________________
બ્રહ્મચર્ય પણ મારું જીવન. અને તેની સાથોસાથ પિતૃભક્તિ કરવાનો અમુલખ લાભ. હવે મારે બીજું શું જોઈએ ?
હા, એક વાત હજી રહી જાય છે; એ ચારણમુનિવરોની જેમ સર્વસંગનો ત્યાગ કરવાની. પણ એ ય તક આવશે તો હું છોડવાનો નથી, પણ આજે એ શક્ય લાગતું નથી.”
ગાંગેયનું વાક્ય પૂરું થતાં જ આકાશસ્થ વિદ્યાધરોએ પ્રસન્ન થઈને પુષ્પોની વૃષ્ટિ કરી. તેમણે કહ્યું, “અરે ! અરે ! ભીષ્મ પ્રતિજ્ઞા ! ભીષ્મ પ્રતિજ્ઞા !”
અને એ દિવસથી ગાંગેય ‘ભીષ્મ’ના નામે આ જગતમાં પંકાયા. શાન્તનુ સાથે સત્યવતીના લગ્ન થયા.
પિતૃભક્ત કુણાલ : રામ : મહાવીરદેવ અહીં યાદ આવે છે કુણાલ; જેણે પિતાની જ તેવી આજ્ઞા છે એમ માનીને તાબડતોબ પોતાની બે ય આંખો ફોડી નાંખી.
અહીં યાદ આવે છે રામચન્દ્રજી; જેમણે પિતાને કૈકેયીના ઋણમાંથી મુક્ત કરવા માટે, ભરતને રાજ અપાવવા માટે પોતે વનમાં ચાલ્યા જવાનું પસંદ કર્યું.
અહીં યાદ આવે છે પરમાત્મા મહાવીરદેવ; જેમણે ગર્ભાશયમાં પણ માતાને ત્રાસ ન પડે તે માટે હલનચલન સ્થગિત કરી દીધું.
અ૨૨૨ ! પશ્ચિમનો ઝેરી પવન ફૂંકાયા પછી આ ભારતદેશની પ્રજા ચારેબાજુથી કેવી બેહાલ થઈ રહી છે ! પિતૃભક્તિ જેવા કેટલાય ગુણોના વડલાને આ ઝેરી વંટોળિયાએ ધારાશાયી કરી નાંખ્યા. માતા-પિતાને પગે લાગતાં પણ આજના સંતાનોને ‘શરમ' આવે છે એ કેટલી બધી શરમભરી વાત કહેવાય !
ડો. ટોડરમલની માતા
થોડાક સમય પહેલાં ટૉડરમલ ડૉક્ટરની ઘટના વાંચવામાં આવી. વિખ્યાત ડૉક્ટર બની ગયેલા ટોડરમલને તેમના બા ‘ટોડર ! ટોડર !' કહીને બોલાવે તે ખૂબ જ ખૂંચતું હતું. તેણે બાને તેમ ન સંબોધવા ખૂબ જિદ લીધી ત્યારે પોતાના વાત્સલ્યભાવ ઉપર થયેલા આ ઘાથી છંછેડાયેલી બાએ ટોડરમલને બોધપાઠ આપવાનો નિર્ણય કર્યો. તેણે પોતાની આજ્ઞાઓમાં રહેવાપૂર્વક એક રાત દીકરા પાસે સહશયન માંગ્યું. તેમ થાય તો જ તે ટોડરને ‘ટોડરમલ સાહેબ !' સંબોધવા માટે તૈયાર હતી.
ટોડરમલે એક રાતનું સહશયન કર્યું. રાતે બાર વાગે બાએ ‘ટોડર! પાણી લાવ’ કહ્યું . ભરઊંઘમાં પડેલા ટોડરમલે બબડતાં બબડતાં પાણી આપ્યું ત્યારે માએ કહ્યું, “તું નાનો હતો ત્યારે પાણી માંગતાં મેં કદી કચવાટ નહોતો કર્યો હોં ! અને ભૂખના દુઃખે રોતો હતો ત્યારે ધવડાવવામાં એક સેકન્ડની પણ વાર લગાડી ન હતી.'
થોડુંક પાણી પીને બાએ બાકીનો આખો લોટો પથારીમાં જ ઢોળી નાંખ્યો. ટોડરમલ અકળાઈને કહેવા લાગ્યો, “અ૨૨૨ ! હવે આ ભીનામાં શેં સૂવું ?”
માએ કહ્યું, “તારા મૂતરથી લથપથ પથારીમાં કેટલીય વાર હું તો આરામથી ઊંઘતી હતી ! ત્યારે મને તો કશોય વિચાર આવ્યો નથી !”
આ સાંભળતાં જ ટોડરમલની આંખ ખૂલી ગઈ, ભૂલ સમજાઈ ગઈ. પોતાને ‘ટોડરમલ સાહેબ !' કહીને સંબોધવાનો આગ્રહ સદા માટે છોડી દીધો.
જૈન મહાભારત ભાગ-૧