________________
પોતાની શોક્યોને પોતે જ પ્રભુભક્તિ શીખવી અને તે શોક્યો તેમાં ખૂબ આગળ વધી ગઈ ત્યારે પોતે જ તેમના તરફ ઈર્ષ્યા કરવા લાગી એ કુન્તલા રાણી મરીને કૂતરી થયાના સમાચાર જૈન શાસ્ત્રજ્ઞોએ આપણને આપ્યા છે.
પોતાના જ શિષ્યની વિદ્વત્તા ઉપર ઈર્ષ્યા કરતાં નયશીલસૂરિ નામના જૈનાચાર્ય મૃત્યુ પામીને સાપ થયા છે.
જેમ પ્રકાશના સદ્ભાવમાં અંધકાર ન જ ઊભો રહી શકે તેમ ગુણાનુરાગના સદ્ભાવમાં ઈર્ષ્યા ન જ ઊભી રહી શકે.
બેશક, ગુણી બની જવું હજી સહેલ છે પરંતુ ગુણાનુરાગી બનવું એ ખૂબ મુશ્કેલ છે. પણ ઈર્ષ્યાના કાળા પાપને જીવનમાં નહિ પ્રવેશવા દેવા માટે ગુણાનુરાગી બન્યા વિના કોઈ જ ઉપાય નથી.
શત્રુને નહિ, શત્રુતાને જ મારો
પોતાના સગા ભાઈના વિકાસમાં બળતા જલતા નાના ભાઈએ તેની કારકિર્દી ખતમ કરવા માટે ઘણા નિષ્ફળ પ્રયત્નો કર્યા. છેવટે મરતી વખતે તેણે પોતાના પુત્રોને કહ્યું, “મારા શબના કટકા કરીને તમારા કાકાના કંપાઉન્ડમાં દાટી દઈને તેની ઉપર મારું ખૂન કર્યાનો પોલીસ કેસ દાખલ કરજો . આથી તેને ફાંસીની સજા થશે. હું જ્યાં હોઈશ ત્યાં મને ખૂબ આનંદ થશે.”
આ રીતે ભાઈ-શત્રુને મારવાની વાત કરીને પિતા મૃત્યુ પામ્યા. પણ દીકરાઓએ તો કાકા સાથે એટલો મીઠો સંબંધ બાંધ્યો કે તેમણે શત્રુતાને જ મારી નાંખી. અને એ રીતે ‘શત્રુ’ મરી પણ ગયો. પિતાજીની ઈચ્છા પૂર્ણ થઈ.
શાસ્ત્રમાં પંકપ્રિય કુંભારનું કથાનક આવે છે. તે કોઈના પણ ઉત્કર્ષને, વૈભવને કે આનંદપ્રમોદને જોઈ શકતો નહિ. ગામમાં એવું કાંઈ પણ જોવા મળે કે તરત તે છાતી-માથું જોરથી કુટતો, ક્યારેક ભીંત સાથે પણ માથું અફાળી દેતો.
‘આમાં ક્યારેક બાપના જાનનું જોખમ થઈ જશે' એમ વિચારીને દીકરાઓએ જંગલમાં ઘ૨ બનાવીને તેને ત્યાં જ રહેવાની ફરજ પાડી.
પણ ત્યાં ય એક દિવસ તેની નજરમાં જુવાન રાણી સાથે આનંદ કરતો નગરનો રાજા આવી ગયો. તે ઈર્ષ્યાથી જલવા લાગ્યો. દોડ્યો, પથ્થરની શિલા સાથે માથું પછાડ્યું. તત્કાળ મૃત્યુ પામી ગયો.
વસિષ્ઠનો ગુણાનુરાગ
બ્રહ્મર્ષિ ગણાતા વસિષ્ઠ ઋષિના ગુણાનુરાગની વાત જાણવા જેવી છે. તેઓ રાજર્ષિ વિશ્વામિત્રને પોતાના ઉત્તરાધિકારી તરીકે બ્રહ્મર્ષિપદ આપતા ન હતા, કેમકે વિશ્વામિત્ર તે પદ માટે ખૂબ જ ઉત્સુક હતા. હા, વિશ્વામિત્રની બ્રહ્મર્ષિપદ માટેની આ જ અપાત્રતા હતી કે તે પદ માટે તે પોતાને ખૂબ જ પાત્ર માનતા હતા.
અંતે પદ માટે અધીરા થયેલા વિશ્વામિત્ર વસિષ્ઠનું ખૂન કરવા માટે ખંજર લઈને પૂર્ણિમાની રાતે કુટિરથી નીકળ્યા. વસિષ્ઠની કુટિરે પહોંચ્યા. ત્યાં ઋષિ અને પત્ની અરુંધતી બહારની ઓસરીમાં સૂતાં હતા અને નિર્દોષ વાતો કરતાં હતા.
અરુંધતીએ પૂછ્યું કે, “હે ઋષિવર ! પૂર્ણિમાની આ ચાંદની તો જુઓ, કેટલી સુંદર છે ! એની સુંદરતાને કોની સાથે આપણે સરખાવી શકીએ ?’
જૈન મહાભારત ભાગ-૧