________________
મહારાજા શાનનું
મહાભારતની પૂર્વભૂમિકા : અસંખ્ય વર્ષો(વીસ કોડાકોડી સાગરોપમ)નું બનેલું એક, એવા
અનંત કાળચક્રો આ ભરતક્ષેત્રમાંથી પસાર થઈ ગયા. દરેક કાળચક્રના ઉત્સર્પિણી અને અવસર્પિણી નામથી બે વિભાગ થાય. જે કાળમાં આયુ, ઊંચાઈ વગેરે વધતાં જાય તેને ઉત્સર્પિણીઓ કાળ કહેવાય છે, જેમાં તે બધા ઘટતાં જાય તે અવસર્પિણી કાળ કહેવાય છે.
અનંત ઉત્સર્પિણીઓ પસાર થઈ ગઈ. અનંત અવસર્પિણીઓ પસાર થઈ ગઈ.
દરેક ઉત્સર્પિણી અને દરેક અવસર્પિણીમાં ચોવીસ તીર્થંકરો થાય, બાર ચક્રવર્તીઓ થાય, નવ બળદેવ, નવ વાસુદેવ અને નવ પ્રતિવાસુદેવ થાય. આ તમામ આત્માઓ એ જ ભવે કે પછીના કોઈ ભવે નિશ્ચિતરૂપે મોક્ષગામી બને છે માટે આ ત્રેસઠ મહાપુરુષો-શલાકાપુરુષો-કહેવાય છે.
હાલ અવસર્પિણી કાળ ચાલે છે. તેના ઉપર્યુક્ત ત્રેસઠેય શલાકાપુરુષો આ ધરતી ઉપર થઈ ગયા.
જૈન મહાભારતની (પાંડવ-ચરિત્ર) કથાના જે પાત્રો છે તેમાંના શ્રીનેમનાથ, બળરામ, શ્રીકૃષ્ણ અને જરાસંઘ ઉપર્યુક્ત ત્રેસઠ શલાકાપુરુષોમાંના છે.
શ્રીનેમનાથ પ્રભુ બાવીસમા તીર્થંકર છે, બળરામ છેલ્લા બળદેવ છે, શ્રીકૃષ્ણ છેલ્લા વાસુદેવ છે અને જરાસંઘ છેલ્લા પ્રતિવાસુદેવ છે.
શ્રીકૃષ્ણની ફોઈ કુન્તીના પાંચ પાંડવો અને કર્ણ પુત્રો છે. શ્રીકૃષ્ણ અને શ્રીમનાથ પ્રભુ બે ભાઈઓ (કાકા કાકાના દીકરાઓ) થાય છે.
શ્રીકૃષ્ણની બેન સુભદ્રા સાથે અર્જુનના લગ્ન થયા હોવાથી અર્જુન અને શ્રીકૃષ્ણ અનુક્રમે સાળા-બનેવી થાય છે. આટલું સમજીને હવે મહાભારતની કથા શરૂ કરીએ.
કૌરવોનો આધ રાજા કુર આ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર પરમાત્મા આદિનાથ.
તેમને એકસો પુત્રો હતા, તેમાં કુરુ નામનો એક પુત્ર હતો. આ કુરના વંશજો તે કૌરવ કહેવાયા. કુરુનો હસ્તી નામે પુત્ર હતો તેના નામથી “હસ્તિનાપુર નગરી થઈ.
મહારાજા કુરુની રાજગાદી ઉપર ઉત્તરોત્તર અસંખ્ય કુટુ-વંશજો આવતા ગયા, તેમાં ત્રણ ચક્રવર્તી તીર્થંકરદેવી શ્રી શાન્તિનાથ, શ્રી કુન્થનાથ અને શ્રી અરનાથ થયા. સનતુ કુમાર અને સુભૂમ નામના બે ચક્રવર્તી રાજાઓ થયા.
શાન્તનુને ગંગાનો મેળાપ આ રીતે અસંખ્ય વંશજો પછી આ કુરુવંશમાં શાન્તનુ નામનો મહાપરાક્રમી રાજા થયો. સર્વ વાતે સારા એ રાજાને શિકારનું ભયાનક વ્યસન લાગુ થયું હતું.
એક વખત શિકાર કરવા માટે તે વનમાં ગયો. ત્યાં કોઈ હરણીની પાછળ પડી જતાં એવા એક પ્રદેશમાં આવી ચડ્યો જ્યાં તેણે વિશાળ મહેલ જોયો. કુતૂહલથી પ્રેરાઈને તે ઠેઠ સાતમા માળે પહોંચી ગયો. ત્યાં લાવણ્યથી નીતરતી એક કન્યાને તેની દાસી સાથે વાતો કરતી જોઈ.
જૈન મહાભારત ભાગ-૧