________________
ગણેયની અજોડ પિતૃભક્તિ
રાજયમાં આવ્યા બાદ શાન્તનુએ ગાંગેયને યુવરાજપદે આરૂઢ કર્યો.
ગાંગેયના અગણિત ગુણોથી પિતા શાન્તનુ તેની ઉપર અતિશય પ્રસન્ન રહેતા હતા. ગાંગેયને કોઈ દુઃખ ન પડી જાય તેની પૂરતી કાળજી કરતા પિતા શાન્તનું ગાંગેયને માતા ગંગાની સ્મૃતિ પણ થવા દેતા નહિ.
સત્યવતી પર શાન્તનુનો મોહ એક દિવસ યમુના નદીના કિનારે ફરતા રાજા શાન્તનુએ હોડી હંકારતી નાવિક કન્યા જોઈ. તેનું નામ સત્યવતી હતું. તેનું સૌંદર્ય રંભાને પણ પરાજિત કરે તેવું હતું. શાન્તનુ તેની ઉપર મોહિત થયા. તેનો પરિચય મેળવીને તેના પિતા નાવિકશ્રેષ્ઠની પાસે સત્યવતીની માંગણી કરી. પણ ચકોર નાવિકે તેનો નિષેધ કરીને રાજાને કહ્યું, “મારી દીકરી તમને આપીને મારે તો તેની જિંદગી પાયમાલ જ કરવાની રહી ને ! ગાંગેય જેવો જેને મહાપરાક્રમી પુત્ર મળ્યો છે એ જ આપની પછી રાજયનો અધિકારી બનશે. મારી દીકરીને પુત્ર થાય તો કાંઈ તેને રાજ થોડું જ મળવાનું? મહાપરાક્રમી ગાંગેય સામે મારો દૌહિત્ર શી વિસાતમાં?”
નાવિકની વાત તદ્દન સાચી લાગતાં શાન્તનું ત્યાંથી વિદાય થયો. પણ તેના મનનો ઉદ્વેગ મુખ ઉપર છતો થઈ ગયો. ગાંગેયને કોઈ ઊંડા છુપાયેલા ઉદ્વેગની ગંધ આવી. મત્રી દ્વારા તેણે તેનું કારણ શોધી કાઢ્યું. તે તરત નાવિક પાસે ગયો.
ગાંગેય અને નાવિકનો સંવાદ તેણે નાવિકને કહ્યું, “તું તારી દીકરી સત્યવતી મારા પિતા વેરે આપ. હું તેને મારી માતા બરોબર માનીશ અને તેના પુત્રને જ હું ભાવી રાજા બનાવીશ. “મારે કદી રાજા થવું નહિ એ મારો તને કોલ છે. નાવિક! તને કુરુવંશના ગૌરવની તો ખબર છે ને? અમે કદી વચનભંગ કરતા નથી હોં ! બોલ, હવે તને કોઈ વાંધો છે ખરો ?”
નાવિકશ્રેષ્ઠ કહ્યું, “કુમાર ! તમારા વચન ઉપર તો મને પૂર્ણ વિશ્વાસ છે, પરંતુ તમારો ભાવી પુત્ર તો રાજ્યનો અધિકારી બનશે ને ? મારી સત્યવતીનો પુત્ર તમારા પુત્રની સામે તો ઊભો ય ન રહી શકે. શું મારી આ વાત આપને વિચારણીય લાગતી નથી? આ લાંબી દષ્ટિનો વિચાર કરીને જ હું મારી દીકરી તમારા પિતાને આપવાની ઈચ્છા રાખતો નથી.”
આર્યાવર્તની રાજાશાહીના રાજાઓ કેવા પ્રેમાળ હશે કે પ્રજાનો અદકેરો માણસ પણ પોતાના મનની વાત પૂરી નીડરતાથી રજૂ કરી શકતો હશે.
દુષ્યન્તને રોકતો બાળક કણ્વઋષિના આશ્રમમાં દાખલ થતાં દુષ્યન્તને આશ્રમના નાનકડા બાળકે અટકાવ્યા હતા અને કહ્યું હતું, “આ આશ્રમમાં ઋષિવરની આજ્ઞા મેળવ્યા વિના પ્રવેશ કરવાનો નાનકડા જંતુને પણ અધિકાર નથી !”
પોતાના પ્રજાજનની આ નીડરતા-નીતરતી વાણી સાંભળીને મહારાજા દુષ્યન્તના રોમેરોમમાંથી આનંદની ઝણઝણાટી પસાર થઈ ગઈ હતી.
કેટલાક રાજાઓ રાજમહેલની બહાર ઘંટ બાંધી રાખતા. જેને ન્યાય જોઈએ તે ઘંટ વગાડતો.
જૈન મહાભારત ભાગ-૧