________________
દુઃખોની પળોમાં આવો ભવિતવ્યતાનો વિચાર કરવામાં આવે તો કેટલી બધી ચિત્તશાન્તિ બની રહે !
એકસાથે સોળ વર્ષના પોતાના બે ય દીકરાને તળાવમાં ડૂબી જવાથી ખોઈ બેસતી મહાશ્રાવિકાએ જ્યારે તે બે ય બાલુડાઓના મૃતકો જોયા ત્યારે કપાળે આંગળી લગાડીને તરત તેણે સમાધાન કરી લીધું કે, “અમારી લેતીદેતી પૂરી થઈ ગઈ ! આ બધી નસીબની વાત છે ! હશે, જે બનવાનું જ હોય તેણે કોણ મિથ્યા કરી શક્યું છે ?”
એ પળો એવી હતી કે માતા આઘાતથી પ્રાણ ખોઈ બેસે, પણ એ જ પળોને માતાએ તત્ત્વચિંતન દ્વારા એવી ફેરવી નાંખી કે તેમાં ચિત્તનું સમાધાન કરી લઈને વિષયસુખો પ્રત્યે તે વિરક્ત બની ગઈ.
દુઃખની દવા ? તેનો વિચાર જ ન કરવો તીર્થંકરદેવોના તારક આત્માઓને પણ જો કર્મો છોડતા નથી તો આપણા જેવા ઉપર તે ત્રાટકે તેમાં શી નવાઈ છે ?
વળી દુઃખે આટલું બધું રોવાનું શું ? આપણા એ દુ:ખ કરતાં તો ઘણા વધુ દુઃખી જીવો આ જગતમાં કેટલાય પડ્યા છે ! જરાક એમની તરફ તો નજર કરીએ. આપણું દુઃખ વિસાતમાં નહિ લાગે.
દુઃખ આવે એટલે દુઃખી થવું જ પડે એવો કોઈ નિયમ નથી. આવી પડેલા દુઃખનો જે બહુ વિચાર કરે, માથે ભાર લે, ભડકી જાય તે જ દુઃખી થાય. જે દુઃખનો ભાર માથે લેતો નથી તે દુઃખી થતો નથી.
જિતઃ સુરક પદ્ ૪ જાનુરા -દુઃખની આ જ દવા છે કે તેનો વિચાર જ કરવો નહિ.
એકના એક જુવાનજોધ દીકરાનું મૃત્યુ થયું. તેના શબને સ્મશાનમાં બાળીને પાછા ફરેલા ધર્માત્મા પિતાએ પોતાના ગુરુદેવના પ્રશ્ન-ક્યાં ગયા હતા? આજે વ્યાખ્યાનમાં કેમ ગેરહાજર?”-ના જવાબમાં પૂરી સાહજિકતાથી કહ્યું, “ગુરુદેવ ! મહેમાન આવ્યો હતો તેને વળાવવા ગયો'તો !”
માત્ર ધર્મક્રિયાઓ કરે તે ખરો ધર્મી નથી. ખરો ધર્મી તે છે જે સુખના સમયમાં જરાય છકી જતો નથી અને દુઃખના સમયમાં જરાય ડગી જતો નથી.
જૈન મહાભારત ભાગ-૧