________________
બે રોટલી ખાનાર અને બાર રોટલી ખાનાર-એ-મહેમાન થયા. કોઈ સમાનતાવાદીએ બે અને બારનો સરવાળો કરીને ચૌદ રોટલી ગણી, પછી બન્નેયને સરખી સાત સાત રોટલી આપી.
કહો, આ સમાનતા-પ્રદર્શન તે ન્યાય છે કે અન્યાય ?
સાવ નીચી કક્ષાના માણસના હાથમાં વધુ પડતું ધન મૂકી દો, જુઓ પછી શું થાય? તેને તે ધન પચશે નહિ. દારૂ અને દુરાચારના માર્ગે ચાલી ગયા વિના તે રહેશે નહિ.
વધુ ધનથી વધુ સારો ધંધો કરીને સરકારના અર્થતંત્રને સદ્ધર કરી આપતા વેપારી-વર્ગ પાસેથી ધન આંચકી લેતા કાયદાઓ કરો, તેનું પરિણામ એ જ આવશે કે વેપારીઓ ધંધો છોડી દેશે, તેમની દક્ષ બુદ્ધિ કટાઈ જશે, પરિણામે સરકારનું અર્થતંત્ર નબળું પડી જશે. પ્રજાને ઘણું નુકસાન થશે.
પાત્રતાનો વિચાર ક્યાં નથી ? શું વડાપ્રધાનની ખુરસી ઉપર ભારતનો કોઈ પણ પ્રજાજન બેરોકટોક બેસી શકે છે ખરો ? શું રેસકોર્સની ઘોડા-દોડમાં ખચ્ચર જેવા ઘોડાઓને પણ દોડાવાય છે ખરા ? શું દેશના ચાવીરૂપ સ્થળોમાં અભણોને ગોઠવવામાં આવે છે ખરા?
વર્તમાનકાલીન ભારતનું રાજતંત્ર જે રીતે સમાનતાના નાદે ચડ્યું છે તે જોતાં એમ લાગે છે કે આ દેશ નબળા લોકોના હાથમાં જઈને પાયમાલ થઈને રહેશે.
પાત્રતા-વિચાર ઉપર અનેક દૃષ્ટાન્તો પરમાત્મા મહાવીરદેવે ચંડકૌશિક નાગને બોધ આપ્યો પણ દેવાત્મા સંગમને એક અક્ષરનો ય બોધ ન આપ્યો. આવો ભેદ શા માટે? એકમાં બોધ પામવાની પાત્રતા હતી, બીજામાં તે પાત્રતા ન હતી માટેસ્તો !
સાંભળ્યું છે કે પરશુરામ પાસે બ્રાહ્મણરૂપે વિદ્યા મેળવવા આવેલો કર્ણ ક્ષત્રિય છે એવી તેની સહનશક્તિ ઉપરથી જયારે પરશુરામને ખબર પડી ત્યારે તેમણે શાપ આપીને કાઢી મૂક્યો. તે માનતા હતા કે શાસ્ત્ર-વિદ્યાભ્યાસ એ ક્ષત્રિયનું કાર્ય નથી. જેનું જે કામ, તે જ તેણે કરવાનું. | વનરાજ ચાવડાને શીલગુણસૂરિજી સાધુ બનાવવા માંગતા હતા. પણ મંદિરમાં ઉંદરો નૈવેદ્ય ન ખાઈ જાય તે માટે ત્યાં ગોઠવેલા વનરાજે ઉંદરોને ભગાડવાને બદલે મારી નાંખવાનો પ્રયત્ન કર્યો ત્યારે સૂરિજીને લાગ્યું કે આ માણસ ક્ષત્રિય રાજા થવાની પાત્રતા ધરાવે છે, આનામાં સાધુ થવાની પાત્રતા નથી.
સ્વામી વિવેકાનંદને રામકૃષ્ણ અવારનવાર નિર્વિકલ્પ સમાધિનો રસ ચખાડતા હતા. તે જોઈને જિદ કરીને માથુરબાબુએ તે રસ ચખાડવા માટે રામકૃષ્ણને ખૂબ આગ્રહ કર્યો. લાચાર બનીને, કમને રામકૃષ્ણ માથુરબાબુના માથે હાથ મૂકીને સમાધિ ચડાવી દીધી.
થોડી જ વારમાં માથુરબાબુ ચીસો પાડીને કહેવા લાગ્યા, “મારે આવી નિર્વિકલ્પ અને નિર્વિકાર અવસ્થા ન ખપે. મારે તો બૈરાંછોકરાં છે. હું તો સંસારી માણસ છું વગેરે.”
રામકૃષ્ણ તેને સમાધિથી મુક્ત કરીને કહ્યું, “માથુર ! આ તારું કામ જ ન હતું છતાં તે જિદ કરી તો જોયું ને કેવું પરિણામ આવ્યું?”
માથુરબાબુએ રામકૃષ્ણની ક્ષમા માંગી.
કહેવાય છે કે ભર્તુહરિને સંન્યાસી થવું હતું ત્યારે તેના ગુરુએ તેની આકરી પરીક્ષા કરી હતી. ઉકરડાના ચીંથરાંઓની લંગોટી બનાવીને પહેરવા કહ્યું હતું. પિંગલા પાસે જઈને ભિક્ષા માંગવા કહ્યું હતું. ભર્તુહરિ તમામ કસોટીમાંથી ઉત્તીર્ણ થયા ત્યારે જ ગુરુએ સંન્યાસ આપ્યો.
જૈન મહાભારત ભાગ-૧