________________
ધર્મના બળ વિના સંસ્કૃતિ ટકી શકતી નથી. સાચી માનવતા તેના જ હૈયે જોવા મળશે જેના હૈયે ધર્મ હશે. ધર્મરક્ષા ખાતર સંસ્કૃતિનું પણ બલિદાન આપી શકાય ખરું.
આજે આ વિષયમાં અવળી ગંગા વહી રહી છે. ધર્મનો ભોગ લઈને સંસ્કૃતિનો મહિમા વધારાઈ રહ્યો છે, સંસ્કૃતિનો ભોગ લઈને પ્રજાને જિવાડાઈ રહી છે, પ્રજાનો ભોગ લઈને દેશને આબાદ બનાવાઈ રહ્યો છે, દેશને ગીરવે મૂકીને પુણ્યવાનું વ્યક્તિઓ (સત્તાધારી વગેરે) માલેતુજાર બની રહી છે.
અનર્થોનું મૂળ : મોહદશા એ દુર્યોધન પિતા ધૃતરાષ્ટ્ર માટે ગમે તેટલો વહાલો હોઈને મોટું મહત્ત્વ ધરાવતો હશે પણ કૌરવકુળની મહાનતા પાસે એની વ્યક્તિગત મહાનતાની શી કિંમત? આથી જ કૌરવકુળની અને લાખો જાનની રક્ષા ખાતર દુર્યોધનના જીવનને ગૌણ ગણી લેવાની ખૂબ જ કડવી સલાહ વિદુરે ધૃતરાષ્ટ્રને આપવી પડી.
કોની ખાતર કોણ ગૌણ ? કોના માટે કોનું બલિદાન?
આ સવાલો મોટા મોટા માનવોને મૂંઝવણમાં મૂકી ચૂક્યા છે. એમનામાં પડેલી કોઈ ને કોઈ મોહદશાને લીધે જ આ ખૂબ જ સરળ સવાલ એમના માટે ભારે મૂંઝવણભર્યો બની ગયો છે.
મોટા મોટા રુસ્તમો પણ જેઓ પત્નીના, પુત્રના કે ભાઈ વગેરેના મોહમાં લપેટાયા તે બધા ય આ સીધા-સાદા સવાલને ઉકેલી ન શક્યા અને તેથી જ ભારતીય પ્રજાને ઘણી મોટી મુશ્કેલીમાં આ રુસ્તમોએ વારંવાર મૂકી દીધી છે.
મહાભારતના યુદ્ધમાં પણ પુત્રમોહે ફસડાઈ પડતા દ્રોણાચાર્યનો શસ્ત્રસંન્યાસ, દ્રોણ-ભીષ્મ પ્રત્યે વડીલ તરીકેના તીવ્ર અનુરાગે અર્જુનનો શસ્ત્રો હાથમાં લેવામાં વિષાદ, ભાણેજોના મોહે મદ્રરાજ શલ્યની અણીના સમયે કર્ણનું પોરસ તોડવાની કબૂલાત વગેરે અનેક બાબતો એવી જોવા મળે છે.
શું રામાયણના મૂળમાં કૈકેયીનો પુત્રમોહ, રાવણનો પરસ્ત્રી-મોહ વગેરે ન હતો? શું આ બધા મોટા માણસો એટલું પણ ન સમજી શક્યા કે આ મોહદશા ન રાખવી જોઈએ? તેનાથી ઘણાં મોટા અહિતો થવાની શક્યતા છે ?
બુદ્ધિમાન માણસો પણ કોઈ ને કોઈ આગ્રહને જયારે હઠાગ્રહમાં ફેરવે છે ત્યારે તેમની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જતી હોય છે.
આંતરચક્ષુ ધરાવતા પાંડુ વિદુરનો પ્રસ્તાવ રાજનીતિના ફલક ઉપર ખૂબ જ વાજબી હોવા છતાં ધૃતરાષ્ટ્રને તે પ્રસ્તાવ માન્ય ન રહ્યો, કેમકે તેને પુત્રમોહ ખૂબ પીડતો હતો.
તે વખતે પાંડુએ વિદુરની વાતનો સખ્ત વિરોધ કર્યો. તેણે કહ્યું, “દુર્યોધન જ રાજા થવાને અધિકારી છે, મારો યુધિષ્ઠિર કદાપિ નહિ, કેમકે ગર્ભકાળની અપેક્ષાએ તો દુર્યોધન જ જયેષ્ઠ છે. વળી જોષીઓની વાત ઉપર આટલો બધો મદાર મૂકી દઈને જો વર્તમાનનું સર્જન કરવામાં આવશે તો “રાજનું કામ કદી થઈ શકશે નહિ, રાજાઓ ભાગ્યને જ સલામ કરશે અને સ્વયં પાંગળા બની જશે. વળી આ જોષીઓ કંઈ ત્રિકાળજ્ઞાની થોડા જ છે કે તેમની વાત ઉપર આંધળો વિશ્વાસ મૂકી દેવાય? માટે હું વિદુરની વાતમાં બિલકુલ સંમત થતો નથી.”
જૈન મહાભારત ભાગ-૧