________________
શાન્તનુ-ગાંગેયનું યુદ્ધ કેટલીક બોલાચાલી બાદ બંને એકબીજા સામે તીર ફેંકવા લાગ્યા. થોડી જ વારમાં ગાંગેય શાન્તનુને મહાત કરવા લાગ્યો. એક તીરથી તેનો મુગટ ઉડાવી લીધો, પછી તેની પણછ તોડી નાંખી.
હવે શાન્તનુ ખૂબ ઉશ્કેરાયો. દૂરથી માતા ગંગા પિતાપુત્રના આ યુદ્ધને જોઈ રહી હતી. પરિસ્થિતિ વધુ ગંભીર બનતી જણાતાં છાની રીતે પુત્ર પાસે આવી અને યુદ્ધ નહિ કરવા સમજાવ્યું. પણ નિરપરાધી જીવોને રહેંસી નાંખતા માણસની દયા બિલકુલ નહિ ખાવાની વાત તેણે સાફ શબ્દોમાં માતાને કરી દીધી.
ગાંગેયનો સુંદર પ્રત્યુત્તર છેવટે માતાએ તે પુરુષ તેના પિતા જ છે તેમ જણાવ્યું. આ સાંભળીને થોડીક વાર માટે સ્તબ્ધ થઈ ગયેલો ગાંગેય પુનઃ સ્વસ્થ થઈને માતાને કહેવા લાગ્યો કે, “એ ગમે તે હોય. મારે એમનો મુકાબલો કર્યા વિના છૂટકો જ નથી. નિર્દોષ જીવોને એ મારે તેમાં જીવોને જે દુઃખ પડે તેથી વધુ દુ:ખી હું થઈશ. વળી મારા પિતા આટલા ક્રૂર અને ઘાતકી છે એ જાણીને મને ખૂબ દુઃખ થાય છે. હવે મારે જ તેમને બોધપાઠ આપવો પડશે.”
સહુનું ભાવભર્યું મિલન
પુત્ર ન માન્યો એટલે ગંગા શાન્તનુ પાસે ગઈ. એ યુવાન પોતાનો પુત્ર છે તે જાણીને શાન્તનુએ શસ્ત્રો ફેંકી દીધા. દોડીને પુત્રને ભેટી પડ્યો.
સજળ નયને સહુ મળ્યા. મન ભરીને વાતો કરી. હવે શાન્તનુએ શિકારનું વ્યસન સંપૂર્ણપણે ત્યાગવાનો કોલ આપ્યો. મા-દીકરાને ઘેર આવવા જણાવ્યું.
ગંગાએ કહ્યું, “ગાંગેયને તમે લઈ જાઓ. હું તો હવે જિનભક્તિમાં લીન બની છું. વળી ચારણમુનિઓ પાસેથી સંસારનું સ્વરૂપ અને કર્મના વિપાકો જાણ્યા પછી મને આ સંસારસુખ પામવાનો લેશ પણ રસ રહ્યો નથી. તમે પિતા-પુત્ર સુખી થાઓ અને ધર્મમય જીવન જીવો એટલી જ મારી અભિલાષા છે.’
સીતાજીએ પણ દિવ્ય કર્યા બાદ રામચન્દ્રજીને આવી જ વાત કરી હતી ને ? અયોધ્યા જવાને બદલે તેઓ દીક્ષાના માર્ગ તરફ વળી ગયા હતા.
માતાની ખૂબ સમજાવટથી ગાંગેય-અનિચ્છાએ પણ-પિતા સાથે જવા તૈયાર થયો. બે ય રથમાં બેસીને વિદાય થયા. જ્યાં સુધી ૨થ નજરમાંથી દૂર ન થયો ત્યાં સુધી ગંગાએ ત્યાં જ ઊભા રહીને રથ તરફ દિષ્ટ નાંખ્યા કરી.
જૈન મહાભારત ભાગ-૧