________________
અર્થ : તે સભા નથી જેમાં વૃદ્ધો નથી. તે વૃદ્ધો નથી જેઓ ‘ધર્મ’ કહેતા નથી. તે ધર્મ નથી જેમાં સત્ય નથી.
તે સત્ય નથી જે કપટથી ખરડાયેલું છે.
તેના વસ્ત્રાહરણ વખતે જે આવેશ ભડકી ઊઠેલો તે પૂરો શાન્ત થાય તે પૂર્વે ફરીથી ભડકે જલવા લાગ્યો, જ્યારે એક વર્ષના ગુપ્તવાસમાં કીચકે સૈરશ્રીના રૂપમાં તેની સાથે છેડતી કરી, તેના અંગને સ્પર્શ કર્યો.
નારી, અને તે પાછી પતિવ્રતા, તે જો આવા અઘટિત પ્રસંગે ન ઉશ્કેરાઈ પડે તો તેના શીલમાં જ શંકા કરવી પડે.
દ્રૌપદીના આવેશમાં તેની ‘વિશુદ્ધિ’ નિમિત્ત બની હશે તેમ કદાચ તેના કારણે પાંડવોને પ્રાપ્ત થયેલા કેટલાક લાભોમાં પેદા થયેલો અહંભાવ પણ નિમિત્ત થયો હોય તો નવાઈ નહિ.
પાંડવોને દ્રુપદ જેવા સસરા મળ્યા, તેમની સેના મળી અને ધૃષ્ટદ્યુમ્ન(દ્રૌપદીનો ભાઈ) જેવો પરાક્રમી યોદ્ધો મળ્યો એટલે જ કૌરવોને-ખાસ કરીને ધૃતરાષ્ટ્રને-પાંડવોના વધી ગયેલા બળનો સ્વીકાર કરીને ખાંડવપ્રસ્થ (ઇન્દ્રપ્રસ્થ)નું રાજ્ય આપવાનું સમાધાન કરવાની ફરજ પડી. નહિ તો આટલી ય વાત કરવા કોઈ તૈયાર ન હતું.
હવે આપણે દ્રૌપદીના સતીત્વ વિષે વિચાર કરીએ.
પહેલી વાત એ છે કે દ્રૌપદીએ માત્ર અર્જુનના ગળે સ્વયંવર-માળા નાંખી પણ કુન્તીએ તેણીને પાંચેય પાંડવોની પત્ની બનવાનું દબાણ કર્યું-જે મળે તે પાંચેએ વહેંચી લેવાનું નક્કી કર્યું હોવાથી (!)-અને દ્રૌપદીએ તે વાત સ્વીકારી લીધી. આ વાત જૈન મહાભારતકારને તો માન્ય નથી પરન્તુ આર્યાવર્ત્તની સાંસ્કૃતિક નીતિને પણ માન્ય નથી.
જે મળે તે વહેંચી લેવાનો. શું સ્ત્રી પણ વહેંચી લેવા સુધીનો અર્થ કદાપિ થઈ શકે ખરો ? વળી કુન્તી જેવી આર્યમાતા આવું દબાણ કદી કરે ખરી ? દ્રૌપદી કદી આવી વાતમાં સંમતિ આપે ખરી ? આ બધી વાતોનો મેળ બેસતો નથી, એટલું જ નહિ પણ આવી વાતોની જો પરંપરા ચાલે તો આર્ય પ્રજામાં કારમો દુરાચાર ફેલાઈ જાય.
જૈન મહાભારતકાર પણ દ્રૌપદીના પાંચ પતિ તો જરૂર માને છે, પરન્તુ તે ય ‘બેક-ગ્રાઉન્ડ’ તેના પૂર્વભવમાં તૈયાર થયેલું છે.
સાધ્વી તરીકેના જીવનમાં તે ઘોર તપ કરતી હતી. ત્યાં તેણે પાંચ પુરુષોથી સેવાતી વેશ્યાને જોઈને તે સ્થિતિ પોતે પણ તપના બળથી પામે તેવો સંકલ્પ (નિયાણું) કર્યો છે અને તેનું જ એ પરિણામ આવ્યું કે જ્યારે તેણીએ અર્જુનના ગળામાં માળા નાંખી ત્યારે તે પાંચેય પાંડવોના ગળામાં માળા દેખાવા લાગી.
ખરેખર વિધિની (કર્મની) આ અતિ વિચિત્ર વક્રતા હતી, પણ તેની સામે બીજું શું થઈ શકે તેમ હતું ? આખી સભા-વિશેષ કરીને પિતા દ્રુપદ વગેરે આશ્ચર્યમૂઢ બની ગયા. ‘પોતાની દીકરીના પાંચ પાંચ પતિ' એ વાત તેમને જરાય ગોઠે તેવી ન હતી, પણ તે જ વખતે આકાશવાણી દ્વારા દેવોએ ‘તેણીના પૂર્વભવનું જ આ પરિણામ છે. એને હવે વધાવી લીધે જ છૂટકો છે’ એમ જણાવીને સહુની મૂંઝવણ દૂર કરી છે.
આમ દ્રૌપદીને પૂર્વભવમાં કરેલી ભૂલના પરિણામે પાંચ પતિઓની પત્ની થવાની ફરજ પડી
જૈન મહાભારત ભાગ-૧