ્ભાવ હોય છે !
જૈન મહાભારત ભાગ-૧