________________
કામ તેમનું હતું ?
આ કામ તેમનું ન જ હતું તે વાતની સાબિતી એ છે કે તેઓ યુદ્ધના ન્યાયને પણ વેગળો મૂકીનેતેમના ત્રણ દિવસના સેનાધિપતિપદના યુદ્ધકાળમાં-અર્જુનપુત્ર અભિમન્યુ નિઃશસ્ત્ર હતો ત્યારે તેની ઉપર તૂટી પડીને તેને મારી નાંખવામાં આવ્યો.
ત્રણ દિવસમાં દ્રોણ એટલા બધા ઝનૂને ચડ્યા કે જયદ્રથનો વધ થયાનું વૈર લેવા માટે તેમણે રાત્રે પણ યુદ્ધ ચાલુ રાખ્યું.
દ્રોણમાં ક્ષાત્રવટનું લોહી ન હતું તે જ અહીં કારણ નહિ બન્યું હોય?
વળી અશ્વત્થામા ય ક્યાં ક્ષત્રિય હતો ? તો શા માટે તેના હાથમાં પણ શસ્ત્રો લેવડાવ્યા ? દ્રોણે આ પણ કેટલી મોટી ભૂલ કરી ?
અયોગ્ય વ્યક્તિએ હાથમાં શસ્ત્રો તો લીધા પણ અન્યાય, ક્રૂરતા અને ભયાનક ઘાતકીપણાનો જ આશ્રય લીધો.
દુર્યોધનને ખુશ કરવા જ નહિ પણ પોતાના વારસામાં મળેલી પિતાની વૈરભાવનાને પૂરી કરવા માટે જ અશ્વત્થામા સેના વિનાનો છતાં સેનાધિપતિ બની ગયો. અને રાત્રે જ પાંડવોની છાવણી ઉપર અન્યાયી છાપો માર્યો.
ધૃષ્ટદ્યુમ્ન તો પોતાના પિતાના શત્રુ દ્રુપદનો દીકરો હતો અને પિતાનો શિરચ્છેદ પણ કરનારો હતો, એટલે એનો બદલો લેવા માટે એને ઊંઘમાં જ પગેથી મારી મારીને છૂંદી નાંખ્યો. શિખંડીના પણ એ જ હાલહવાલ કર્યા. શેષ પાંડવો નાસવા ગયા તો તમામને પકડી પકડીને અંધારામાં કાપી નાંખ્યા. જેમને પાંડવો કલ્પીને કાપી નાંખ્યા તે પાંડવોના પાંચ પુત્રો નીકળ્યા.
વ્યાસ કહે છે કે પાંડવો ન મર્યા તેથી રુષ્ટ થઈને ન છોડવા જેવું બ્રહ્મશિર અન્ન તેણે અર્જુનના પુત્ર અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરાના ગર્ભ ઉપર છોડી મૂકવા સુધીની બેહદ ક્રૂરતા આચરી. શસ્ત્રો હાથમાં લેવા માટે અ-ક્ષત્રિય એવા દ્રોણ અને અશ્વત્થામા કેટલા બધા અયોગ્ય હતા તે તેમના જ કાળા કરતૂતોથી જણાઈ આવે છે.
અને કેવી વિચિત્ર વાત છે કે અક્ષત્રિયને (એકલવ્યને) શસ્ત્રવિદ્યા નહિ શીખવવાનો સિદ્ધાન્ત જાણનારો સ્વયં તે સિદ્ધાન્તનો સ્વમાં અને સ્વપુત્રના સંબંધમાં ખુલ્લો ભંગ કરે છે !
કૃષ્ણને દ્રોણાચાર્ય ઉપર જે તિરસ્કાર વછૂટ્યો છે, તેને જીવતો ન રખાય તેવી જે વાત તેના મનમાં ઘૂમતી રહી છે તે ઉપર્યુક્ત કારણોસર જ હોવી જોઈએ.
તેમાં ય યુદ્ધના ત્રણ દિવસના દ્રોણના સેનાધિપતિપદ દરમિયાન અભિમન્યુની નિર્દય રીતની હત્યા થઈ અને રાત્રે પણ યુદ્ધ ચાલુ રખાયું તે જોઈને-દ્રોણાચાર્યનું હદ બહારનું ઝનૂન જોઈને-તેને મારવા માટે ‘ત્થામા હત'ના જૂઠનો આશ્રય લેવાની કૃષ્ણને નાછૂટકે ફરજ પડી છે.
4
દ્રોણાચાર્યના મૃત્યુનો પ્રસંગ ખૂબ બોધક છે. ‘પોતાનો પુત્ર મરાયો’ એવા સમાચાર મળતાંની સાથે જ તેઓ પુત્રમોહને લીધે એટલા બધા લાગણીશીલ બની ગયા કે તેઓ માનસિક રીતે આઘાત ખાઈ ગયા. તેમણે શસ્ત્રોનો ત્યાગ કરી દીધો.
પુત્રમોહની કાતીલ લાગણી પ્રધાન બની અને યુદ્ધમાં વિજય પામવાનું કર્તવ્ય ગૌણ બની ગયું. સાચો માણસ તે છે જે કર્તવ્યની આડે કોઈ પણ પ્રકારની લાગણીઓને આવવા ન દે. જેને લાગણી સતાવતી હોય તે ક્યારે કર્તવ્યભ્રષ્ટ થાય તેનું કોઈ ઠેકાણું નહિ.
જૈન મહાભારત ભાગ-૧