________________
આ જાણીને નંદિષણને ખૂબ આઘાત લાગ્યો. તે આપઘાત કરીને જીવનનો અન્ત લાવી દેવા માટે ઘરમાંથી ચાલી નીકળ્યો. કોઈ પહાડ ઉપર ચડ્યો, પણ તેના સદ્નસીબે ત્યાં મહામુનિ મળી ગયા. તેમના ઉપદેશથી તેણે દીક્ષા લીધી. જઘન્યથી છઠ્ઠને પારણે છઠ્ઠનું તપ શરૂ કર્યું. ‘અપૂર્વ વૈયાવચ્ચી' તરીકેની તે નંદિષેણ મુનિ ખ્યાતિ પામ્યા. દેવપરીક્ષામાં ય ઉત્તીર્ણ થઈ ગયા.
પરંતુ સુદીર્ઘ નિર્મળતમ સંયમજીવનના છેડે થાપ ખાઈ ગયા. મોટો તરવૈયો ખાબોચિયામાં ડૂબી ગયો. ભૂતકાળ યાદ આવી ગયો ! આત્મા ખળભળી ઊઠ્યો.
જ્યારે તેમણે અંતિમ અનશન કર્યું હતું, જ્યારે મુનિઓ સુંદર આરાધના કરાવી રહ્યા હતા, જ્યારે મંત્રાધિરાજનું શ્રવણ થઈ રહ્યું હતું ત્યારે એકાએક ગૃહસ્થજીવનના ભૂતકાળ ઉપર પડેલી વિસ્મરણની ધૂળ ખંખેરાઈ અને ભૂતકાળ યાદ આવ્યો, મામાની દીકરીઓની આપઘાતની ધમકી યાદ આવી.
મુનિએ વિચાર્યું, “હા, મારા કુરૂપના કારણે જ તે બધી ઘટનાઓ બની હતી. તો બસ, આ જીવનમાં તપ વગેરે કરીને અઢળક પુણ્ય પેદા કર્યું જ છે તો તેનો બદલો માંગી લઉં કે આવતા ભવે મને એવું રૂપ મળે કે સેંકડો નારીઓ મારા રૂપની પાછળ પાગલ બને.”
હાય ! મહામુનિએ આ શું કરી નાંખ્યું !
હાથી વેચીને ગધેડો ખરીદ્યો !
સંયમનું બાવનાચંદનનું વન જલાવી દઈને રાખ મેળવી ! આ ભૂતપૂર્વ નંદિષેણ મુનિ તે જ વસુદેવ !
વસુદેવ શૌર્યપુરમાંથી પલાયન
નગરમાં એ યથેચ્છ રીતે ફરતા અને તે વખતે નગરની સેંકડો નારીઓ ઘરકામ મૂકીને તેમને જોવા માટે દોડતી. ઘર ઘરના પુરુષો આ પરિસ્થિતિથી ચોંકી ઊઠ્યા. તેમણે મહારાજા સમુદ્રવિજયને ફરિયાદ કરીને વસુદેવના નગરવિહાર ઉપર પ્રતિબંધ મૂકી દેવાની વિનંતી કરી.
અને...તેમ જ થયું. મોટા ભાઈએ નાના ભાઈ વસુદેવને કહ્યું કે, “બહાર બહુ ફરવાથી તું શારીરિક રીતે દુર્બળ થઈ ગયો છે માટે હવે ઘરમાં જ રહે અને મલ્લકુસ્તી વગેરે દાવો ખેલીને સશક્ત થા.”
વસુદેવને આ વાતની પાછળ પડેલી ગંધ ન આવી. ખરેખર તો વસુદેવ નજરકેદ થઈ ગયા. એક વાર તેણે કોઈ દાસીને જરાક હેરાન કરી એટલે છંછેડાઈને તેણે કહ્યું, “હજીય તમે સીધા થયા નથી ? તમારા મોટાભાઈએ તમને નજરકેદ કરીને શું કર્યું ?”
આ સાંભળીને વસુદેવ ચમક્યા. દાસી પાસેથી વિગતવાર વાત જાણી ત્યારે ‘આ રીતે નજરકેદનું જીવન જીવવાનો શો અર્થ ?’ એમ વિચારીને વસુદેવ નગરમાંથી ચાલી નીકળ્યા. જતી વખતે ચિઠ્ઠી મૂકી, જેમાં લખ્યું હતું કે, “તમારો વસુદેવ ચિતામાં બળી મર્યો છે.”
આ ચિઠ્ઠી વાંચીને મહારાજા સમુદ્રવિજયને ખૂબ આઘાત લાગ્યો. માતા સુભદ્રા તો ઝૂરવા લાગી. અંતે પુત્રવિરહનો આઘાત ન જીરવાતાં મૃત્યુ પામી ગઈ.
આખા નગરમાં હાહાકાર મચી ગયો. પણ કાળને પસાર થતાં કેટલી વાર લાગે છે ! વર્ષોના વહાણાં વાઈ ગયા.
એકવાર કોઈ નૈમિત્તિક પાસે સમુદ્રવિજયે વસુદેવના જીવન સંબંધમાં પ્રશ્ન મૂક્યો. ઉત્તરમાં
જૈન મહાભારત ભાગ-૧