________________
નૈમિત્તિકે કહ્યું કે, “વસુદેવ નિશ્ચિતપણે જીવતા છે.” આ સાંભળીને કુટુંબીજનોને ખૂબ આશ્વાસન મળ્યું.
સમુદ્રવિજય અને વસુદેવનું મિલન એકવાર રોહિણી નામની રાજકન્યાના સ્વયંવરમાં સમુદ્રવિજય ગયા હતા. ત્યાં છૂપા વેષે વસુદેવ પણ આવ્યા હતા. ત્યાં જે ઘટના બની તેમાં બે ભાઈઓનો ભેટો થયો. બંને ખૂબ પ્રેમથી ભેટ્યા. સમુદ્રવિજયે વસુદેવને ઘરે આવવા જણાવ્યું. તેણે કહ્યું કે, “મેં અનેક કન્યાઓ સાથે લગ્ન કર્યા છે. તે બધીયને લઈને હું આવીશ. હાલ આપ શૌર્યપુર પધારો.”
એક દિવસ તમામ સ્ત્રીઓ સાથે વિમાનમાં બેસીને વસુદેવ શૌર્યપુરમાં આવી ગયા. ભારે ઉલ્લાસથી રાજાએ તેમનો નગરપ્રવેશ કરાવ્યો.
હવે બે ભાઈઓ સુખચેનથી દિવસો પસાર કરી રહ્યા હતા.
એક દિવસ વસુદેવનો ભૂતપૂર્વ મિત્ર મથુરાધીશ કંસ શૌર્યપુર આવ્યો. પોતાના ઉપકારી વસુદેવની આગતાસ્વાગતા કરવાના શુભ હેતુથી તેમને મથુરા લઈ ગયો. ત્યાં કંસે પોતાના કાકા દેવકરાજની દીકરી અતિ રૂપવતી દેવકીના લગ્ન વસુદેવની સાથે કરાવ્યા.
ઉન્માદી જીવયશા અને અઇમુત્તા મુનિ આ લગ્નપ્રસંગ ચાલતો હતો તે વખતે કંસના સંસારીપણે ભાઈ-અતિમુક્તક મુનિ (અઈમુત્તા મુનિ) ગોચરી વહોરવા માટે આવી ચડ્યા. આ સમયે આનંદવિભોર બનેલી જીવયશાએ પુષ્કળ દારૂ પીધો હતો. તેના ઉન્માદમાં તે પાગલ જેવી બની ગઈ હતી. તે સ્થિતિમાં જીવયશા તેમની તરફ દોડી અને તેમને કહેવા લાગી, “ચાલો, દિયર ! આપણે બે નાચીએ. બહુ મજા આવશે.” આટલું કહીને જીવયશા મુનિને ગળે વળગી પડી અને પછી તેમને ખેંચવા લાગી.
મુનિ માટે આ સ્થિતિ અત્યંત અસહ્ય હતી. ઝાટકો મારીને તેમણે પોતાની જાતને છોડાવી લીધી.
મુનિ મહાજ્ઞાની હતા. તેમણે જ્ઞાનબળે કહ્યું : “ઓ જીવયશા ! તું જેના લગ્નમહોત્સવ નિમિત્તે આનંદવિભોર બની છે એ વસુદેવ અને દેવકીનો સાતમો પુત્ર તો તારા પતિ કંસની હત્યા કરનારો બનવાનો છે !” મુનિના આ વચનો સાંભળતાં જ જીવયશા હેબતાઈ ગઈ ! તેનો નશો એકદમ ઊતરી ગયો.
સુજન બનવા પાપભીતિ, પરલોકવૃત્તિ, મોક્ષલક્ષ કેળવો કેવો છે આ સંસાર ! નારી પણ દારૂપાન કરીને પાગલ બને, ઉન્માદમાં ચકચૂર બને ! હા, જયાં મોક્ષનું લક્ષ નહિ હોય, જયાં પરલોક સુધારવાની વૃત્તિ નહિ હોય, જયાં પાપોનો ડર નહિ હોય તે તમામ માણસો-નર કે નારી-ના જીવન સાતેય વ્યસનોથી ખદબદવા લાગે તેમાં કશી નવાઈ નથી.
માણસને સહજ રીતે “સુજન બનાવવા માટે પાપભીતિ, પરલોકવૃત્તિ અને મોક્ષનું લક્ષ કેળવવા સિવાય બીજો કોઈ રસ્તો જણાતો નથી. વર્તમાનકાળમાં આ ત્રણેય ગુણોને પશ્ચિમના ઝંઝાવાતી પવનમાં સાફ કરી દેવામાં આવ્યા છે. એનું પરિણામ અતિ ભયાનક આવ્યું છે.
રાજકારણમાં અન્યાય, અનીતિ, લાંચરુશ્વત, જૂઠ, વિશ્વાસઘાત કે સત્તાની કારમી લાલસા શા કારણે છે?
યુવાનોમાં અબ્રહ્મની વાસનાઓના પૂર તેની બધી ભયજનક સપાટીઓ કેમ વટાવી ગયા છે ?
જૈન મહાભારત ભાગ-૧