________________
છે. આવા આકસ્મિક પ્રસંગનું અનુકરણ કદાપિ કરી શકાય નહિ.
હવે સવાલ આવે છે તેના સતીપણાનો !
મને તો લાગે છે કે દ્રૌપદી “સતી’ નહીં પણ “મહાસતી” કહેવાને યોગ્ય છે. લગ્ન બાદ નારદ દ્વારા પરસ્પરના ક્લેશનિવારણ માટે એક એવો નિર્ણય લેવાયેલ કે દ્રૌપદી સાથે એક જ પતિએ રહેવું, ભૂલથી પણ બીજાએ ત્યાં જવું નહિ. આમ રોજ માટે દ્રૌપદીનો કોઈ પણ એક જ પતિ ગણાવો જોઈએ.
નારદની આ વાતનો અર્થ એ થયો કે દ્રૌપદીએ હંમેશ એક સિવાયના ચાર પતિઓને સગા ભાઈ જેવા જ જોવા.
જે પરપુરુષો છે તેમને ‘ભાઈ’ જેવા ગણવા એ તો હજી સહેલ છે, પણ જેમની સાથે સંસાર ભોગવ્યો છે તેમને અમુક અમુક કાળે સગા ભાઈ તુલ્ય જોવા એ વાત કેટલી કઠિન છે એ તો ભુક્તભોગીઓ જ સમજી શકે!
આ દૃષ્ટિથી સીતા વગેરે સતીઓ કરતાં પણ દ્રૌપદીનું કાર્ય અતિશય મુશ્કેલ હતું. પણ તે ય તેણે બરોબર પાર ઉતાર્યું છે માટે તેને સતી જ ન કહેતાં મહાસતી કહેવી એ ઉચિત લાગે છે.
વ્યાસમુનિએ દ્રૌપદીને કર્ણ, કૃષ્ણ તરફ આસક્તિ ધરાવતી ક્યાંક બતાવી છે તે આ મહાસતી ઉપર થયેલો સીતમગાર અન્યાય છે.
અર્જુનના ખોળામાં સત્યભામાના પગ પડે અને કૃષ્ણના ખોળે દ્રૌપદીના પગ પડે અને એ રીતે કૃષ્ણ અને અર્જુન પોતાની ગાઢ મૈત્રીને મૂલવે એ વાત અતિશય હાસ્યાસ્પદ લાગે છે. આર્યદેશની સામાન્ય નારીનું પણ સત્ત્વ આવી મૈત્રી કરવાની પતિની વાતે છંછેડાઈ ગયા વિના ન રહે તો સત્ત્વના લાવારસ જેવી દ્રૌપદી શું આ બધું ચલાવી લે ?
મર્યાદાહીન વળી મૈત્રી શેની ?
આ તો તે દ્રૌપદી છે જેને યુધિષ્ઠિર જુગારમાં હારી ગયા તો તેમને પણ ભરસભામાં તેણે તીખા તમતમતા શબ્દોમાં સવાલ કરીને તેનો જવાબ માંગ્યો છે કે, “તમે જુગારમાં તમારી જાતને હારી ગયા પછી મને હોડમાં મૂકવાનો તમારો અધિકાર જ ક્યાં હતો ?”
આ સવાલનો જવાબ કોઈ આપી શક્યું ન હતું.
જૈન મહાભારત ભાગ-૧