________________
પણ ગાંધીજી એ કૌરવોની સામે કૃષ્ણનો રોલ ભજવી ન શક્યા. હા, કૃષ્ણનો રોલ ભજવવા ગયા પણ તેમાં સરિયામ નિષ્ફળ ગયા. એમણે કૃષ્ણનો જ રોલ ભજવવો હોય તો અતિ ભોળા, અતિ સરળ, અતિ નિખાલસ બની શકાય નહિ. માણસોની પસંદગીની નજરમાં જરાય ઊણા ઊતરાય નહિ.
ખેદની વાત છે કે તેઓ કૃષ્ણનું વામણું સ્વરૂપ પણ પામી ન શક્યા અને તેથી જ તેમના નેતૃત્વ નીચે ચાલેલા રાજનીતિના ક્ષેત્રના આંદોલનમાં ભારતીય પ્રજા ભયંકર રીતે પાયમાલ થઈ. તેમના દ્વારા નિમાયેલા ખોટા વારસદારોના હાથે ભારતીય સંસ્કૃતિ બરબાદ થઈ. તેમના ભોળપણના ગેરલાભો ઉઠાવી લેનારા અંગ્રેજો દ્વારા “ભવ્ય ભારત'નું સ્વપ્ન તિતબિતર થઈ ગયું. ખંડિત ભારતનો જન્મ થયો.
જો ગાંધીજી ધર્માત્મા જ બનીને બેસી ગયા હોત, જો તેમણે કૃષ્ણનો રોલ ભજવવાનું અનિચ્છનીય ડહાપણ ન કર્યું હોત તો સ્વરાજ મેળવ્યાથી થયેલી પાયમાલી કરતાં અંગ્રેજ શાસનની પાયમાલી ચોક્કસપણે ઓછી હોત.
ગાંધીજીની રાજકારણી તરીકેની સરિયામ નિષ્ફળતા જોયા પછી તો રાજકારણના દાવપેચો લડવામાં અતિ કુશળ એવા કૃષ્ણ તરફ આ દૃષ્ટિથી ભારે અહોભાવ પેદા થાય છે.
કૃષ્ણને પૂરેપૂરા ઓળખવા હોય તો ગાંધીજીને પૂરેપૂરા સમજવા પડશે. એમની મુખ્યત્વે ભોળપણ-જનિત ભયાનક નિષ્ફળતાઓ બરાબર નજરમાં આવશે ત્યારે જ કૌરવોને સખત પાઠ ભણાવી દેતા કૃષ્ણની કૂડ-કપટભરી જવલંત સફળતાઓને ન્યાય આપી શકાશે.
કેટલા કૃષ્ણોની આજે જરૂર હશે; કૌરવો(અંગ્રેજો : દેશી અને વિદેશી)ને એમનું સ્થાન દેખાડી દેવા માટે ? એ તો ભગવાન જ જાણે.
જો કૃષ્ણ ન હોત તો ગાંધીજી જેવા સરળ, નિખાલસ અને નિઃસ્પૃહી યુધિષ્ઠિર કુરુક્ષેત્રે પોતાનો રણ-રથ લાવી શક્યા હોત કે કેમ તે એક સવાલ છે !
અર્જુન તો કદાચ કૌરવોના કપટથી વાજ આવી જઈને સાધુ બની ગયો હોત ! ભીમ કદાચ મળેલી શરીરની શક્તિઓને તપના માર્ગે વાળી શક્યો હોત ! સહદેવ અને નકુળ અધ્યાત્મમાર્ગે વળી ગયા હોત !
હા, અંતે એમ જ થયું. પણ શરૂમાં જ તે બધું ન બની ગયું તેમાં મુખ્ય કારણ કૃષ્ણ હતા. તેમણે જ આ ક્ષત્રિયવીરોના ક્ષાત્રવટને રણમેદાન તરફ વળાવીને દુષ્ટોના હાથમાં જઈ પડેલી ધરતીને છોડાવી, ભારતની આર્ય મહાપ્રજાને સન્માર્ગે વાળવાની શક્તિ ધરાવતું રાજછત્ર ગોઠવી દીધું, કેમકે તે માનતા હતા : I Rા.
જૈન મહાભારત ભાગ-૧