________________
દુર્યોધનના અંતરમાં ‘ધિક્કારની સામે ધિક્કાર'નો જે આતશ પ્રજ્વળી ઊઠ્યો તેણે જ મહાભારતનું સર્જન ક૨વામાં ખૂબ મોટો હિસ્સો નોંધાવ્યો. તેમાં મૂર્ખ અને મોહાન્ય સત્તાધારી પિતાનો સથવારો મળી ગયો.
વાંદરાએ દારૂ પીધો અને કોકે તેને ઠોંસો માર્યો. હવે તે કેટલો પાગલ થાય ?
જુઓ, દુર્યોધનના પાગલપનના અતિદુઃખદ પ્રસંગો :
(૧) કર્ણ સૂતપુત્ર તરીકે પ્રસિદ્ધ હોવા છતાં પાંડવોની સામે તેને ખડો કરી દેવા માટે દુર્યોધને અંગદેશના રાજા તરીકે તેને જાહેર કરી દીધો !
(૨) મામા શકુનિથી પ્રેરાઈને જુગાર દ્વારા પાંડવોને જીતી લેવાની યોજના અમલમાં મૂકવા માટે તે તૈયાર થયો. જો તેમાં પિતા ધૃતરાષ્ટ્ર સંમતિ ન આપે તો આપઘાત કરીને મરી જવાની તૈયારી પણ બતાવી.
(૩) યુધિષ્ઠિરની દિવ્યસભામાં જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળનું દર્શન કરતાં વળી ગયેલા છબરડા બદલ જે હાસ્ય ફેલાયું તેનાથી તે ત્યાં જ આઘાતથી મરું મરું થઈ ગયો. તેના વૈરનો બદલો લેવાનો મનોમન સંકલ્પ કર્યો.
(૪) જુગા૨માં જિતાઈ ગયેલી દ્રૌપદીને નિર્લજ્જ બનીને પોતાની સાથળ બતાવીને તેની ઉપર બેસવા માટે જાહેરમાં આમંત્રણ આપ્યું. હારેલા પાંડવોને લંગોટ સિવાયના બધા કપડાં ઉતારી દેવાની ફરજ પાડી.
(૫) વિષ્ટિકાર તરીકે આવેલા શ્રીકૃષ્ણને એકાએક કેદ કરી લેવાની હિંમત કરવાના મનોરથો
સેવ્યા.
(૬) પાંચ જ ગામો પાંડવોને આપવાની છેલ્લામાં છેલ્લી કૃષ્ણની વાત સામે હુંકાર કરીને દુર્યોધને કહ્યું, “સોંય જેટલી પણ જમીન નહિ આપું.”
(૭) ભીષ્મ જેવા પિતામહને યુદ્ધમાં બરોબર નહિ લડતા હોવાનો આક્ષેપ મૂકીને ઠપકો આપ્યો.
(૮) ગાયો લેવા માટે દ્વૈતવને ગયેલો દુર્યોધન ત્યાં વિદ્યાધરો સાથેની ઝપાઝપીમાં કેદ થઈ ગયો ત્યારે પાંડવો દ્વારા છોડાવાયો એનું એને ખૂબ દુઃખ થયું. તેને લાગ્યું કે, “પાંડવોથી છૂટા થવા કરતાં હું મરી ગયો હોત તો સારું હતું.”
(૯) મરતી વેળાએ પણ બધું જ હારી બેઠો હોવા છતાં અન્યાયી રસ્તે પણ બદલો લેવાના અતિ આવેશમાં આવેલા અશ્વત્થામાને સેનાધિપતિ (સેના વિનાનો) બનાવ્યો અને પાંડવોનો સંહાર કરવા મોકલ્યો. (બિચારો ! જ્યારે અશ્વત્થામાએ પાંડવોના સમજાયેલા પાંચ કાપેલાં માથાં દુર્યોધનને દેખાડ્યા ત્યારે ભારે નિસાસા નાંખતો તે બોલ્યો, “ઓ મૂર્ખ ! આ પાંડવો નથી પણ આ તો પાંડવપુત્રો-પાંચાલોના માથાં છે. હાય ! પાંડવોને તો તું ન જ મારી શક્યો !’’ આ કારમી વેદનામાં જ દુર્યોધન મૃત્યુ પામ્યો.)
આમ મરણપર્યન્ત અહંકારમાંથી પેદા થયેલા પાગલપનમાં દુર્યોધન રિબાતો રહ્યો.
જૈન મહાભારત ભાગ-૧